Homeમેટિનીમેરે પાસ માં, માં ઔર માં હૈ!

મેરે પાસ માં, માં ઔર માં હૈ!

ડિરેક્ટર તરીકે ફરહાન અખ્તરની કમબેક ફિલ્મ ‘જી લે ઝરા’માં ત્રણ માવરું (પ્રિયંકા ચોપડા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ ) એક સાથે જોવા મળશે

કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી

ત્રણ યંગસ્ટર્સને કેન્દ્રમાં રાખી હલકી ફૂલકી સંવેદનશીલ ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ આપનાર ફરહાન અખ્તરએ ત્રણ માતાજીને એક સાથે ચમકાવતી ’જી લે જરા’ નામની ફિલ્મ બનાવવાની ઘોષણા ગયા વર્ષે કરી હતી. ‘દિલ ચાહતા હૈ’માં આમિર ખાન, અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન હતા. ‘જી લે જરા’ માટે પ્રિયંકા ચોપડા, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફને સાઈન કરવામાં આવ્યાં છે. ફિલ્મ જાહેર થઈ ત્યારે માત્ર પ્રિયંકા લગ્ન પછી પ્રેગ્નન્ટ હોવાની બાતમી હતી. આલિયા અને કેટરિના કુંવારી ક્ધયા હતી. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ૨૦૧૮માં અમેરિકન ગાયક – અભિનેતા નિક જોનાસ સાથે લગ્ન કરનાર પ્રિયંકાએ આ વર્ષે જાન્યુઆરીમાં પુત્રીને જન્મ આપ્યો છે. આ વર્ષે એપ્રિલમાં રણબીર કપૂર સાથે ફેરા ફરનાર આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ છે અને આ મહિનામાં સંતાનને જન્મ આપશે એવી જાણકારી વહેતી થઈ છે. ગયા ડિસેમ્બરમાં વિકી કૌશલને પરણી ગયેલી કેટરિના કૈફ પ્રેગ્નન્ટ હોવાના ખબર મીડિયામાં ફેલાયા છે. આમ ફરહાનની ફિલ્મમાં ત્રણ મમ્મી એક સાથે જોવા મળશે. અમર થઈ ગયેલો ‘દીવાર’ ફિલ્મનો શશી કપૂરનો ડાયલોગ ‘મેરે પાસ માં હૈ’માં થોડો ફેરફાર કરી ‘જી લે જરા’ના સંદર્ભમાં ફરહાન અખ્તર માટે ‘મેરે પાસ માં હૈ, માં હૈ ઔર માં હૈ’ એમ જરૂર કહી શકાય. હલકી ફૂલકી ફિલ્મ આપવાનું વચન આપનાર ફરહાનની ફિલ્મ માટે વાત પણ એ અંદાજમાં જ કરવી જોઈએ ને. ‘દિલ ચાહતા હૈ’ની રિલીઝને ગયા વર્ષે ૨૦ વર્ષ પૂરાં થયાં ત્યારે ‘જી લે જરા’ની ઘોષણા કરવામાં આવી હતી અને આ વર્ષે સપ્ટેમ્બરમાં એનું શૂટિંગ શરૂ કરવાનો સંકલ્પ હતો. જોકે, આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીને કારણે શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યાં સુધીમાં કેટરિના પણ માતૃત્વ ધારણ કરી લેશે એવું માનવામાં આવે છે. મંગળવારે ત્રણ વર્ષ પછી પ્રિયંકાના સ્વદેશાગમનને પગલે ફરહાનની ફિલ્મ ફરી ચર્ચાએ ચડી છે. એક સમય હતો જ્યારે હિન્દી ફિલ્મની હિરોઈન લગ્ન પછી એક્ટિંગથી સંન્યાસ લઈ લેતી અથવા એને હિરોઈન તરીકે પસંદ કરવામાં ન આવતી. હવે ફિલ્મમેકરોનો દૃષ્ટિકોણ બદલાયો છે અને સાથે દર્શકોના ટેસ્ટમાં પણ બદલાવ આવ્યો છે. ક્ધટેન્ટ ઈઝ કિંગ (કલાકાર નહીં ફિલ્મ મહત્ત્વની છે) એ વાતાવરણમાં ફરહાન અખ્તર ત્રણ માવરું (માતા માટે તળપદી શબ્દ) લઈ ફિલ્મ બનાવવાનું સાહસ કરી શકે છે. ફિલ્મની વાર્તા અને એની માવજતમાં દમ હશે તો ત્રણ માવરુંને જોવા પણ દર્શક થિયેટર સુધી દોડતા આવશે એ વાત ફિલ્મમેકર સુપેરે જાણે છે. થોડા સમય પહેલા આ ફિલ્મ બનશે કે કેમ એ અંગે સવાલ થઈ રહ્યો હતો ત્યારે ખુદ આલિયાએ બધી અફવાઓ તગેડી જણાવ્યું હતું કે ‘ફિલ્મ બનશે જ. આ વર્ષે ફિલ્મ શરૂ કરી શકાય એમ નથી, પણ આવતા વર્ષે શૂટિંગ શરૂ થઈ જશે. અને બધાં કામ કરવા થનગની રહ્યાં છીએ.’ બે અવ્વલ દરજ્જાની અભિનેત્રી અને ત્રીજી ગ્લેમરસ હિરોઈન પહેલીવાર એક સાથે કામ કરશે એટલે તેમને સાથે જોવાનો રોમાંચ અનેરો હોવાનો એમાં બેમત નથી. ફરહાન ‘ડોન – ૨’(૨૦૧૧) પછી ૧૦ વર્ષ બાદ ફિલ્મ ડિરેક્ટ કરવાનો છે એ બાબત પણ ઉત્સુકતા જગાવી રહી છે. ફિલ્મની થતી ચર્ચા નિમિત્તે ત્રણ ટોચની અભિનેત્રીઓની કારકિર્દીમાં પણ ડોકિયું કરી લઈએ.
