દેશમાં મોંઘવારી દિવસે નહીં એટલી રાતે વધી રહી છે અને મધ્યમવર્ગીય લોકોની કમર આ મોંઘવારીના મારને કારણે બેવડ વડી ગઈ છે. આ બધા વચ્ચે આવતા મહિનેથી એટલે કે એપ્રિલ મહિનાથી આ મધ્યમવર્ગીય માણસને મોંઘવારીનો વધુ એક આંચકો લાગવા જઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે એપ્રિલ મહિનાથી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. જેમાં પેઇનકિલર્સથી લઈને એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે.
પહેલાથી જ મોંઘવારીથી પરેશાન સામાન્ય માણસના ખિસ્સા પર આ ભાવવધારાને કારણે વધારાનો બોજ આવશે. આ આવશ્યક દવાઓ વિશે વાત કરીએ તો, તેમાં પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, હૃદયરોગ સંબંધિત દવાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ દવાઓના ભાવ પહેલી એપ્રિલથી વધવા જઈ રહ્યા છે. સામાન્ય માણસને મોંઘવારીનો મોટો ફટકો પડશે.
વાસ્તવમાં, સરકાર ફાર્માસ્યુટિકલ કંપનીઓને વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) માં ફેરફારને અનુરૂપ વધારો કરવાની મંજૂરી આપવા માટે તૈયાર છે. ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ સોમવારે જણાવ્યું હતું કે 2022 સુધી સરકાર દ્વારા સૂચિત WPIમાં વાર્ષિક ફેરફારના આધારે ભાવમાં વધારો કરવામાં આવી શકે છે.
મળતી માહિતી મુજબ, વધતી મોંઘવારીને જોતા ફાર્મા ઉદ્યોગ દ્વારા દવાઓની કિંમતમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી. એક રિપોર્ટ અનુસાર દવાઓની કિંમતોમાં 12 ટકાથી વધુનો વધારો થઈ શકે છે. આ સતત બીજું વર્ષ છે કે જ્યારે દવાઓના ભાવમાં વધારો થશે. શેડ્યૂલ દવાઓના ભાવમાં લગભગ 10 ટકાનો વધારો થઈ શકે છે.
શેડ્યુલ દવાઓ એટલે એવી દવાઓ છે જેની કિંમતો નિયંત્રિત છે. નિયમોનુસાર, સરકારની પરવાનગી વિના સૂચિત દવાઓના ભાવમાં વધારો કરી શકાતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ડબ્લ્યુપીઆઈમાં વાર્ષિક ફેરફારને કારણે કિંમતોમાં વધારો સાધારણ રહ્યો છે, જે વર્ષોથી 1% અને 2% ની વચ્ચે છે.
દવાઓના ભાવ વધારાને કારણે આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને જરૂરી રાહત મળશે. કેટલાક સમયથી, ફાર્માસ્યુટિકલ માલસામાન, નૂર અને પ્લાસ્ટિક અને પેકેજિંગ માલ સહિત કાચા માલની કિંમતોમાં વધારો થયો છે. જેના કારણે ખર્ચ પર અસર પડી છે. દવાઓના ભાવ વધારાથી તેમને રાહત મળશે.