Homeરોજ બરોજદિલ્હીનું મેયર પદ: નયે કિરદાર આ રહે હૈ, વહી પુરાના નાટક ચલ...

દિલ્હીનું મેયર પદ: નયે કિરદાર આ રહે હૈ, વહી પુરાના નાટક ચલ રહા હૈ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

ભાજપના ચાણક્ય અને દેશના ગૃહમંત્રી અમિત શાહને છેવટે દિલ્હી મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોના ઓછાયે બ્રહ્મજ્ઞાન લાદ્યું છે. કાયમ પ્રતિસ્પર્ધી પક્ષોના અઢારેય અંગ વાંકા નિહાળતા રહેલા શાહએ કબૂલ્યું છે કે તેમનાથી ભૂલો થઇ છે. તેમણે એ પણ સ્વીકાર્યું છે કે ભાજપ હવે આત્મનિરિક્ષણ કરશે અને આ ભૂલો પણ સુધારશે. ભાજપ જ નહીં, દરેક પક્ષ ભૂલ કરતો હોય છે. ફરક બસ એટલો જ હોય છે કે કોઇ ભૂલ કર્યા બાદ પણ તેમાંથી ધડો લેવાના બદલે પોતાનું જ વાજું વગાડ્યા કરે છે તો સમજદાર નેતૃત્વ તેમાંથી બોધપાઠ લઇને નવેસરથી મેદાનમાં ઝૂકાવતા હોય છે. પરંતુ ભાજપ કયારે શું કરે એ કોઈ કળી શકે નહીં. અમિત શાહ ધર્મની વાત કરતા હોય તેમાં પણ રાજનીતિ હોય અને કાયદાના ઓઠા તળે પરિવર્તન લાવવાની વાત હોય તો તેમાં પણ રાજકારણની રમત નજરે ચડે છે. શીલા દીક્ષિતના પતન બાદ ભાજપે વર્ષો સુધી દિલ્હી મહાનગરપાલિકા પર રીતસરનું રાજ કર્યું હતું. દિલ્હીના મેયરને બંધારણે મુખ્યમંત્રી કરતા પણ વધુ શક્તિ અને સત્તા પ્રદાન કરી છે. તે મહાનગરપાલિકાના વિકાસ-વિસ્તારથી લઈને કરોડોના ખર્ચે બનતા ઓવરબ્રિજના કામ ચપટી વગાડતા અટકાવી શકે છે. તેના માટે કેજરીવાલને જાણ કરવી પણ જરુરી નથી. આ વિસંગતતાનો લાભ લઈને ભાજપ શાસિત મેયરે કેજરીવાલના નામ અને નાક બન્નેમાં દમ કરી દીધો હતો. અલબત્ત કેજરીવાલ પણ ઓછી માયા નથી એટલે પાલિકાને સાઈડ લાઈન કરીને તેઓ મનમાની કરતા રહ્યા હવે ઇતિહાસ પલટાયો અને ‘આપ’ની દિલ્હી મહાનગરપાલિકાના ચૂંટણીમાં પ્રચંડ જીત થઈ છતાં અમિત શાહની રાજનીતિ ફેઈલ નથી થઈ કારણ કે તેમના વિષાદમાં પણ રાજકારણ છે.
