મળીએ મુંબઈના અમ્બ્રેલામેનને

પુરુષ

એક છાતે કી કીમત તુમ ક્યા જાનો…?

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

‘આપણા માટે પલંગ, બ્લેન્કેટ કે છત્રી જેવી વસ્તુઓ કદાચ લક્ઝુરિયસ કે એટલી મહત્ત્વની ન હોય અને આપણે એની ગણતરી સામાન્ય વસ્તુઓમાં કરતા હોઈએ, પરંતુ આજે પણ દુનિયામાં કેટલાય એવા લોકો છે કે જેમના માટે આ બધી વસ્તુઓ એક લક્ઝુરિયસ આઈટમ્સ છે અને તેમની પહોંચની બહાર છે… અને ૨૦૧૮ પહેલાં હું પણ એવું જ માનતો હતો, પરંતુ અચાનક એક દિવસ થયેલા પર્સનલ એક્સપીરિયન્સ પરથી મને આ વાતનો અહેસાસ થયો અને મેં બસ દુ:ખી થઈને બેસી રહેવા કરતાં તેના માટે નક્કર કંઈક કરવાનું વિચાર્યું…’ આ શબ્દો છે મુંબઈમાં રહેતા વિમલ ચેરંગટ્ટુના કે જેઓ હાલમાં લોકો પાસે પડી રહેલી તૂટેલી, નકામી થઈ ગયેલી છત્રીઓને અને અન્ય વસ્તુઓને ભેગી કરે છે અને તેને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં નિમિત્ત બને છે.
જોકે વિમલનું એવું માનવું છે કે કોઈ એકાદ વ્યક્તિને તેની જરૂરિયાતની વસ્તુની મદદ કરવાથી કે તેને એ ઉપલબ્ધ કરાવી આપવાથી સમાજમાં કોઈ મોટું પરિવર્તન ન લાવી શકે, પણ આ નાનકડી મદદ એ વ્યક્તિના જીવનની મુશ્કેલીમાં અમુક અંશે ઘટાડો ચોક્કસ જ લાવે છે. બસ પોતાના આ જ વિચારને હેતુ બનાવીને વિમલ કામ કરી રહ્યા છે, તો ચાલો વધારે સમય વેડફ્યા વિના મળીએ સીધા આપણી આજની કવર સ્ટોરીના હીરોને…
પોતાના આ અનોખા પ્રોજેક્ટ વિશે વાત કરતાં વિમલ જણાવે છે કે ‘છેલ્લાં ચાર વર્ષથી હું ‘ધ કવર પ્રોજેક્ટ’ નામના ફેસબુક પેજની મદદથી લોકો પાસેથી તેમની પાસે રહેલી વધારાની કે નકામી થઈ ગયેલી વસ્તુઓ એકઠી કરું છું અને મુંબઈના રસ્તા પર રહેનારા લોકો સુધી પહોંચાડવાનું કામ કરું છું. આ કામની શરૂઆત મેં લોકો પાસેથી તૂટેલી કે જૂની થઈ ગયેલી છત્રીઓ ભેગી કરીને કરી હતી. આ છત્રીઓને એકઠી કરી લીધા બાદ હું તેમાં જરૂરી સમારકામ કરાવી લઉં છું અને લોકો સુધી પહોંચાડું છું. હું કોઈ એનજીઓ વગેરે નથી ચલાવતો, બસ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને એક કેમ્પેઈન ચલાવું છું અને વસ્તુઓ ભેગી કરું છું. આજે લોકો મને છત્રી, એક્સ્ટ્રા બેડિંગ, દવા, બ્લેન્કેટ જેવી વસ્તુઓ પણ આપે છે અને હું બધી વસ્તુઓ સમય કાઢીને મુંબઈના રસ્તા પર રહેનારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડું છું, જેથી તેમના જીવનની થોડી મુશ્કેલીઓ ઘટાડી શકું.’
પર્સનલ લાઈફની વાત કરીએ તો વિમલ એક આઈટી કંપનીમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે અને થોડાંક વર્ષો પહેલાં સુધી તો એમને રસ્તા પર રહેનારા લોકોને રોજબરોજના જીવનમાં આવનારી મુશ્કેલીઓ વિશે અંદાજો સુધ્ધાં નહોતો, પણ પેલું કહે છેને કે અમુક વખત નજર સામે બનેલી નાનકડી ઘટના પણ જિંદગીમાં મોટાં મોટાં પરિવર્તનો લાવવામાં નિમિત્ત બને છે. આવું જ વિમલ સાથે પણ થયું અને એ ઘટના વિશે વાત કરતાં વિમલ જણાવે છે કે ‘એક વખત હું રોડ પર પ્રવાસ કરી રહ્યો હતો અને રસ્તા પર ફૂલ વેચી રહેલી એક નાનકડી બાળકી મારી પાસે આવી અને મારી પાસેથી છત્રી માગવા લાગી. વરસાદનો સમય હતો એટલે મારી પાસે એક જ છત્રી હતી. બાળકીની માગણી સાંભળીને પહેલાં તો મને આશ્ર્ચર્ય થયું કે આખરે એ મારી પાસે છત્રી કેમ માગી રહી છે? પણ પછી મેં વિચાર્યું કે એક છત્રી જ તો છે એટલે વધુ વિચાર્યા વિના મેં એને મારી છત્રી આપી દીધી. છત્રી મળતાં જ બાળકીના ચહેરા પર જે આનંદ જોવા મળ્યો એને કોઈ પણ વ્યક્તિ શબ્દોમાં ન વર્ણવી શકે… એ દિવસે એ બાળકીને જોઈને મને થયું કે મારા માટે તો આ છત્રી એક કોમન વસ્તુ છે, પણ એ બાળકી માટે આ છત્રી એક લક્ઝરી આઈટમ છે અને એટલે જ તેને મેળવીને તે આટલી બધી ખુશ થઈ ગઈ. બાળકીને મળેલી છત્રી જોઈને આસપાસમાં રહેલાં બીજાં કેટલાંક ગરીબ બાળકો આવીને મારી પાસે છત્રી માગવા લાગ્યાં…’
