‘સંતોષી માતા’ સામે ‘મેરે પાસ મા હૈ’ નતમસ્તક

મેટિની

ધાર્મિક પિક્ચર તરીકે જાણીતી ફિલ્મો મૂકપટના સમયથી બનતી આવી છે અને સમયાંતરે એની રજૂઆતમાં બદલાવ જોવા મળ્યો છે

 હેન્રી શાસ્ત્રી

તમે આસ્તિક હો કે નાસ્તિક, ધાર્મિક ફિલ્મોની વાત નીકળતા વેંત ઉષા મંગેશકરે ગાયેલા ગીત ’મૈં તો આરતી ઉતારું રે, સંતોષી માતા કી’નું સૌથી પહેલા સ્મરણ થશે. એ ગીતનો, એ ફિલ્મનો એવો જબરદસ્ત પ્રભાવ જનમાનસ પર છે. સાડા ચાર દાયકા પહેલાં આવેલી આ ફિલ્મને ફાંકડી સફળતા મળી હતી. હેરત પમાડનારી વાત તો એ છે કે ૧૯૭૫ની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં ‘શોલે’ અને ‘ધર્માત્મા’ પછી ‘જય સંતોષી માતા’ ત્રીજા ક્રમે હતી. એથી વધુ મહત્ત્વની વાત એ છે કે મિસ્ટર બચ્ચનનો વટ ચાલી રહ્યો હતો એ દોરમાં સંતોષી માતાના વટ સામે ‘દીવાર’ ચોથા ક્રમે રહી હતી. ‘મેરે પાસ માં હૈ’ને સંતોષી માતા સામે નતમસ્તક થવું પડ્યું હતું. બોક્સ ઓફિસની માહિતી અનુસાર ૨૫ લાખના બજેટમાં બનેલી ‘જય સંતોષી માં’ ૪.૭૫ કરોડનો વકરો કરવામાં સફળ રહી હતી. બિઝનેસની ભાષામાં કહીએ તો એક રૂપિયા સામે ૧૯ રૂપિયાનું વળતર. આને કહેવાય પ્રભાવ.
વિશ્ર્વમાં ધર્મની શરૂઆત – સ્થાપના ક્યારે થઈ એ વિશે મતમતાંતર છે, પણ સૌથી પ્રાચીન હિંદુ ધર્મ છે એ અંગે કોઈ મતભેદ નથી. આ ધર્મને અનુસરતી પ્રજાના ૯૦ ટકાથી વધુ લોકો ભારતમાં વસે છે એ હકીકત છે. મુખ્યત્વે રામ – રામાયણ, કૃષ્ણ – મહાભારત સંબંધિત કથા – વાર્તા છેક મૂકપટના સમયથી ભારતીય ફિલ્મમેકરને આકર્ષિત કરતી રહી છે. ધાર્મિક ચિત્રપટનું લેબલ ધરાવતી ફિલ્મો મુખ્યત્વે માઈથોલોજિકલ અને ડિવોશનલ પ્રકારની હોય છે. પૌરાણિક કથા પર આધારિત ચિત્રપટ માઈથોલોજિકલ ફિલ્મ (પૌરાણિક ચિત્ર) કહેવાય જેમાં ‘સંપૂર્ણ રામાયણ’, ‘મહાભારત’, ‘હર હર મહાદેવ’ વગેરે વગેરેનો સમાવેશ છે. આ પ્રકારની ફિલ્મનો ઇતિહાસ ફિલ્મમેકિંગના ઇતિહાસ જેટલો જ જૂનો છે. ઉપલબ્ધ આધારભૂત માહિતી અનુસાર ૧૯૨૦ – ૨૧ – ૨૨ એ ત્રણ વર્ષમાં ૧૧૫ જેટલી ફિલ્મો બની જેમાં ૮૦ (૬૮ ટકા) પૌરાણિક ચિત્ર હતા. બાકીની ફિલ્મોમાં ડિવોશનલ ફિલ્મો (ભક્તિ ચિત્ર) વધુ હતી જેમાં ‘સતી તોરલ’ કે ‘સંત સખુબાઈ’ વગેરે વગેરેનો સમાવેશ હતો. પહેલા આપણે પૌરાણિક ચિત્રપટની વાત કરીએ. ફિલ્મ ઇતિહાસના અભ્યાસુઓ દાદાસાહેબ ફાળકેની ‘રાજા હરિશ્ર્ચંદ્ર’ને પૌરાણિક ચિત્ર ગણે છે. મતલબ કે આપણા દેશમાં ફિલ્મ બનાવવાની શરૂઆત જ માઈથોલોજિકલ ફિલ્મથી થઈ હતી. ૧૯૨૦ની ફિલ્મોની યાદી પર નજર દોડાવતા ‘શ્રી રામ જન્મ’, ‘શ્રી કૃષ્ણ લીલા’, ‘નરસિંહ મહેતા’, ‘નૃસિંહ અવતાર’ વગેરે ફિલ્મો વ્યાપક દ્રષ્ટિની સાક્ષી પૂરે છે. ખાસ નોંધવાની વાત એ છે કે આ પ્રકારની ફિલ્મો સાથે ગુજરાતીઓ વિવિધ જવાબદારી સાથે સંકળાયા હતા. ૧૯૨૦ના દાયકામાં દ્વારકાદાસ સંપત, કાનજીભાઈ રાઠોડ, મોહનલાલ દવે વગેરેનું નોંધપાત્ર યોગદાન જોવા મળ્યું.
પૌરાણિક ચિત્રોમાં શ્રી રામ અને શ્રી કૃષ્ણ ફિલ્મ મેકરોને સૌથી વધુ મનગમતો રહ્યા છે. ‘સંપૂર્ણ રામાયણ’, ‘રામ રાજ્ય’, ‘હનુમાન પાતાળ વિજય’, ‘લવકુશ’, ‘સીતા સ્વયંવર’, ‘શ્રી રામ જન્મ’ સહિત ઘણી ફિલ્મો મર્યાદા પુરુષોત્તમને કેન્દ્રમાં રાખી બની છે. ‘સંપૂર્ણ રામાયણ’ તો હિન્દી ઉપરાંત અન્ય ભાષામાં બની છે. કૃષ્ણ જીવનના વિવિધ પહેલુઓ આવરી લેતી ‘શ્રી કૃષ્ણ લીલા’, ‘શ્રી કૃષ્ણ દર્શન’, ‘શ્રી કૃષ્ણ ભક્તિ’, ‘બલરામ શ્રીકૃષ્ણ, ‘પરમ અવતાર શ્રીકૃષ્ણ’ વગેરે ફિલ્મો બની છે. ‘મહાભારત’ નામની ફિલ્મ તો છેક ૧૯૨૦માં બની હોવાનો ઉલ્લેખ છે. ડિવોશનલ ફિલ્મ એટલે ભક્તિ ચિત્ર. ‘સંપૂર્ણ તીર્થયાત્રા’ (૧૯૭૦) એનું ઉદાહરણ છે. યશ ચોપરાની ફિલ્મો જેમ દર્શકોને સ્વિટ્ઝર્લેન્ડ સહિત કેટલાક રમણીય વિદેશી સ્થળોનું ભ્રમણ થિયેટરમાં બેસાડીને કરાવતી એ જ રીતે ‘સંપૂર્ણ તીર્થયાત્રા’ ધાર્મિક આસ્થા ધરાવતા લોકોને દેશભરના તીર્થસ્થાનોની ઝાંખી કરાવે છે. ફિલ્મને સફળતા મળવાનું એ એક પ્રમુખ કારણ જરૂરથી હશે. ભક્તિ ચિત્રમાં ભક્તની સમસ્યાનું નિવારણ કરવા પ્રભુ પ્રાગટ્ય પણ દર્શકોને મોહ પમાડે છે. અચાનક વાવાઝોડું ફૂંકાવાથી કે પછી વૃક્ષ ધરાશાયી થવાથી મનુષ્ય પ્રયત્ન વિના દુર્જનનો નાશ થાય છે. અનેક ધાર્મિક ફિલ્મોમાં આવું જોવા મળ્યું છે. ‘જય સંતોષી મા’ ફિલ્મમાં પતિના