ફોકસ -મુકેશ પંડ્યા
ટ્રિનિદાદ અને ટોબેગોના ડૉક્ટર જેરોમ ટિલુકસિંહ
ગઈ કાલે મહિલા દિવસ રંગેચંગે ઉજવાયો ત્યારે ઘણા પુરુષમિત્રો હસતા હસતા પૂછતા હતા કે શું પુરુષ દિવસ પણ ઉજવાય છે ખરો? તેમણે ભલે મજાકમાં પૂછ્યું હોય, પરંતુ અમે ગંભીરપણે જવાબ આપી દઇએ કે હા ઉજવાય છે, પરંતુ ઘણા લોકોને આની ખબર નથી.
દર વર્ષે નવેમ્બર મહિનાની ૧૯મી તારીખે ‘ઈન્ટરનેશનલ મેન્સ ડે’ ઉજવાય છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ ૧૯૦૯માં થઈ જ્યારે પુરુષ દિવસની ઉજવણી બરાબર સાઠ વર્ષ બાદ ૧૯૬૯માં શરૂ થઈ. જો કે આ દિવસ ઉજવાય છે તેની બહુ ઓછા લોકોને જાણકારી હતી એટલે વાજતે ગાજતે ક્યારેય ન ઉજવાયો. ત્રીસ વર્ષ બાદ ૧૯૯૯માં ટ્રિનિદાદ અને
ટોબેગોના ડૉક્ટર જેરોમ ટિલુકસિંહે આ દિવસને યાદ કરી તેની ફરી ઉજવણી શરૂ કરી.
જોકે ભારતમાં તો ૨૦૦૭ માં જ ખરેખર ઉજવણી શરૂ થઈ. અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં આ દિવસ ઉજવાય છે તેના પરથી પ્રેરણા લઈ ભારતના પુરુષ હક માટે લડત ચલાવતી સંસ્થાઓએ પણ આ દિવસ ઉજવવાનું શરૂ કર્યું. ૨૦૦૮ માં આ દિવસ ફરી ઉજવવામાં આવ્યો અને દર વર્ષે આ દિવસ કેવી રીતે ઉજવવો તેની રૂપરેખા પણ ઘડવામાં આવી.
પુરુષોના કુટુંબ દેશ અને સમાજ પ્રત્યેના યોગદાન તેમ જ તેમની ઉપલબ્ધિઓને બિરદાવવા એ પણ આ દિવસ ઉજવવા માટેનું એક કારણ હતું.
બીજું કારણ એ હતું કે પુરુષોને સામનો કરવો પડતો હોય તેવા અમુક મુદ્દાઓ પ્રત્યે પણ જાગૃતિ કેળવાય. આ દિવસના સ્થાપક એવા ટ્રિનિદાદના ડૉક્ટર જેરોમ ટિલુકસિંહે આ દિવસની ઉજવણી કરવાનું કારણ આપતા કહ્યું હતુ કે પુરુષોની માનસિક બીમારી અને તેમની વધતી આત્મહત્યાઓના મુદ્દે જાગૃતિ લાવવા આ દિવસની શરૂઆત કરી હતી.
આ ઉજવણી પાછળનું બીજું કારણ એ પણ છે કે આ દિવસના માધ્યમથી દરેક પુરૂષો નવયુવાનોમાં સંસ્કાર, મૂલ્યો અને જવાબદારીનું સિંચન કરે.
ડો.. જેરોમે આ તારીખ પસંદ કરી કારણ કે તે દિવસ એટલે તેમના પિતાનો જન્મદિવસ. આ ઉપરાંત આ દિવસ પ્રથમ વાર ઉજવાયો તેના બરાબર દસ વર્ષ પહેલા એટલે કે ૧૯ નવેમ્બર ૧૯૮૯માં ફૂટબોલ વર્લ્ડ કપમાં યોગ્ય ઠરવા ટ્રિનિદાદ અને ટોબેગોની ટીમે દેશમાં એકતા પ્રસરે તે માટે સફળ પ્રયાસો કર્યા હતા. આ દિવસની નોંધ રાખવા પણ ૧૯ નવેમ્બરની તારીખ પસંદ કરવામાં આવી હતી.
મહિલાઓને પુરુષ સમોવડી બનવાનો પૂરેપૂરો હક છે. મહિલાઓનું માન સન્માન જાળવવું પણ ઉચિત છે. જોકે એમ કરવામાં પુરૂષોની ઉપેક્ષા કે અન્યાય ન થઈ બેસે એ સુનિશ્ર્ચિત કરવું એ પણ પુરુષ દિન ઉજવવા પાછળનો હેતુ હોઈ શકે.