પ્રથમ તો દિલ્હી નગરપાલિકાના માળખાને સમજવું આવશ્યક છે. દિલ્હી પાલિકા સત્તાની પાવર બેન્ક છે. કોઇ પણ પક્ષનો નેતા સીએમ બને પરંતુ જો શહેરનો મેયર તેના હરીફ પક્ષનો ન હોય તો શાસનના પાંચ વર્ષનું પૂરતું ક્રેડિટ મેયર લઈ જાય. ગુજરાતમાં મોદી સરકારના ઉદય બાદ અમિત શાહની ચૂંટણીમાં જીત હાંસલ કરવાની પદ્ધતિને અડવાણી-વાજપાઇએ બિરદાવીને ભાજપના દરેક નેતાઓને આ ટેક્નિક શીખવાની શીખ આપી. આ ટેક્નિક એટલે ઓપરેશન લોટ્સ. વિરોધી પક્ષના વિજેતા ઉમેદવારને પોતાની પાર્ટીમાં સ્થાન આપવાથી હારેલી ભાજપ પણ જીતી જતી. આ જ ફોર્મ્યુલાથી દિલ્હી પાલિકામાં ભાજપનું વર્ચસ્વ વધવા માંડ્યું. એ સમયે ભારતનો સૌથી જૂનો રાજકીય પક્ષ કૉંગ્રેસ નેતાગીરીના મુદ્દે અવઢવમાં અટવાઇ રહ્યો હતો. દિલ્હીમાં કૉંગ્રેસના શીલા દીક્ષિતનો મધ્યાહ્ને પહોંચેલો સૂરજ અસ્ત થવા માંડ્યો હતો. ગુજરાતની ચૂંટણીઓમાં ઉપરાછાપરી પરાજયનાં કારણોની ઇમાનદારીપૂર્વક સમીક્ષા કરીને જનતાનો વિશ્ર્વાસ જીતવાના રસ્તાઓ શોધવાને બદલે કોંગ્રેસ ભારે અસમંજસમાં ડૂબેલું હતું. પરંતુ શિલા દીક્ષિતે પોતાના મુખ્યમંત્રીના આસનને ટકાવવા માટે પૂર્વ પીએમ મનમોહન સિંહ અને સોનિયા ગાંધી સાથે સિક્રેટ મિટિંગ કરી હતી. એ બાદ તો જાણે ચમત્કાર થયો!
સામાન્યરીતે પાલિકા રાજ્ય સરકાર પાસેથી નાણાંકીય ફંડથી માંડીને નીતિવિષયક નિર્ણયો સુધી તમામ સલાહ અને રજૂઆત લઈને જાય છે. રાજ્યસરકારની મંજૂરીનો સ્ટેમ્પ લાગે પછી યોજના પાટે ચડે પરંતુ દિલ્હી મહાનગરપાલિકાની રચના થઈ ત્યારથી મહાનગરપાલિકાને બંધારણે નિણર્યો લેવાની સ્વતંત્રતા આપી હતી. ૨૦૦૯માં દિલ્હી સરકારે બંધારણના ડીએમસી એક્ટની ૨૩ કલમોની સત્તા હસ્તગત કરવાની મંજૂરી કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી માંગી. સિક્રેટ મિટિંગ બાદ કેન્દ્ર સરકારે તમામ ૨૩ તો નહીં પણ ૧૭ કલમો હેઠળ નિર્ણય લેવાનો અધિકાર રાજ્ય સરકારને આપી દીધો હતો. આ પૈકી ૧૨ વિભાગોના અધિકાર રાજ્ય સરકારને સંપૂર્ણ રીતે આપવામાં આવ્યા હતા. જ્યારે પાંચ વિભાગોમાં નિર્ણય લેવાનો નહીં પણ કેન્દ્ર સરકારને ભલામણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. થોડા સમય સુધી શિલા દીક્ષિતની આ સોગઠી કામ કરી ગઈ પરંતુ ભાજપ ધીમી અને ક્રમિક ગતિએ મહાનગરપાલિકા પર કબજો કરી રહ્યું હતું.
૨૦૧૨માં તો આપ અને ભાજપ બંને દિલ્હીમાંથી કૉંગ્રેસના મૂળિયાંને ઉખડી રહ્યા હતા. પંજાના રુંધાતા શ્ર્વાસને ઓક્સિજન આપવા શીલા દીક્ષિતે મહાનગરપાલિકાને ત્રણ ભાગમાં વિભાજીત કરી દીધી. જેથી દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉદય થયો. ત્રણેય મહાનગરપાલિકાના કોર્પોરેટરની ચૂંટણી પણ અલગ અને ત્રણેયના અલાયદા મેયર જેથી ચૂંટણી સમયે કૉંગ્રેસને બળ મળે. ૧૯૯૮થી ૨૦૧૩ સુધીના ૧૫ વર્ષના લાંબાગાળા સુધી દીક્ષિત દિલ્હીના મુખ્ય પ્રધાન હતાં. જીવનપર્યંત શીલા દીક્ષિત પક્ષ માટે સંકટમોચક હતાં તો દિલ્હી રાજનીતિના અજાતશત્રુ નેતા ગણાતા હતા. તેમના નિધન બાદ દિલ્હી કૉંગ્રસ પણ પડી ભાંગ્યું
૩ કોર્પોરેશનનો ચક્રવ્યૂહ તૂટ્યો, ત્રણેય મોરચે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી અને વિધાનસભાની ચૂંટણીમાં આપનો ઉદય થયો. પરિણામે કૉંગ્રેસ નામશેષ થઈ ગઈ અને ભાજપ-આપ વચ્ચે સત્તાનું વિભાજન થયું. અહીંથી અમિત શાહની રણનીતિ શરૂ થાય છે. જ્યાં સુધી આપ પાર્ટી દિલ્હી સુધી સમિતિ હતી ત્યાં સુધી અમિત શાહે મહાનગરપાલિકાને ત્રણ ભાગમાં જ રહેવા દીધી. જેથી ભાજપના ૩ મેયર એકલા કેજરીવાલને પરેશાન કર્યા કરે. પંજાબમાં આપની જીત થતા જ અચાનક કેન્દ્ર સરકારે દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનનું વિલીનીકરણ કરવાની જાહેરાત કરી દીધી. એ સમયે કેજરીવાલના સીધા આરોપ અમિત શાહ પર હતા. કેજરીવાલના મતે અમિત શાહ દિલ્હીની પ્રજા સાથે રમત કરે છે. આમ તો આ રમત જ હતી પરંતુ પ્રજા સાથે નહીં આમ આદમી પાર્ટી સાથે.
