૧૯૨૩માં પ્રથમ વાર નંદકિશોરનો રોલ કરનાર જન્મે ખ્રિસ્તી શાહુ મોડકે ૨૯ ફિલ્મમાં કૃષ્ણનો રોલ કર્યો હતો અને ૧૯૮૬ની અંતિમ ફિલ્મમાં તેઓ કૃષ્ણના ગુરુ સાંદીપનિ તરીકે ચમક્યા હતા

હેન્રી શાસ્ત્રી

આજે જન્માષ્ટમી છે એટલે ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’થી વાતાવરણ ગુંજી ઊઠશે. શ્રીકૃષ્ણ આરાધ્ય દેવ તો ખરા જ, પણ સાથે સાથે એક એવું વ્યક્તિત્વ જે અનેક લોકોને જુદી જુદી રીતે પ્રભાવિત કરતું રહ્યું છે અને કરતું રહેશે. ફિલ્મની દુનિયા પણ એમાં અપવાદ નથી. ધાર્મિક ફિલ્મોનું લેબલ ધરાવતાં ચિત્રપટ મૂંગી ફિલ્મોના દોરથી બનતાં આવ્યાં છે. રામ-રામાયણ અને કૃષ્ણ-મહાભારત ફિલ્મમેકરોના મનભાવન વિષય રહ્યાં છે. અલબત્ત એકવીસમી સદીમાં રૂપેરી પડદા પર ભગવાનને કેન્દ્રમાં રાખી ભાગ્યે જ ફિલ્મો બને છે, પણ એક સમય હતો જ્યારે પૌરાણિક-ભક્તિરસની ઘણી ફિલ્મનું નિર્માણ થતું હતું. ૧૯૨૧માં તો ૩૫ ફિલ્મ બની હતી, જેમાંથી ૩૦ ફિલ્મો ધાર્મિક હતી. એ ફિલ્મ જ્યાં રજૂ થતી હતી એને થિયેટર કહેવા કે મંદિર એવો સવાલ કોઈ કરી શકે છે. શ્રીકૃષ્ણનું નટખટ બાળ સ્વરૂપ, એમનાં બાળ સાહસ, રાધા-કૃષ્ણના પ્રેમની ગાથા, મામા કંસ સાથેના પ્રસંગો, ભક્તોના તારણહાર જેવા અનેક પહેલુ ફિલ્મ બનાવવા રસપ્રદ સામગ્રી પૂરી પાડનારા છે. આજે આપણે જન્માષ્ટમી નિમિત્તે શ્રીકૃષ્ણ અને હિંદી ફિલ્મો સાથે કેવું જોડાણ છે એનો એક પહેલુ જાણીએ. ઈતિહાસનાં પાનાં ઉથલાવતાં જાણવા મળે છે કે ભગવાન શ્રીકૃષ્ણના જીવનને કેન્દ્રમાં રાખી પ્રથમ ફિલ્મ ૧૯૧૯માં બની હતી. કૃષ્ણના જીવનના એક પ્રસંગ ફરતે આકાર લેતી આ ફિલ્મ ‘કાલિયા મર્દન’ના લેખન, દિગ્દર્શન અને નિર્માણની જવાબદારી દાદાસાહેબ ફાળકેએ સંભાળી હતી. કૃષ્ણે કાળીનાગ નાથિયોની કથા પરથી બનેલી આ ફિલ્મમાં ફાળકેની પુત્રી મંદાકિની ફાળકેએ બાળ કૃષ્ણની ભૂમિકા કરી હતી.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જે કેટલીક લાક્ષણિકતા છે એમાંની એક છે સિક્કો લાગી જવાની. કોઈ અભિનેતા લવ સ્ટોરીમાં હિટ જાય એટલે એના પર રોમેન્ટિક હીરોનો સ્ટેમ્પ લાગી જાય અને જો વિલનમાં હિટ ગયો તો હીરો બનવાની દરેક લાયકાત હોવા છતાં એને બેડ મેન જ બનવું પડે. અહમદનગરમાં એક ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા શાહુ મોડક નામના અભિનેતાનો કિસ્સો અસ્સલ આવો છે. વી. શાંતારામ અને બાબુરાવ પેંટરની કક્ષાના ફિલ્મમેકર ભાલજી પેંઢારકર ૧૯૩૨માં કૃષ્ણના બાળપણની કથાને કેન્દ્રમાં રાખી એક બોલપટ બનાવવા માગતા હતા અને એક કિશોર વયના કલાકારની શોધમાં હતા. કોઈએ તેમને શાહુ મોડકનું નામ સૂચવ્યું. મુલાકાત થઈ અને ભાલજીને કિશોર પસંદ પડ્યો, પણ ખ્રિસ્તી છે એટલે એના પેરન્ટ્સ હા પાડશે કે કેમ એ વિશે મનમાં શંકા હતી. જોકે પિતાશ્રી તરફથી લીલી ઝંડી મળતાં ‘શ્યામ સુંદર’ નામની ફિલ્મ બની અને શાહુ મોડક કૃષ્ણ તરીકે પડદા પર રજૂ થયા. ફિલ્મને બોક્સ ઓફિસ પર ફાંકડી સફળતા મળી અને સિલ્વર જ્યુબિલી થતાં મિસ્ટર મોડક પાંચમા પુછાવા લાગ્યા. મજેદાર વાત તો એ છે કે ફિલ્મમાં અભિનય કરવા ઉપરાંત શાહુ મોડકે ગીતો પણ ગાયાં હતાં. ત્યાર બાદ એ સમયના નામાંકિત ગુજરાતી ફિલ્મમેકર નાનુભાઈ વકીલે શાહુ મોડકને લઈ ‘નંદ કે લાલા’ અને ‘રાધા મોહન’ (૧૯૩૪) એમ બે ફિલ્મ બનાવી. બંને ફિલ્મમાં મોડક મોહન તરીકે નજરે પડ્યા અને ‘મેરે તો મોડક ગોપાલ, દૂસરો ના કોઈ’ એવું રટણ જાણે કે થવા લાગ્યું. રૂપાળો – મોહક ચહેરો અને ઉલાળા મારતી આંખોના ધણી હોવાને લીધે શાહુ મોડક હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કૃષ્ણાવતાર બની ગયા. ફિલ્મના ઈતિહાસની નોંધ મુજબ ૨૯ ફિલ્મમાં શાહુ મોડક, માખણચોરથી મળી સુદર્શન ચક્રધારી સહિતના વિવિધ સ્વરૂપે જોવા મળ્યા છે. પહેલી ફિલ્મ ૧૯૩૨માં અને અંતિમ ફિલ્મ ૧૯૮૬માં એમ ૫૪ વર્ષના વિશાળ ફલકની મજેદાર એ વાત એ છે કે પહેલી ફિલ્મમાં કૃષ્ણનો કિશોરાવસ્થાનો રોલ કરનાર શાહુ મોડકે તેમની અંતિમ ફિલ્મ ‘ક્રિષ્ણા ક્રિષ્ણા’માં ગુરુ સાંદીપનિનો રોલ કર્યો હતો. કૃષ્ણએ સાંદીપનિ ગુરુ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો એ વાત જાણીતી છે. ગુરુ-શિષ્ય એમ બંનેની ભૂમિકા કરનાર તેઓ કદાચ એકમાત્ર અભિનેતા હશે. સાઉથની ૧૭ ફિલ્મમાં તેલુગુ ફિલ્મના ટોચના અભિનેતા એન. ટી. રામારાવે કૃષ્ણનો રોલ કરી અફાટ લોકપ્રિયતા મેળવી હતી અને બી. આર. ચોપરાની ટીવી સિરિયલ ‘મહાભારત’માં નીતીશ ભારદ્વાજે શ્રીકૃષ્ણની ભૂમિકા કરી હતી. ફિલ્મોના અભ્યાસુઓના કહેવા મુજબ એનટીઆર અને નીતીશ એ બંને અભિનેતાએ શાહુ મોડકની શૈલી નજર સામે રાખી પોતપોતાના કૃષ્ણ સાકાર કર્યા હતા.
