કચ્છી ચોવક -કિશોર વ્યાસ
ચોવકોનું કાઠું જ એવું હોય છે કે, તેના ધારો તેવા અર્થ નીકળી શકે. વળી ચોવકના ગર્ભિત અર્થની અસર તો લાંબા સમય સુધી ચાલે છે. એટલે જ એક ચોવક-પ્રચલિત બની છે કે ‘મીં વસે બ ઘડીયૂં, છનું ત્રિયે છ ઘડિયું’ સીધો અર્થ તો એવો થાય છે કે, વરસાદ તો થોડીવાર ચાલુ રહે પણ નેવાં તો ત્યાર પછી પણ નીતર્યાં કરતાં હોય છે. ‘છનૂં’ એટલે નેવાં. હવે તેને જરા વિસ્તૃત રીતે જોવા જઈએં તો, કોઈ સાથે થયેલી એક જ અને પહેલી મુલાકાત પછી પણ તેનાં સંસ્મરણો ભૂંસાતાં નથી! કોઈએ વિના કારણે આપણા પર કરેલો ગુસ્સો અને તેના શબ્દો પણ ભાગ્યેજ ભૂલાતાં હોય છે. સંસ્મરણો તો નીતર્યાં કરતાં હોય છે.
ગુજરાતીમાં આપણે એક કહેવતનો ઘણીવાર પ્રયોગ કરતા હોઈએ છીએ કે, ‘બોલે તેનાં બોર વેચાય!’ સમજાય છે ને કે ફેરિયાઓ પોતાની વસ્તુઓ વેચવા બૂમાબૂમ કેમ કરતા હોય છે! આ કહેવતનો એક જ સકારાત્મક અર્થ થાય. ‘બોર વેચાવાં’ એટલે ફાયદો થવો. કચ્છીમાં એવા જ અર્થની ચોવક છે, જેના સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને અર્થ થાય છે. ‘બોલે સે બ ખાય’ પણ શું ખાય? જ્યાં જેટલું અને જેવું બોલવું જોઈએ તેટલો બોલનારને ફાયદો (બ ખાય) થાય પણ, જે ખોટેખોટા લવારા જ કરતા હોય તે ખોટ ખાય (બે ઠપકાના શબ્દો કે થપ્પડ પણ ખાય!)
તમે જો જો, આપણે ઘણાને એવું કહેતાં સાંભળતા હોઈએ છીએ કે, ‘મારે તો બે હાથમાં લાડુ’ કચ્છીમાં કહેવું હોય તો ‘બીં હથ મેં લડું’ અર્થ સ્વયં સ્પષ્ટ છે. આમ કે તેમ મારે તો બન્ને બાજુ લાભ જ છે.
કોઈ વાત છાની રાખવાના સંદર્ભમાં આપણે ગુજરાતી ભાષામાં એક કહેવતનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે ‘બાંધી મૂઠી લાખની, ખુલ્લી તો વા ખાય’ હવે એજ વાત કચ્છીમાં : “બધી મૂઠ લખજી, ઉઘાડી વાખાય એ રીતે બોલાય છે અને આવી કોઈ છાની રાખવાની વાત પાધરી પડી જાય પછી તેને ફેલાઈ જતાં વાર નથી લાગતી. એવું બને, જોકે એવું બનતું જ હોય છે, ત્યારે ચોવક રચાય છે: “બ ચપેં ન સમાજે સે ચાર ચપેં પ ન સમાજે ચપ એટલે હોઠ ‘બ’ એટલે બે જે વાત બે હોઠ વચ્ચે પણ ન સમાઈ શકે, તે ચાર હોઠો ક્યાંથી છાની રાખી શકે? એ વાત ફેલાતી જ જાય છે.
સ્ત્રી અને પુરુષ માટે એક જ અર્થ વાળી ચોવક છે. સ્ત્રીઓ માટે: “બાઈ રઈ બીં કનાં અને પુરુષો માટે છે: “બાવો રેયો બીં કનાં! પણ તેનો અર્થ સમાન જ છે કે, બન્ને બાજુનો લાભ ગુમાવવો. આવા લાભ ઘણીવાર નાહકના ઝઘડાને કારણે પણ ગુમાવવા પડતા હોય છે. આપણે બોલતા હોઈએ છીએં કે ‘બે વઢે ને ત્રીજાને લાભ’ આવા જ અર્થ સાથે કચ્છીમાં એમ કહેવાય કે “બ વિડેં ને ત્રે કે લાભ ‘બ’ એટલે બે. વિડેં એટલે વઢે કે ઝઘડે ‘ત્રે’ એટલે ત્રીજી વ્યક્તિ!
વળી, આવા લાભ મેળવવામાં ઘણીવાર શક્તિશાળી માણસ ફાવી જતો હોય છે. (અહીં શક્તિના અલગ અલગ પ્રકાર યાદ કરવા!) ચોવક એમ કહે છે કે, ‘બરૂકે જા બ ભાગ’ વ્યવહારમાં પારદર્શકતા રાખવાની શીખામણ ચોવક આપે છે: “બક્ષીસ લખજી ય હિસાબ થઈ જો એટલે કે બક્ષીસ લાખ રૂપિયાની આપો, પરંતુ વ્યવહારમાં હિસાબ તો પાઈ પાઈનો જ કરવાનો! જો એમ ન કરવામાં આવે તો ખોટનો ધંધો થઈ જાય!
કોઈ પ્રસંગે વધારે ખર્ચ થઈ જાય ત્યારે પણ ચોવક કહે છે: “બારે મેણેંજી ખટ, રમજાન મેં ચટ સામાન્ય રીતે મુસ્લિમ બિરાદરો રમજાનમાં અને હિંદુઓ દિવાળી જેવા તહેવારો કે અન્ય પ્રસંગોમાં વધારે ખર્ચ કરતા હોય છે. ‘ખટ’ એટલે કમાણી બાર મહિનાની કમાણી એક પ્રસંગમાં જ ખર્ચાઈ જાય છે!