Homeમેટિની‘ફ્લેમ્સ’નાં રજત અને ઈશિતાને મળીએ...

‘ફ્લેમ્સ’નાં રજત અને ઈશિતાને મળીએ…

દિલ ચાહતા હૈ -પાર્થ દવે

કોલેજ રોમેન્સ ડ્રામા સિરીઝ ‘ફ્લેમ્સ’ની નવી સીઝન રિલીઝ થઈ છે. ‘ફ્લેમ્સ’ની પહેલી સીઝન ૨૦૧૮માં આવી હતી. ત્યારે સિરીઝનાં બંને પાત્રો ટીનેજ હતાં. રિત્વિક સાહોરે (રજત) અને તાન્યા મનિકતલા (ઈશિતા) ‘ફ્લેમ્સ’માં મુખ્ય પાત્રો
ભજવે છે.
રિત્વિક સાહોરેએ સૌથી પહેલાં ‘ફરારી કી સવારી’માં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમાં તે શરમન જોશીના દીકરાના પાત્રમાં હતો. ૨૦૧૬માં આવેલી ‘દંગલ’માં પણ તે દેખાયો હતો અને ત્યાર પછી તે રિતિક રોશન સ્ટારર ‘સુપર ૩૦’માં જોવા મળ્યો હતો. રિત્વિકે જણાવ્યું હતું કે “ફ્લેમ્સ’નું બેકડ્રોપ દિલ્હી છે અને ગ્રુપમાં હું જ એક એવો હતો જે મુંબઈથી બિલોન્ગ કરતો હોય. અમે શૂટિંગ દરમ્યાન દિલ્હીની ગલીઓમાં ફર્યા અને ત્યાંના લોકલ ફૂડનો સ્વાદ માણ્યો. ઇન્ડિયા ગેટનો આઈસક્રીમ ખાધો. ત્રણ સીઝન બાદ અમે એકબીજા માટે હવે સ્પેશિયલ થઈ ગયા છીએ.’
તાન્યા મનિકતલાએ છેલ્લે બે વર્ષ પહેલાં આવેલી મીરા નાયરની ‘અ સૂટેબલ બોય’માં નોંધનીય કામ કર્યું હતું. હવે તે મુંબઈકરમાં જોવા મળવાની છે. ‘ફ્લેમ્સ’ વિશે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે ‘જ્યારે અમે આ સિરીઝની શરૂઆત કરી હતી ત્યારે જાણતાં નહોતાં કે તેને આટલો બધો પ્રેમ મળશે. હવે મને લાગે છે કે ઈશિતા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. ઈશિતાનું પાત્ર એકદમ નિર્દોષ છે. તે મોટી થાય છે તેમ તેનામાં બદલાવ આવે છે. આ પાત્ર ભજવવાની ખૂબ જ મજા પડી છે.’
———
જોઈએ, સિદ્ધાર્થ આનંદ-શાહરુખ ખાનની ‘પઠાણ’ કેવી રહે છે…
બીજી નવેમ્બરે શાહરુખ ખાનનો જન્મદિવસ હતો. દક્ષિણ ભારતની ફિલ્મોના પોસ્ટર, ટીઝર કે ટ્રેલર તે ફિલ્મના સ્ટારના જન્મદિવસે રિલીઝ કરવામાં આવે છે. શાહરુખ ખાનના જન્મ દિવસે તેની આગામી ફિલ્મ ‘પઠાણ’નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું. યશ રાજ નિર્મિત અને સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ‘પઠાણ’ ફિલ્મમાં શાહરુખની સાથે જોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ મુખ્ય પાત્રમાં જોવા મળવાનાં છે. સબ-કાસ્ટમાં આશુતોષ રાણા, ડિમ્પલ કાપડિયા, ગૌતમ રોડે જેવાં નામો છે. ‘પઠાણ’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદના ખાતામાં ‘સલામ નમસ્તે’, ‘તારા રમ પમ’, ‘બચના