મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકાના આર્થિક ડેટા નબળા આવતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ મુખ્યત્વે ટીન અને નિકલની આગેવાની હેઠળ કોપરની અમુક વેરાઈટીઓ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૩૫નો ઘટાડો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે સમાપન થયેલી બે દિવસીય બેઠકના અંતે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વ્યાજદરમાં બજારની અપેક્ષાનુસાર ૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો, પરંતુ આગામી વર્ષ ૨૦૨૩માં વ્યાજદરમાં વધારો જાળવી રાખવાના સંકેત આપતા આજે ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં લંડન ખાતે કોપર સહિતની ધાતુના ભાવમાં ઘટાડો આવ્યો હતો. વધુમાં ચીનમાં નવેમ્બર મહિનાના ફેક્ટરી આઉટપૂટ ડેટામાં અને રિટેલ વેચાણમાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો થયો હોવાને કારણે ધાતુના ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હતા. આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ટનદીઠ ભાવ ૧.૧ ટકા ઘટીને ૮૪૨૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય લીડ, એલ્યુમિનિયમ અને ઝિન્કના ભાવ પણ અનુક્રમે ૦.૮ ટકા, ૦.૬ ટકા અને ૦.૫ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. દરમિયાન સ્થાનિક ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે નિકલ, ટીન, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩૫ ઘટીને રૂ. ૨૪૧૦, રૂ. ૧૮ ઘટીને રૂ. ૨૧૦૭, રૂ. ૬ ઘટીને રૂ. ૨૮૬ અને રૂ. પાંચ ઘટીને રૂ. ૧૯૫ના મથાળે રહ્યા હતા.