પ્રિયંકા ચોપડા જોનાસ: સૌને ચોંકાવી ૨૦૧૮માં અમેરિકન સિંગર – એક્ટર નિક જોનાસને પરણી ગયેલી પ્રિયંકા ‘દિલ ધડકને દો’ (૨૦૧૫) પછી અમેરિકન ટીવી સિરીઝ હોલિવૂડની ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગઈ હતી. નિષ્ફળ ‘જય ગંગાજલ’ (૨૦૧૬) પછી એની એક જ હિન્દી ફિલ્મ ’ધ સ્કાય ઈઝ પિન્ક’ (૨૦૧૯) આવી જેમાં ફરહાન અખ્તરે અભિનય કર્યો હતો. જોકે, આ ફિલ્મ માટે દર્શકોમાં ખાસ ઉત્સુકતા નહોતી જોવા મળી. એટલે ફિલ્મ રસિયાઓ માટે તો ‘દિલ ધડકને દો’ જ પ્રિયંકાની છેલ્લી ફિલ્મ ગણાય છે. સોશિયલ મીડિયામાં પુત્રીની તસવીર સાથે પ્રિયંકાની ભારત આવવાની જાહેરાત થતાની સાથે જ કેટલીક વાત વહેતી થઈ છે. આજની તારીખમાં પ્રિયંકાના નામે માત્ર એક જ હિન્દી ફિલ્મ (જી લે જરા) બોલે છે અને વધુ હિન્દી ફિલ્મો કરવા થનગની રહેલી પ્રિયંકા સંજય લીલા ભણસાલી અને વિશાલ ભારદ્વાજને મળી તેમની સાથે કોઈ ફિલ્મ કરી શકાય કે કેમ એની ચર્ચા કરવા ઉત્સુક હોવાનું જાણવા મળ્યું છે. પ્રિયંકાએ શ્રી ભણસાલી સાથે ‘બાજીરાવ મસ્તાની’ અને ‘ગોલિયોં કી રાસલીલા – રામ લીલા’ અને વિશાલ ભારદ્વાજ સાથે ‘કમીને’ અને ‘સાત ખૂન માફ’ એમ બે બે ફિલ્મો કરી છે. આજની તારીખમાં પ્રિયંકાની આર્થિક સધ્ધરતા ઘણી ઊંચી હોવાથી આ બંને ફિલ્મમેકર સાથે નિર્માણમાં સહભાગી થઈ અભિનય કરે એ શક્યતા નકારી ન શકાય.
આલિયા ભટ્ટ: દસ વર્ષ પહેલાની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ આજે એક્ટિંગમાં ગ્રેજ્યુએટ બની માસ્ટર્સ ડિગ્રી મેળવવાની દિશામાં આગળ વધી રહી છે એમ છાતી ઠોકીને કહી શકાય એવી પ્રગતિ આલિયાએ દસકામાં કરી છે. ‘ડિયર ઝિંદગી’, ‘રાઝી’ અને ‘ગલી બોય’ પછી આ વર્ષે આવેલી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના અભિનયે આલિયાને પ્રથમ પંક્તિમાં બેસાડી દીધી છે. આ વર્ષે આલિયા ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘આરઆરઆર’ તેમ જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘ડાર્લિંગ્સ’માં નજરે પડી પણ ગીત તો ગવાયાં ગંગુબાઈના જ. રણબીર સાથે લગ્ન કર્યા પછી હવે આલિયા મા બનવાની છે અને એની એક હિન્દી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને હોલિવૂડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ રિલીઝ થવાની તૈયારીમાં છે.
કેટરિના કૈફ: પ્રિયંકા અને આલિયાની સરખામણીમાં ઓછી અભિનય પ્રતિભા ધરાવતી કેટરિનાનું નામ એની ફિલ્મો કરતાં પહેલા સલમાન ખાન અને ત્યાર બાદ રણબીર કપૂર સાથેની નિકટતાને કારણે વધુ ગાજ્યું છે. અલબત્ત એ બંને હીરોઈનની સરખામણીમાં કેટરિના વધુ વ્યસ્ત છે. છેલ્લાં પાંચ વર્ષમાં વિકીની વાઈફની ચાર ફિલ્મ રિલીઝ થઈ છે જેમાંથી ‘ભારત’ અને ‘સૂર્યવંશી’ સફળ સાબિત થઈ અને ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ અને ‘ઝીરો’ ધડામ કરીને પટકાઈ ગઈ હતી. એની ‘ફોન ભૂત’ કોમેડી હોરર ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે જ્યારે ‘ટાઈગર થ્રી’ અને ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. એકંદરે મેડમ વ્યસ્ત છે.

RELATED ARTICLES

Most Popular