આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો જીવ જોખમમાં છે, તેને જાહેરમાં ધમકીઓ મળી છે. ગુરુવારે 2જી માર્ચની મોડી રાત્રે બે બંદૂકધારીઓએ અચાનક તેના પરિવારની માલિકીના સ્ટોર પર હુમલો કર્યો હતો. ફાયરિંગમાં દુકાનના કાચ પણ તૂટી ગયા. ગોળીબાર બાદ હુમલાખોરોએ ત્યાં એક ધમકીભરી ચિઠ્ઠી છોડી દીધી હતી. જેમાં લખ્યું હતું, “મેસ્સી, અમે તારી રાહ જોઈ રહ્યા છીએ…”
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લિયોનેલ મેસ્સીનો પરિવાર આર્જેન્ટિનાના રોઝારિયોમાં સુપરમાર્કેટ ચલાવે છે. ત્યાં ગુરુવારે રાત્રે બે બંદૂકધારીઓએ ફાયરિંગ કરીને ઉત્પાત મચાવ્યો હતો. બદમાશોએ સ્ટોર પર 14થી વધારે ગોળીઓ ચલાવી હતી.
રોઝારિયોના મેયર પાબ્લો જાવકિને હુમલાની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે જે સુપરમાર્કેટ પર હુમલો થયો તે લિયોનેલ મેસીના પરિવારનું છે. તેમણે કહ્યું કે આ હુમલાથી બદમાશો શહેરમાં અરાજકતા ફેલાવવા માગે છે. બદમાશોએ મેસ્સી માટે જે નોટ છોડી હતી, તેમાં રોઝારિયોના મેયરનો પણ ઉલ્લેખ છે. નોટમાં લખ્યું હતું, “જાવાકિન તને કોઈ નહિ બચાવી શકે, કારણ કે એક તે નાર્કો (ડ્રગ સ્મગલર) પણ છે.”
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે હુમલાખોરોનો હેતુ ધ્યાન આકર્ષિત કરવાનો હતો. તેમણે કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે સુપરમાર્કેટમાં કોઈ હાજર નહોતું, તેથી હુમલામાં કોઈને ઈજા થઈ નથી. અમારી પાસે CCTV ફૂટેજ છે, તપાસ ઝડપથી ચાલી રહી છે, ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.