મેરી ગિટાર હી પેહચાન હૈ, ગર યાદ રહે!

મેટિની

ભૂપિન્દર સિંહે સ્થૂળ ભાવે ભલે આપણી વચ્ચેથી વિદાય લીધી, પણ ગઝલ, ગિટારવાદન અને વિશિષ્ટ અવાજના ગાયક તરીકે સદૈવ આપણી વચ્ચે જીવંત રહેશે

હેન્રી શાી

‘ગિટારવાદનની વાત કરવા બેસીએ તો ભૂપિન્દર સિંહની આસપાસ પણ ફરકી શકે એવું કોઈ નથી,’ સંગીતની દુનિયામાં ઊંચા આસને બિરાજમાન નૌશાદ સા’બના આ શબ્દો સોમવારે આપણી વચ્ચેથી ક્ષર દેહે વિદાય લેનારા ભૂપિન્દર સિંહને એવી સલામ છે જે આ ગુણી ગાયક કેવા ગજબનાક ગિટારિસ્ટ પણ હતા એનું સર્વોત્તમ સર્ટિફિકેટ છે. તેમણે ‘કિનારા’ માટે ગાયેલા ગીતની પંક્તિમાં નજીવો ફેરફાર કરી (ગીતકાર ગુલઝારની ક્ષમાયાચના સાથે) કહેવું જોઈએ કે ‘મેરી ગિટાર હી પેહચાન હૈ, ગર યાદ રહે’ એવું પ્રભાવી યોગદાન ભૂપિન્દરનું ગિટારિસ્ટ તરીકે છે. અલબત્ત, બાવીસેક વર્ષના ભૂપિન્દરના મોઢે બહાદુરશાહ ઝફરની ‘લગતા નહીં હૈ દિલ મેરા ઉજડે દયાર મેં’ સાંભળી પ્રભાવિત થયેલા સંગીતકાર મદન મોહને અલાયદા અવાજના ધણીને મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યું. જોગાનુજોગ જુઓ કે તેમણે ગાયેલા પહેલા ફિલ્મ ગીત (ચેતન આનંદની ‘હકીકત’ – ૧૯૬૪, ગીતકાર કૈફી આઝમી અને સંગીતકાર મદન મોહન) ‘હો કે મજબુર મુઝે ઉસને બુલાયા હોગા’ના શબ્દો જાણે કે ભૂપિન્દર જેવા ગાયકની આવશ્યકતા અને આગમનનો પડઘો પાડતા હતા. પહેલું ગીત સોલો નહોતું પણ રફી, મન્ના ડે અને તલત જેવા દિગ્ગજ ગાયકો સાથે હતું. આવા સહવાસમાં નવા ગાયકનો ભાસ પણ ન રહે એવી સંભાવના પૂરેપૂરી, પણ દિગ્ગજોના પ્રેમ -સહકાર અને અલાયદા ગળાનો મેળ બેઠો અને ગાયક ભૂપિન્દરની હાજરીની નોંધ લેવામાં આવી. ચેતન આનંદે જ ‘આખરી ખત’માં ભૂપિન્દર પાસે ‘રુત જવાં જવાં, રાત મેહરબાં, છેડો કોઈ દાસ્તાં’ ગવડાવ્યું. આ ગીતમાં ભૂપિન્દરની ગાયકી તો બધાને પસંદ પડી જ, પણ ગીતની શરૂઆતમાં જ સંભળાતી ગિટારના સૂર પણ સમગ્ર ગીતમાં છવાયેલા ચિક ચોકલેટના અદ્ભુત ટ્રમ્પેટની હાજરીમાં સુધ્ધાં પોતાનો ઠસ્સો ઉમટાવવામાં સફળ રહ્યા. એક આડવાત. ‘હકીકત’ અને ‘આખરી ખત’ એમ બે ફિલ્મમાં ભૂપિન્દર પડદા પર પોતાનું જ ગીત રજૂ કરતા નજરે પડ્યા હતા.
અહીં ખાસ નોંધ એ વાતની લેવી જોઈએ કે ૧૯૬૯થી શરૂ થયેલા રાજેશ ખન્નાના દોરમાં અને ‘ઝંજીર’ (૧૯૭૩) પછી શહેનશાહ અમિતાભના સામ્રાજ્યમાં અને બદલાતા સંગીતમાં મોહમ્મદ રફી પણ ઝંખવાઈ રહ્યા હતા ત્યારે ભૂપિન્દર સિંહ જેવા ગાયકનો ગજ ન વાગે એ સ્વાભાવિક હતું. અલબત્ત, વચ્ચે વચ્ચે ‘બીતી ના બિતાઈ રૈના’ (પરિચય) કે ‘હુઝૂર ઇસ કદર ભી ના ઈતરા કે ચલીયે’ (માસૂમ), ‘દિલ ઢૂંઢતા હૈ ફિર વહી’ (મૌસમ), ‘દો દીવાને શહર મેં’ (ઘરૌંદા), ‘ઝિંદગી મેરે ઘર આના’ (દૂરિયાં) સહિત કેટલાંક ગીત ગાયક ભૂપિન્દરની હાજરી પુરાવતાં હતાં. જોકે માત્ર ગાયક તરીકે ટકવું સફળ નથી એનો ખ્યાલ આવી જતાં ભૂપિન્દરે ગિટારિસ્ટ તરીકે નોંધપાત્ર યોગદાન આપવાનું ચાલુ રાખ્યું. ૧૯૭૬માં અમૃતા પ્રીતમની ‘કાદમ્બરી’ નવલકથા પરથી એ જ નામની ફિલ્મ બની હતી. ઉસ્તાદ વિલાયત ખાંસાહેબે સંગીત આપ્યું હોય એવી આ એકમાત્ર ફિલ્મ તરીકે એની નોંધ છે. ફિલ્મમાં ત્રણ જ ગીત છે અને કવિતા કૃષ્ણમૂર્તિની ગાયિકા તરીકે પ્રથમ ફિલ્મ હોવાની નોંધ છે. ખાસ નોંધવાની વાત એ છે કે ફિલ્મમાં આશા ભોસલેના સ્વરમાં ‘અંબર કી ઈક પાક સુરાહી’ ગીત છે જેમાં ગિટાર ભૂપિન્દર સિંહે વગાડ્યું છે. નૌશાદસા’બના અભિપ્રાય મુજબ હિન્દી ફિલ્મના ગીતમાં ગિટારના ઉપયોગનું એ એક ઉત્તમ ઉદાહરણ છે. ગીત સાંભળી જોજો. મીના કુમારીની ‘પાકીઝા’ માટે ગુલામ મોહમ્મદે સ્વરબદ્ધ કરેલા શુદ્ધ શાીય રાગ પર આધારિત ‘મૌસમ હૈ આશિકાના’ ગીતમાં સંગીતકારે હવાઇયન ગિટારનો સુંદર ઉપયોગ કર્યો છે અને આ ગિટાર ભૂપિન્દર સિંહે વગાડ્યું હોવાની નોંધ છે. હિન્દી ફિલ્મ સંગીતમાં ૧૨ સ્ટ્રિંગના ગિટારના ઉપયોગની શરૂઆત ભૂપિન્દરે કરી હોવાનું સંગીતના જાણકારો કહે છે. આ પ્રકારના ગિટારને કારણે શાીય શૈલીને અનુરૂપ ધ્વનિ આવે એવું કહેવાય છે.
હિન્દી ફિલ્મ ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે ફિલ્મ સફળ ન થાય તો અનેક વાર એના સુંદર ગીત-સંગીતની નોંધ ન લેવાય. ‘યે કિસ બંધન મેં’ (દુસરી દુલ્હન), ‘જાને ક્યોં ઐસા લગતા હૈ’ (શ્રદ્ધાંજલિ), ‘મચલ કે જબ ભી આંખોં સે’ (ગૃહ પ્રવેશ) જેવાં બીજાં પણ કેટલાંક ઉદાહરણ છે. ભૂપિન્દરનાં કમનસીબ, બીજું તો શું કહી શકાય? તેમણે ગાયેલાં ગુજરાતી ગીત પણ ક્યાં સ્મરણમાં છે? રાવજી પટેલની રચના ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’, જગદીશ જોશીની ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાં’, ‘રામના રખવાળા’ (ત્રણેયની સ્વર રચના ગૌરાંગ વ્યાસ) કે પછી ‘એકલા જ આવ્યા ને એકલા જ જવાના’ પણ વીસરાઈ ગયાં છે. છેલ્લે એક એવા ગીતની વાત કરીએ જે ભૂપિન્દર સિંહની વિશિષ્ટ ગાયકીનું એક ઉત્તમ ઉદાહરણ છે. ફિલ્મ છે મલયાલમ ભાષાની ‘મંજુ’ (૧૯૮૩). ફિલ્મનાં ગીત ગુલઝારે લખ્યાં છે અને એમાં ‘રસિયા મન બહેકાયે’ હિન્દી ગીત ભૂપિન્દરના અવાજમાં છે. આ ગીત સાંભળી શાીય સંગીતમાં પણ ગાયકની કેવી હથોટી હતી એનો ખ્યાલ આવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે ક્યારેય બળાપો વ્યક્ત ન કરનાર આ ગાયક-ગિટારિસ્ટને સલામ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.