18 જૂનથી મુંબઈમાં મેઘરાજા વરસશે! થાણે સહિત આ જિલ્લામાં થશે અનરાધાર વરસાદ, જાણો પ્રશાસને શું કરી છે તૈયારી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મુંબઈમાં પ્રી-મોનસૂન વરસાદ થયા બાદ લોકોને ઉકળાટ અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાહત આપે એવા સમાચાર આપ્યા છે.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 18 જૂનથી એટલે કે શનિવારથી કોંકણ સહિત મહારાષ્ટ્રના મોટા ભાગોમાં મોનસુન સક્રિય થવાનું અનુમાન છે, જેને લીધે મુંબઈ સહિત થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં જોરદાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે 20 જૂન સુધી યેલ્લો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી બાદ મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને પણ તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું. ચોમાસા દરમિયાન મુંબઈગરાને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં 5,361 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જેથી આપત્તિ દરમિયાન સમયસર મદદે પહોંચી શકાય. આ ઉપરાંત ફાયર બ્રિગેડના પણ છ કમાન્ડ સેન્ટર, 42 લાઈફ જેકેટ, 30 રિંગ બોય સહિત પ્રમુખ સ્થળો પર 93 લાઈફગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે. કોલાબા, વર્લી, મલાડ, માનખુર્દ અને ઘાટકોપરમાં પાંચ નૌસેના બચાવ દળ તહેનાત કરવામાં આવ્યા છે. આ સાથે અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એનડીઆરએફની ત્રણ યુનિટ તહેનાત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.