પરિવારથી પીડિત પત્નીને દેવી મા ઉગારી લે છે એનું ચિત્રણ થયું છે. ઝેરને કારણે મૃત્યુ પામેલા બાળકો સંતોષી માતાની કૃપાથી ફરી જીવતા થઈ જાય છે. થિયેટરમાં બેઠેલા દર્શકો તાળીઓ પાડે છે અને એ ગડગડાટમાં તર્ક અને વિજ્ઞાન કેદ થઈ જાય છે. ફિલ્મના માધ્યમથી અત્યંત પ્રભાવી રીતે અલૌકિક ઘટના – ચમત્કાર દર્શકોને દેખાડી શકાય છે. એને કારણે ફિલ્મમેકર કેમેરાવર્કની ટ્રિકથી પાત્રને ઉડતું દેખાડવાનો કે પછી કદ ઘટાડવા – વધારવાનો અથવા મકાન આગની જ્વાળામાં લપેટાઈ જાય જેવી ચાલાકી કરવા પ્રેરાતો હોય છે જે ભક્તિભાવ કરતા વધુ ધ્યાનમાં રહી જાય એવી સંભાવના રહેલી છે. અલબત્ત આ પ્રકારની ફિલ્મોમાં જોવા મળતી ચમત્કૃતિ સામે ક્યારેક સવાલ ઊભા થતા હોય છે ખરા. જોકે, ૧૯૭૭માં આવેલી ‘શિરડી કે સાંઈબાબા’ વિશે કોઈ વિવાદ નહોતો થયો. મનોજ કુમાર સાંઈ ભક્ત હોવાથી આ ફિલ્મ સાથે સંકળાયા હતા. ફિલ્મને ભવ્ય આવકાર મળ્યો હતો અને એનો એવો પ્રભાવ પડ્યો કે અનેક ઠેકાણે સાંઈ બાબાના મંદિરો બંધાયા. ભક્તિ ચિત્રપટની એક ખાસિયત એ છે કે હેરાન – પરેશાન થતા પાત્રમાં દર્શકને પોતાનું પ્રતિબિંબ દેખાય છે અને ફિલ્મમાં દૈવી શક્તિ જેમ ભક્તની વહારે આવે છે એમ પોતાની તકલીફ પણ આરાધ્ય દેવ દૂર કરી દેશે એવી આશા બંધાય છે.
જોકે, આજના દર્શકને પૌરાણિક પિક્ચર જોવા થિયેટર તરફ ખેંચી લાવવો આસાન નથી એ વાત ફિલ્મમેકર જાણે છે. ચમત્કૃતિ પ્રત્યે આકર્ષણ ઓછું થઈ ગયું છે અને ટીવી પર રોજેરોજ ધાર્મિક સિરિયલો જોવા મળતી હોય છે. આવા વાતાવરણમાં ૨૦૦૬માં ‘જય સંતોષી મા’ની રિમેક બની પણ દર્શકોએ એને જાકારો આપ્યો. કમાણી તો દૂરની વાત રહી, બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઈ. આજે ધાર્મિક ફિલ્મ બનાવવી હોય તો નવો દ્રષ્ટિકોણ – નવી કલ્પના અનિવાર્ય છે.. ૨૦૦૭માં આવેલી ‘માય ફ્રેન્ડ ગણેશા’ એનું વિશિષ્ટ ઉદાહરણ છે. માતા – પિતાની વ્યસ્તતાને લીધે એકલતા અનુભવતો આઠ વર્ષનો બાળક ગણેશજી સાથે દોસ્તી કરે છે અને બંને મોજમજા કરતા કરતા સમસ્યાઓનું નિરાકરણ લાવે છે એ વાત દર્શકોને પસંદ પડી ગઈ. પછી આ ફિલ્મની ત્રણ સિક્વલ બની.