રસ્તા પર રહેનારા આ લોકો આખો દિવસ મહેનત કરીને જે નાની મોટી કમાણી કરે છે એમાંથી ખાવાનું લઈ લે છે. તેમની પાસે જો ૧૦૦-૨૦૦ રૂપિયાની બચત હશે તો પણ તેમાંથી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જે છત્રી ખરીદવાનું વિચારશે. વાતનો દોર આગળ વધારતાં વિમલ કહે છે કે ‘આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેમની પાસે એકથી વધુ છત્રી હશે કે પછી ઘણી વખત તો આપણે જૂની થઈ ગયેલી છત્રીને બેકાર અને નકામી સમજીને ફેંકી દઈએ છીએ. મેં મારા મિત્રોને મારા મનમાં ચાલી રહેલા વિચારો વિશે વાત કરી, સોશિયલ મીડિયાના માધ્યમથી આ લોકોની સમસ્યા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને તેમને તેમની પાસે રહેલી જૂની કે વધારાની છત્રીઓ મને ડોનેટ કરી દેવાની અપીલ કરી. મને અંદાજો નહોતો કે મારી આ પોસ્ટ આટલી વાઈરલ થઈ જશે. શહેરના અનેકજાણીતા ચહેરાઓએ મારી પોસ્ટને શેર કરી અને પહેલા જ વર્ષે મેં ૫,૦૦૦ છત્રી એકઠી કરી લીધી અને રસ્તા પર રહેનારા લોકો સુધી પહોંચાડી.’
પહેલા જ વર્ષે પોતાની પહેલને મળેલા લોકોના આટલા ઉત્સ્ફૂર્ત પ્રતિસાદથી વિમલને એવું લાગ્યું કે શક્ય છે કે હવે મુંબઈના રસ્તા પર રહેનારા બધા લોકો પાસે પોતાની છત્રી હશે, પણ એવું થયું નહીં, કારણ કે જેટલી છત્રીઓ વિમલ પાસે હતી એનાથી વધુ તો જરૂરિયાતમંદોની સંખ્યા હતી.
વિમલને કેટલાય લોકો પૂછે છે કે એક છત્રી આપીને તો કંઈ લોકોની ગરીબી દૂર થતી હશે, પણ લોકોના એ સવાલના જવાબમાં વિમલ કહે છે કે ‘૨૦૧૮માં જ્યારે હું લોકોને છત્રી આપી રહ્યો હતો એ સમયે મેં એક બાળકને પૂછ્યું કે વરસાદના દિવસોમાં તું શાળાએ કઈ રીતે પહોંચે છે, તો એણે જવાબ આપ્યો કે હું દોડી-દોડીને સ્કૂલમાં જાઉં છું… એ બાળકનો જવાબ સાંભળીને મેં મનમાં નક્કી કરી લીધું કે હવે દર વર્ષે હું એટલીસ્ટ એવું તો કંઈક કરીશ જ કે જેથી કોઈ પણ બાળકને દોડીને કે ભીંજાઈને શાળાએ ન જવું પડે.’
૨૦૧૮થી ૨૦૨૨ એટલે કે છેલ્લાં ચાર વર્ષથી વિમલ ચોમાસાની ઋતુમાં લોકો પાસેથીછત્રીઓ ભેગી કરીને તેને ગરીબ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે અને હવે તો તેઓ છત્રીની સાથે સાથે બ્લેન્કેટ, બેડિંગ અને દવા વગેરે ભેગું કરીને તેને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. તેમના કામમાં તેમના ઓફિસના, સ્કૂલ અને કોલેજના કેટલાય મિત્રો પણ મદદ કરે છે.
સોશિયલ મીડિયાને કારણે વિમલના આ અભિયાનમાં લોકો દેશ-વિદેશથી જોડાઈ રહ્યા છે અને મદદ માટે આગળ આવી રહ્યા છે. હાલમાં જ વિમલને એવી કંપની વિશે જાણ થઈ છે કે જ્યાં પ્રજ્ઞાચક્ષુ લોકો છત્રીઓ બનાવે છે. હવે તેઓ આ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા બનાવવામાં આવેલી
છત્રીઓ ખરીદીને તેનું વિતરણ કરવાની યોજના વિશે વિચારી રહ્યા છે, જેથી એક પંથ ને બે કાજ થાય…
વિમલ જેવા લોકોની નાનકડી પહેલ જ સમાજમાં પરિવર્તન લાવવાની શરૂઆતમાં નિમિત્ત બને છે અને હવે સમય આવી ગયો છે કે આપણે પણ આ રીતે આપણાથી શક્ય હોય એટલી મદદ કરીને સમાજને વધુ સક્ષમ બનાવવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.