કચ્છમાં મેઘ પધરામણી: મુંદરાના ગુંદાલામાં બે ઇંચ વરસાદ, અન્યત્ર માત્ર ઝાપટાં

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: રાજ્યભરમાં વરસાદના ત્રીજા દૌરનો શરૂઆત થઇ ચૂક્યો છે ત્યારે રણપ્રદેશ કચ્છમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતા એકથી બે ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. ભુજ, નખત્રાણા, માંડવી, લખપત, ભચાઉ અને રાપર તાલુકામાં મેઘરાજાએ ઝાપટાં વરસાવી હાજરી પુરાવી હતી.
સીમાવર્તી ખાવડા અને ભચાઉના ખડીર વિસ્તારમાં પણ દિવસભર ઝાપટાં વરસતાં સ્થાનિકોમાં ખુશી સાથે સચરાચર વરસાદની આશા વધુ પ્રબળ બની છે.
ભુજ શહેરમાં દિવસભર અકળાવનારી ગરમી વચ્ચે વહેલી સવારે વરસાદી ઝાપટાં વરસી પડતાં માર્ગો ભીંજાયા હતા, હજુ આકાશ ગોરંભાયેલું હોતા વધુ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે. બંદરીય મુંદરા તાલુકાના ગુંદાલામાં મેઘરાજાએ હેત વરસાવતાં બે ઇંચ પાણી પડી ગયું હતું.
બપોરે ભારે ગાજવીજ સાથે વરસાદ પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતાં, જયારે અંજાર અને ગાંધીધામ સંકુલમાં ઝરમર વરસાદ સ્વરૂપે મેઘરાજાએ નિરાશ કર્યા હતા.
ગાંધીધામમાં દિવસભર અકળાવનારા બફારાના સામ્રાજ્ય વચ્ચે કાળા ડિબાંગ વાદળો ગાજવીજ સાથે ચડી આવ્યા હતા પણ માત્ર ઝરમર વરસતાં માર્ગો ભીંજાયા હતા અને ગરમીનું જોર જારી રહ્યું હતું. આસપાસના સતાપર, ભીમાસર, વરસામેડી, ખારા-મીઠા પસવારિયામાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોને ઉકળાટમાંથી છુટકારો મળ્યો હતો.
બંદરીય માંડવી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ગૌધુલીક સમયે ઝમકદાર વરસાદનું ઝાપટું પડી ગયું હતું. નખત્રાણાના વિથોણ અને આસપાસના સ્થળોએ ઝરમર વરસાદ વરસ્યો હતો.
મધ્યમ વરસાદની આગાહી વચ્ચે મોટા ભાગના કચ્છમાં વાદળો છવાયેલા રહ્યા હતા તેની સાથે ભેજનું પ્રમાણ સરેરાશ ૮૫ ટકા જેટલું ઊંચું રહેતાં બફારો વધી જવા પામ્યો છે.
હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ સુધી કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.