(ધાર્મિક ફિલ્મોમાં ગુજરાતીઓના યોગદાન આપે. ગુજરાતી ધાર્મિક ફિલ્મો વિશે આવતા સપ્તાહે)
——-
નાનક નામ જહાજ હૈ…
હિન્દુ ધાર્મિક ફિલ્મોની સરખમણીમાં અન્ય ધર્મની માઈથોલોજિકલ ફિલ્મોનું નિર્માણ નગણ્ય છે. પંજાબી ફિલ્મ ‘નાનક નામ જહાજ હૈ’ (૧૯૬૯) સમસ્ત દેશની જનતામાં આકર્ષણનું કારણ બની હતી. અલબત્ત આ ચિત્રપટ ધાર્મિક ફિલ્મની વ્યાખ્યામાં ફિટ બેસે એવી નહોતી, કારણ કે એનો પ્લોટ સોશિયલ ફિલ્મનો હતો. જોકે, ફિલ્મને મળેલી ભવ્ય સફળતામાં અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ તેમજ અન્ય જાણીતા ગુરુદ્વારાની તીર્થ યાત્રા, અંધત્વમાંથી ફરી દ્રષ્ટિ મળવાનો ચમત્કાર અને દુર્જન સામે સજ્જનનો વિજય જેવા તત્ત્વનો સિંહફાળો હતો. હિન્દી ફિલ્મના બે ટોચના અભિનેતા પૃથ્વીરાજ કપૂર અને આઈ. એસ. જોહર એમાં હતા. ગુરુ નાનકની ૫૦૦મી જન્મજયંતી (૧૫ એપ્રિલ, ૧૯૬૯)ના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મ જોવા જતા દર્શકો થિયેટરની બહાર ચંપલ ઉતારીને જતા એવો અહેવાલ વાંચ્યો હોવાનું સ્મરણમાં છે. જોકે, આ ફિલ્મ પર રોમેન્સ અને રિલિજીયનની ભેળસેળ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં આવેલી ‘નાનક શાહ ફકીર’ને ગુરુ નાનક અને તેમની બહેનને મનુષ્ય અવતારમાં દર્શાવવા બદલ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ખ્રિસ્તી ધર્મ પર આધારિત ભારતીય ફિલ્મનો ખ્યાલ નથી. હા, ખ્રિસ્તી પાત્રો (મિસિસ ડીસા – લલિતા પવાર, અનાડી, એંથની ગોન્ઝાલ્વિસ – ‘અમર અકબર એન્થની – અમિતાભ’ અલબર્ટ પિન્ટો – નસીરુદ્દીન શાહ વગેરે) હિન્દી ફિલ્મોમાં ખાસ્સા ગાજ્યા છે. ઘણા મજેદાર પારસી પાત્રો (સાયરસ પીઠાવાલા – પરઝાનિયા, નસીરુદ્દીન શાહ, હોમી મિી – ખટ્ટા મીઠા, અશોક કુમાર, ફરહાદ – બમન ઈરાની, શીરીન ફરહાદ કી તો નીકલ પડી, કેટી સેઠના – ડિમ્પલ કાપડિયા, બીઈંગ સાયરસ) હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા છે. મુસ્લિમ સોશિયલ ફિલ્મો ઘણી બની છે પણ ધાર્મિક ફિલ્મની વાત કદાચ ‘મેરે ગરીબ નવાઝ’થી (૧૯૭૩) આગળ નથી વધતી. આ ફિલ્મ ફ્લોપ થઈ હતી.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.