(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે નિકલ, ટીન અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૬૮, રૂ. ૩૧ અને રૂ. ૧૫નો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ તથા ઝિન્ક સ્લેબમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૪ ઘટી આવ્યા હતા.
ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે નિયંત્રણો દૂર કરવામાં આવ્યા બાદ કોવિડ-૧૯થી અસરગ્રસ્તોની સંખ્યામાં થઈ રહેલા વધારાને કારણે આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ બે સપ્તાહની ઊંચી સપાટીએથી પાછા ફરીને ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ટનદીઠ ૮૪૩૮.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
દરમિયાન સ્થાનિક ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને નિકલ, ટીન અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૬૮ ઘટીને રૂ. ૨૫૪૫, રૂ. ૩૧ ઘટીને રૂ. ૨૧૪૨ અને રૂ. ૧૫ ઘટીને રૂ. ૧૯૫ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને રૂ. ૫૦૨, કોપર આર્મિચર, કોપર વાયરબાર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૬૫૭, રૂ. ૭૫૮ અને રૂ. ૨૭૫ તથા કોપર કેબલ સ્ક્રેપ અને કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૨ના ઘટાડા સાથે અનુક્રમે રૂ. ૬૮૮ અને રૂ. ૬૭૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ખપપૂરતી માગને ટેકે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ
અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં ટકેલું વલણ રહ્યું હતું.