મળો, એક ગહન, ગહેરા ગંગાપુત્રને..

ઉત્સવ

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: દરેક ખામોશી, ભારેલો અગ્નિ છે. (છેલવાણી)
“ભારતીય રાજનીતિ એટલી ઈન્ટરેસ્ટિંગ છે કે એના પર સરકારે ‘મનોરંજન ટૅક્સ’ લગાડવો જોઈએ, સરકારી તિજોરીને ખૂબ ફાયદો થશે!
* * *
“આપણી રાજનીતિના હાલ એવા જ છે જેવા ટી.વી.ની ધારાવાહિક સિરિયલોના છે. લોકો, મજબૂરીથી જોયા કરે છે ને જ્યારે સિરિયલ પૂરી થાય ત્યારે નિરાંતનો શ્ર્વાસ લે છે કે ‘હાશ, આવી સિરિયલ જોઈને પણ આપણે જીવતા બચી ગયા! ભારતીય ચૂંટણીઓ, એવી જ કોઇ લાંબી સિરિયલનો કલાઈમેક્સ છે!
* * *
“મારો દેશપ્રેમ ચૂંટણી જીતવા માટે નથી. હુલ્લડો કરાવવા માટે પણ નથી. મારો દેશપ્રેમ મહારાષ્ટ્ર, આસામ કે બંગાળના લોકોના ભારતીય હોવાના દાવાને છીનવવા માટેનો નથી. મુંબઈમાંથી ગુજરાતીઓ કે દક્ષિણ ભારતીય લોકોની દુકાનો બાળવા માટે નથી.
મારો દેશપ્રેમ, હિંદી ભાષાને બીજાઓ પર થોપી મારવા માટે પણ નથી. મારો દેશપ્રેમ કૉંગ્રેસમાંથી બીજેપી ને બીજેપીમાંથી કૉંગ્રેસમાં
ઘૂસવાનો દરવાજો નથી, મારો દેશપ્રેમ બેગુનાહ હરિજનોને જીવતા બાળવા માટે નથી. મારો દેશપ્રેમ, મારા જીવવાની પદ્ધતિ છે ને જીવવાનો
આધાર છે.
****
“આધુનિક ભારતમાં એ નક્કી કરવું અઘરું છે કે (જૂઠી) ‘ધાર્મિકતા’ મોટો વેપાર છે કે ‘રાજનીતિ’? બંને વેપારોમાં સ્મગલિંગ કે અંડરવર્લ્ડ કરતાં વધારે પૈસા છે એટલે જેને જુઓ એ ધર્મ કે રાજનીતિના ધંધામાં ઘૂસવામાં ખૂબ બેકરાર છે!
* * *
“કાલે હું ભારતનો નકશો જોઈ રહ્યો હતો ને ત્યારે મને નવાઇ લાગી કે કલાકો સુધી ડોળા ફોડી જોયા પણ ખબર નહીં કેમ દેશ નકશામાં મને હિંદુસ્તાન કે ભારત ક્યાંય દેખાયા જ નહીં! આઝાદ, ભગતસિંહ, બિસ્મિલ, ગાંધી, પટેલ, નેહરુ વગેરેએ મને એવું કશુંક કહેલું કે આ એક દેશ છે! અરે, જલિયાવાલા બાગની લોહીભીની દીવાલો પણ કસમ ખાઈને એમ જ કહેતી. પછી આખેઆખી આઝાદીની લડાઈ મારી સામે બાંયો ચઢાવીને ઊભી થઈ ગઈ ને બરાડી કે- “ભારત નામનો દેશ છે! મેં નકશો ખોલીને પૂછ્યું, “હોય તો દેખાડો!.. અને બધા સ્વાતંત્ર્યસેનાનીઓ- આખો આઝાદીની લડાઈનો ઈતિહાસ માથું ઝુકાવીને ચૂપ! કારણ કે નકશામાં પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ…તો હતા, પણ નહોતો તો બસ માત્ર ‘સારે જહાં સે અચ્છા હિંદુસ્તા હમારા’-વાળો આપણો ખરો દેશ! જો હું જાસૂસી નવલકથાકાર હોત તો ‘કેસ ઑફ મિસિંગ કંટ્રી’ નામની કોઈ નોવેલ લખી નાખત!
* * *
આ બધા વિવાદાસ્પદ પણ તેજાબી શબ્દો છે, ડૉ. રાહી માસૂમ રઝાના જેમણે દેશ કે એની રાજનીતિ વિશે દરેક સરકાર પર ચાબખા મારતી વાતો લખેલી અને જે આજે પણ ફ્રેશ લાગે છે. બાય ધ વે, પહેલી સપ્ટેંબરે રઝાની પુણ્યતિથિ છે.
