ફેડરલની બેઠક પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ ધાતુમાં ગાબડાં

32

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થતી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન મેટલ એક્સચેન્જ ખાતે રોકાણકારોએ કોપર સહિતની ધાતુઓમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં માત્ર લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ જોવા મળેલા કિલોદીઠ રૂ. પાંચના સુધારા અને એલ્યુમિનિયમમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૦૦ સુધીનાં ગાબડાં પડ્યા હતા.
આજે મુખ્યત્વે ટીન, કોપર વાયરબાર અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦૦ ઘટીને રૂ. ૨૪૫૦, રૂ. ૧૫ ઘટીને રૂ. ૮૦૫ અને રૂ. ૧૩ ઘટીને રૂ. ૨૪૫૦ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે અન્ય ધાતુઓમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલી અને વપરાશકાર ઉદ્યોગની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૮ ઘટીને રૂ. ૭૫૦, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૭ ઘટીને રૂ.૪૮૮, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૬ ઘટીને રૂ. ૭૧૭, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૭૪૦, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૨ ઘટીને રૂ. ૫૩૦ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે રૂ. ૨૯૮ના મથાળે રહ્યા હતા.
આજે એકમાત્ર લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૨૦૫ના મથાળે અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા એલ્યુમિનિયમ ઈન્ગોટસમાં ખપપૂરતી માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૬૮ અને રૂ. ૨૨૯ના મથાળે ટકેલા રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!