મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી માટે આજે (27 ફેબ્રુઆરી) મતદાન થઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયા સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. બંને રાજ્યોમાં કુલ 118 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મેઘાલયમાં 59 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, જ્યારે નાગાલેન્ડમાં પણ 59 બેઠકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. બંને રાજ્યોના પરિણામ 2 માર્ચે આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેઘાલય અને નાગાલેન્ડના લોકોને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. પીએમે ટ્વીટ કરીને લખ્યું કે, હું મેઘાલય અને નાગાલેન્ડના લોકોને ખાસ કરીને યુવા અને પહેલીવાર મતદારોને આજે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને નાગાલેંડ રાજ્યના લોકોને મતદાનમાં ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, નાગાલેન્ડમાં આજે વોટિંગ ચાલી રહ્યું છે. હું નાગાલેન્ડની બહેનો અને ભાઈઓને વિનંતી કરું છું કે તે સુનિશ્ચિત કરે કે જે શાંતિ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તેમાં કોઈ અડચણ ન આવે. માત્ર શાંતિ જ નાગાલેન્ડને તેની પ્રગતિ અને વિકાસના મુકામ સુધી લઈ જઈ શકે છે.
મેઘાલયની જનતાને વિનંતી કરતા અમિત શાહે લખ્યું કે, હું મતદારોને અપીલ કરીશ કે રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર પસંદ કરો. સ્વચ્છ શાસન એ સુનિશ્ચિત કરશે કે સરકારી યોજનાઓ ગરીબમાં ગરીબ સુધી પહોંચે અને તેમના જીવનમાં સમૃદ્ધિ લાવે. બહાર આવો અને વધુમાં વધુ મતદાન કરો.