ઇન્ટરવલ
મુઝે ગાઝીપુર કી ગંગા કી ગોદ મેં સુલા દેના,
વો મેરી માં હૈ, મેરે બદનક ઝહેર પી લેગી (રાહી માસૂમ રઝા)
આવું લખનાર ડૉ. રાહી માસૂમ રઝા, “આધા ગાંવ કે “ટોપી શુક્લા જેવી નવલકથાના હિંદી-ઉર્દૂના મહાન નવલકથાકાર-કવિ હતા અને “લમ્હેં, “આખિરી રાસ્તા “મિલી”, “ગોલમાલ જેવી ૧-૨ નહીં પણ ૮૩ હિંદી ફિલ્મોના લેખક. રાહી માસૂમે આખા ઉર્દૂ સાહિત્યને પડકાર આપેલો કે ઉર્દૂ સાહિત્ય જો હિંદીની દેવનાગીરી લિપીમાં છપાવશો તો જ એ લાંબુ જીવશે. કટ્ટર મુસ્લિમો એમને ગદ્દાર ગણાતા અને હિંદુઓ એમને કોઇ ઉર્દૂ લેખક માનતા પણ એ જ રાહી માસૂમ રઝાએ સૌને ચૂપ કરી દે એવી ‘મહાભારત’ નામની બી. આર. ચોપડાની સિરિયલ ૧૯૮૫માં લખેલી જેને જોવા માટે દેશમાં કર્ફ્યુ જેવો માહોલ બની જતો.
વાંચો, એસિડમાં બોળેલી રઝાની કલમના થોડા નમૂનાઓ-
“ગંગા-વારાણસીના વાચકોની ક્ષમા માગું છું કારણકે હવે ખૂલીને બોલી નથી રહ્યો. દોષ ના તો મારો છે, ના તો ગંગામૈયાનો. દોષ છે રાજનીતિનો. ઇમાનદારી એટલો જૂનો સિક્કો બની ગયો છે કે જેનો ચૂંટણીની બજારમાં એ હવે ચલણમાં નથી, ભવિષ્યમાં પુરાતત્ત્વ વિભાગને ખોદકામ કરવામાં જો કામ આવે તો આવે!”
કે પછી ૮૦ના દાયકાના દંગાઓ વિશે-
“મેં હુલ્લડ પર રડવાનું હવે બંધ કરી દીધું છે કારણકે મને લાશોને ધર્મોના આધારે અલગ પાડવાની કળા નથી આવડતી.
અથવા તો સરકારી ટીવી પર-
“આપણું દૂરદર્શન, સરકારોનું બોરિંગ જાહેરાત ખાતું છે. આપણો ભારતવર્ષ, જાતપાત-ધર્મ-ભાષા કે પેટાજાતિની વૉટબૅન્કને લીધે પાછળની તરફ દોડી રહ્યો છે! ડૂબતાં સૂરજની તરફ કે પછી ડૂબતાં અનેક સૂર્યોના કાફિલા તરફ. આપણે સૌ ‘વૉટ-બૅન્ક ઑફ ઈંડિયા’માં આપણાં ખાતાં ખોલવવામાં મશગૂલ છીએ… દેશભક્તિ, માત્ર નારેબાજી નથી, પણ જીવન જીવવાની શરત બનાવવી પડશે ગંગા માને સાફ કરાવવાની સાથે સાથે રાજનીતિને પણ સાફ કરો!
છેક ૧૯૮૬માં લખાયેલ વાત આજે પણ આપણને વિચારતા કરી મૂકે છે. પ્રજા તો ભાષણથી ભોળવાઈને હંમેશા તાળીઓ પાડે રાખે છે. સિંહનાં મોંમાં માથું મૂકેલાં રિંગમાસ્ટરને જોઈને લોકોને હવે ડર નથી લાગતો, થ્રિલ મળે છે. આ સર્કસમાં આપણે સૌ સામેલ છીએ! રઝા જેવા લેખકો છાતી કાઢીને ૮૦’-૯૦’ના દાયકામાં કટ્ટર સૈયદ શહાબુદ્દીન કે મુંબઇના કિંગ ઠાકરે સામે પણ તેજાબી લેખો લખી શકતા કારણકે એમને “પદ્મશ્રી ઍવોર્ડની કે રાજ્યસભામાં ઘૂસવાની લાલચ નહોતી. સલામ, રાહી માસૂમ રઝાને.
એન્ડ ટાઇટલ્સ
આદમ: સરકાર, ટી.વી. છે. રિમોટ, જનતા છે.
ઇવ: સેલ બદલ!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.