ઐ હસીનો’, ‘અંજાના અંજાની’, ‘બેન્ગ બેન્ગ’ અને ‘વોર’ જેવી ફિલ્મો બોલે છે. ૨૦૧૯માં આવેલી ઍક્શન ફિલ્મ ‘વોર’માં રિતિક રોશન અને ટાઈગર શ્રોફ હતા. આ ફિલ્મે બોક્સ ઑફિસ પર સારો દેખાવ કર્યો હતો. ‘વોર’ ફિલ્મમાં રિતિક રોશનનું પાત્ર મેજર કબીરનું હતું. કહેવાઈ રહ્યું છે કે ‘પઠાણ’માં આ પાત્રનો એટલે કે રિતિક રોશનનો કેમિયો જોવા મળવાનો છે. ‘સૂર્યવંશી’માં જે રીતે ‘સિંઘમ’ અને ‘સિમ્બા’ને જોડવામાં આવ્યા હતા તે રીતે હવે ‘પઠાણ’ અને મેજર કબીરના યુનિવર્સને ભેગા કરવામાં આવશે. યશ રાજની જ ‘ટાઇગર’ ફ્રેન્ચાઇઝીમાં પણ શાહરુખ ખાન અને તે જ રીતે ‘પઠાણ’માં ટાઇગર તરીકે સલમાન ખાન જોવા મળવાનો છે, તેવા રિપોર્ટ્સ છે.
‘પઠાણ’ આવતા વર્ષે, ૨૫ જાન્યુઆરીએ હિન્દીની સાથે તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે. ૫૭ વર્ષના થયેલા શાહરુખ ખાનની ‘પઠાણ’ ઉપરાંત રાજકુમાર હિરાણી દિગ્દર્શિત ‘ડંકી’ અને એટલી દિગ્દર્શિત ‘જવાન’ રિલીઝ થવાની છે. સિદ્ધાર્થ આનંદની છેલ્લી ફિલ્મો જોતાં લાગ્યું છે કે તેની ઍક્શન સ્ટાઇલિશ હોય છે, પ્રમાણમાં સરસ હોય છે, પરંતુ વાર્તામાં કશો ભલીવાર હોતો નથી. ‘વોર’ કે ‘બેન્ગ બેન્ગ’ના બોક્સ ઑફિસના આંકડા કંઈ પણ કહેતા હોય, પરંતુ ફિલ્મ એટલી એન્ગેજિંગ નહોતી જ. જોઈએ, ‘પઠાણ’ કેવીક રહે છે…
———-
શુભાવી ચોકસી સારી નૃત્યાંગના છે!
‘કસૌટી ઝિંદગી કી’ની મોહિની બસુ એટલે કે શુભાવી ચોકસી ટ્રેઇન્ડ ભરતનાટ્યમ નૃત્યાંગના છે. તે પેઇન્ટિગનો પણ શોખ ધરાવે છે. આ બાબત બહુ ઓછા લોકો જાણે છે.
અત્યંત લોકપ્રિય સિરિયલ ‘ક્યોંકિ… સાસ ભી કભી બહૂ થી’માં મીરા સિંઘાનિયા તથા ‘કહાની ઘર ઘર કી’માં રિશિકા રાય ચૌધરીનું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલી શુભાવી ચોકસીએ તાજેતરમાં એક વાતચીત દરમ્યાન કહ્યું કે ‘ઘણા લોકોને ખ્યાલ નથી, પણ નૃત્ય કરવું મને ખૂબ ગમે છે. ડાન્સ મારું પેશન છે. હું સ્કૂલ અને કોલેજમાં ડાન્સર રહી છું. મારા જીવનમાં અભિનયનો પ્રવેશ તેની બાદ થયો હતો. મને પેઇન્ટિંગ કરવું પણ ખૂબ ગમે છે.’
શુભાવી ચોકસી અત્યારે ‘બડે અચ્છે લગતે હૈ-ટૂ’માં નંદિની કપૂરનું પાત્ર ભજવી રહી છે. તેની કરિયરની શરૂઆત ‘ક્યોંકિ… સાસ ભી કભી બહૂ થી’ થકી થઈ હતી. ૨૦૦૪થી ૨૦૦૮ દરમ્યાન તે તેમાં કામ કરતી હતી. તે કહે છે, ‘બાદમાં મારાં લગ્ન થતાં હું મુંબઈ અને દુબઈ વચ્ચે ઝોલાં ખાતી હતી. મેં મારી પસંદગીનો
બ્રેક લીધો હતો.’

RELATED ARTICLES

Most Popular