શ્રીકૃષ્ણની ફિલ્મોની વાત કરીએ તો દાદાસાહેબ ફાળકેની ૧૦૩ વર્ષ પહેલાંની ફિલ્મમાં કૃષ્ણ કાળીનાગ પર નર્તન કરે છે એ જોઈ અનેક આંખો પહોળી થઈ વિસ્મય પામી હતી. મૂંગી ફિલ્મોના દોરમાં તેમ જ બોલપટ શરૂ થયા પછી હિન્દી-ગુજરાતી સહિત વિવિધ ભાષામાં કૃષ્ણ પર ફિલ્મો બની છે. ‘કૃષ્ણ અર્જુન યુદ્ધ’ (૧૯૨૩), ‘કૃષ્ણાવતાર’ (૧૯૩૩), ‘કૃષ્ણ ભક્ત બોડાણા’ (૧૯૪૪), ‘કૃષ્ણ કનૈયા’ (૧૯૫૨), ‘કૃષ્ણ ભક્ત સુદામા’ (૧૯૬૮), ‘શ્રી કૃષ્ણ લીલા’ (૧૯૭૧) વગેરે વગેરે. અભિનેતા જીવન જેમ અનેક ફિલ્મોમાં નારદનો રોલ કરી સ્મૃતિમાં જડાઈ ગયા એ જ રીતે શાહુ મોડક પણ તેમના સમયકાળમાં ફિલ્મ મેકરો માટે કૃષ્ણના રોલ માટેનું સરનામું બની ગયા હતા. અલબત્ત શાહુ મોડકને માત્ર કૃષ્ણને સાકાર કરનાર અભિનેતા તરીકે જ ન ઓળખવા જોઈએ, બલકે તેમની અભિનય પ્રતિભા અન્ય ફિલ્મોમાં પણ ચમકી છે એ વાત નોંધવી જોઈએ. એક જ ઉદાહરણ જોઈએ. પૌરાણિક પાત્રોમાં પ્રભાવી સાબિત થયેલા મિસ્ટર મોડકે વી. શાંતારામની ‘માણૂસ’ ફિલ્મમાં પોલીસ ઓફિસર તરીકે કરેલી ભૂમિકા પણ યાદગાર બની છે. બોલો શ્રીકૃષ્ણ કનૈયા લાલ કી જય.
————————
‘નારદ લીલા’માં ભગવાન વિષ્ણુ અને ‘વિષ્ણુ પુરાણ’માં દેવર્ષિ નારદ
દોઢ ડઝન ફિલ્મમાં કૃષ્ણના વિવિધ સ્વરૂપની આભા રૂપેરી પડદા પર પાથરી દેનાર શાહુ મોડકને વિવિધ પૌરાણિક પાત્રમાં રજૂ કરવામાં આવ્યા છે. કારકિર્દીની શરૂઆત કૃષ્ણના કિશોરાવસ્થાના રોલથી કર્યા પછી આ અભિનેતાને ભગવાન વિષ્ણુ, ભગવાન શંકર અને નારાયણ નારાયણનું રટણ કરતા દેવર્ષિ નારદ મુનિના પાત્રમાં ચમકવાની તક મળી છે. ૧૯૬૫માં આવેલી મણિભાઈ વ્યાસ દિગ્દર્શિત ‘શંકર સીતા અનસૂયા’ નામની ફિલ્મમાં શાહુ મોડક ભગવાન શિવજીના રોલમાં હતા. મહિપાલ અને અનિતા ગુહા રામ-સીતાના રોલમાં હતાં.
આ ફિલ્મનાં પાંચ વર્ષ પછી ધીરુભાઈ દિગ્દર્શિત ‘સંપૂર્ણ તીર્થયાત્રા’ નામની રિલીઝ થયેલી ફિલ્મમાં શાહુ મોડક વિષ્ણુ ભગવાનના અવતારમાં હતા. ‘ભગવાન વિષ્ણુ’ની અદાકારીથી પ્રભાવિત થયેલા ધીરુભાઈએ ‘નારદ લીલા’ (૧૯૭૨)માં ફરી મિસ્ટર મોડકને વિષ્ણુ અવતારમાં રજૂ કર્યા.
જોકે દિગ્દર્શક શ્રીધર પ્રસાદને વિષ્ણુ ભગવાન તરીકે શાહુ મોડક જચ્યા નહીં હોય એટલે ૧૯૭૩માં આવેલી ‘વિષ્ણુ પુરાણ’માં તેમણે અતિથિ કલાકાર શાહુ મોડકને નારાયણ નારાયણનું રટણ કરતા દેવર્ષિ નારદ મુનિ તરીકે રજૂ કર્યા. એ ફિલ્મમાં વિષ્ણુનો રોલ મહિપાલે કર્યો હતો. નારદની ફિલ્મમાં વિષ્ણુ ભગવાન અને વિષ્ણુ ભગવાનના ચિત્રપટમાં નારદનો રોલ. આવી સિદ્ધિ બહુ ઓછા અભિનેતાએ મેળવી હશે.

Google search engine