(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સીમાવર્તી કચ્છના છેવાડાના વિસ્તારોમાં ઓરી-અછબડાની બીમારીને નાથવા માટે અત્યંત આવશ્યક રસીકરણના જોવા મળી રહેલા સદંતર અભાવને કારણે અત્યારે ઓરી ફાટી નીકળતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
કચ્છમાં વીતેલા માત્ર બે માસમાં ૬ મહિનાથી ૧૧ વર્ષના બાળકોમાં સત્તાવાર યાદી પ્રમાણે ઓરીના ૨૬ જેટલા કેસ સામે આવ્યા છે જેમાં સૌથી વધુ અંજારમાં નવ બાળદર્દીઓ નોંધાયા હતા, જ્યારે ગાંધીધામમાં સાત, ભુજમાં બે કેસ લઘુમતી વિસ્તારમાં અને તાલુકાના સુખપર ગામે એક કેસ સામે આવ્યો હતો. જ્યારે માંડવીમાં ત્રણ, ભચાઉમાં બે અને નખત્રાણામાં પણ એક બાળકમાં ઓરીના લક્ષણ જોવા મળ્યા હતા. ભુજ તાલુકાના સીમાવર્તી ખાવડા અને પચ્છમ વિસ્તારના કિનારામાં ઓરીથી એક બાળકીનું શંકાસ્પદ મોત થયું હોવાના પણ ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે.
અંજાર-ગાંધીધામ ઉપરાંત સીમાવર્તી ખાવડા અને પચ્છમમાં ઓરીનો વ્યાપ સતત વકરી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર પચ્છમમાં દૈનિક ૧૦ નવા ઓરી-અછબડાના કેસ નોંધાઈ રહ્યા છે જેને કારણે દરેક ઘરમાં બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. બીમારી ફેલાયા બાદ સફાળા જાગેલા આરોગ્ય વિભાગે સર્વે શરૂ કર્યો છે.
ઓરી એક વાઈરલ બીમારી છે જેમાં ત્વચા પર લાલ ફોલ્લીઓ અને નાના બાળકોમાં વહેતું નાકનું કારણ બને છે. આ રોગ વાઈરસથી થાય છે અને ચેપગ્રસ્ત બાળકથી અન્ય બાળકોમાં ઝડપથી ફેલાય છે.