(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સતત બીજા દિવસે પણ ઠંડીનું જોર કાયમ રહ્યું હતું. વહેલી સવારના અને મોડી રાતના ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. તાપમાનનો પારો ૧૬ ડિગ્રી જેટલો નીચો નોંધાતા શનિવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. લોકોને કબાટમાંથી સ્વેટર અને શાલ બહાર કાઢવાની ફરજ પડી હતી. રાજ્યમાં પણ ફરી એક વખત ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મુંબઈગરાને શિયાળાની મોસમનો અનુભવ થઈ રહ્યો છે. બે-ત્રણ દિવસથી ગરમી અને ઉકળાટથી રાહત મળી છે. દિવસ દરમિયાન સતત ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. વહેલી સવારના પણ વાતાવરણમાં એકદમ ઠંડું રહ્યું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ શનિવારે લઘુતમની સાથે જ મહત્તમ તાપમાનનો પણ ખાસ્સો એવો ઘટાડો નોંધાયો હતો.
દિવસ દરમિયાન સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૬.૦ ડિગ્રી અને કોલાબામાં ૧૮.૮ ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું. જ્યારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૦.૬ ડિગ્રી અને કોલાબામાં ૨૯.૦ ડિગ્રી નોંધાયું હતું. એ સાથે જ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.
સમગ્ર રાજ્યમાં પણ હાલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી ધુળેમાં નોંધાઈ હતી. અહીં તાપમાનનો પારો ૮.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. તો નાસિકમાં તાપમાનનો પારો ૧૦.૩ ડિગ્રી જેટલો નીચે ઉતરી ગયો હતો. તો ઔરંગાબાદમાં સતત બીજા દિવસે ૧૧.૬ ડિગ્રી જેટલો નીચો પારો નોંધાયો હતો. જળગાંવમાં ૧૩.૦ ડિગ્રી, કોલ્હાપૂરમાં ૧૭.૪ ડિગ્રી, મહાબળેશ્ર્વરમાં ૧૫.૫ ડિગ્રી, નાંદેડમાં ૧૪.૬ ડિગ્રી, ઓસ્મનાબાદમાં ૧૪.૨ ડિગ્રી, પરભણી ૧૪.૬ ડિગ્રી, સાંગલી ૧૫.૨ ડિગ્રી, સતારા ૧૪.૦ ડિગ્રી, સોલાપૂર ૧૫.૮ ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું.
બોક્સ
મુંબઈનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ઊંચો
ઠંડી વધવાની સાથે જ મુંબઈની હવાની ગુણવત્તાનું સ્તર પણ કથળી રહ્યું છે. શુક્રવારે ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૦ની ઉપર નોંધાયા બાદ સતત બીજા દિવસે શનિવારે એક્યુઆઈ ૨૧૫ જેટલો ઊંચો રહ્યો હતો. મઝગાંવમાં એક્યુઆઈ ૨૬૬, બીકેસી ૩૧૨ એક્યુઆઈ, ચેંબુરમાં ૩૦૭ એક્યુઆઈ, અંધેરીમાં ૨૬૯ એક્યુઆઈ નોંધાયો હતો.