દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રસાશન દ્વારા અનઅધિકૃત દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાંચ દિવસથી જીલ્લામાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી ચાલુ છે. આજે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા બંદરે સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મેગા ડિમોલીશન કામગીરી દરમિયાન 2 ધાર્મિક સ્થળ, 24 કોમર્શિયલ પ્રોપર્ટી અને 72 રહેણાંક ઈમારત સહીત કુલ 98 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
રેવન્યુ તથા પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમુદ્ર સીમાએ આવેલો દેવભૂમિ દ્વારકા જીલ્લો દેશની સુરક્ષા માટે મહત્વ પૂર્ણ છે. અહી સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણમાં દેશ વિરોધી પ્રવૃતિઓ થતી હોવાની જાણકારી બાદ આ બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નાવદ્રા બંદર પરથી ગત વર્ષે 120 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.
છેલ્લા પાંચ દિવસમાં હર્ષદ પોર્ટ પાસે 273 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં 214 રહેણાંક,55 કોમર્શિયલ, 4 ધાર્મિક સ્થળોને હટાવીને 11.07 લાખ ચોરસ ફૂટ જમીન ખાલી કરવામાં આવી હતી.
નાવદ્રામાં આજે ડિમોલેશનનો છઠ્ઠો દિવસ છે. કામગીરી દરમિયાન કોઈ અડચણ ઉભી ના થાય તે માટે અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 2.25 લાખ સ્કેવર ફૂટ કરતા વધારે જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. કાર્યવાહી હજુ પણ ચાલુ છે.