મહાનગરપાલિકાનું વિલીનીકરણ કરવાનું વિધેયક ગત વર્ષે માર્ચ માસમાં જાહેર થયું. જે અનુસાર ૩ પાલિકામાંથી ફરી એક જ પાલિકા બની ગઇ. આ વિધેયક નવેમ્બરમાં મંજુર થયું. એ વખતે આપનું સમગ્ર ફોક્સ ગુજરાતની ચૂંટણી પર હતું. ત્યારે અમિત શાહે પાલિકામાં ખેલ પાડી દીધો જેથી કેજરીવાલ સરકારનું ધ્યાનભંગ થાય અને તેના નેતાઓ ગુજરાત છોડીને મહાનગરપાલિકાના માળખાને સમજવા તરફ આકર્ષાય. છતાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી ગઈ. અલબત્ત શાહનું ધાર્યું થયું અને ગુજરાતમાં આપનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. હવે પ્રશ્ર્ન એ થાય છે કે આપની મહાપાલિકામાં તો જીત થઈ છે તો પછી ભાજપ એવો દાવો કેમ કરે છે કે તેમના પક્ષમાંથી જ કોઈ નેતા મેયર બનશે.
ભારતના દરેક રાજ્ય પાસે પોતાના ક્ષેત્રમાં બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર છે. એ તો જગજાહેર છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેના ભાજપ તરફી છે. તેમણે જ મનીષ સિસોદિયા અને કેજરીવાલ પર લાગેલા આરોપની પુષ્ટિ કરી હતી અને તપાસની માંગ કરી હતી. ગત વર્ષે મહાનગરપાલિકાનું વિલીનીકરણ કરવાનું વિધેયક પસાર થયું તેમાં એક નવો નિયમ પસાર થયો. દિલ્હી મહાપાલિકામાં દર ૩ વર્ષે મેયર પદની ચૂંટણી થતી હતી હવે નવા વિધેયક અનુસાર દર વર્ષે મેયરની ચૂંટણી થશે. એટલે આ વર્ષે કદાચ આપમાંથી કોઈ મેયર બની પણ જાય તો આવતા વર્ષે પાછી આ જ ભાંજગઢ કરવાની! આ ઉપરાંત લેફ્ટનન્ટ ગવર્નર પાસે મેયરનો કાર્યકાળ વધારવા-ઘટાડવાની સત્તા છે. શક્ય છે કે ભાજપ નેતાની જીત બાદ તેનો કાર્યકાળ વધી પણ શકે.
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ ૨૫૦ કોર્પોરેટર છે અને ૨૪ નોમિનેટેડ સભ્યો સાથે મળીને મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ૨૭૪ સભ્યો થાય તેથી બહુમતી માટે ૧૩૮ મત જરૂરી છે. અત્યારે દિલ્હી વિધાનસભાની કુલ સભ્ય સંખ્યા ૭૦ છે તેથી ૧૪ ધારાસભ્યો એમસીડી ગૃહ માટે નોમિનેટ થાય છે. આ ધારાસભ્યો ગૃહમાં જે તે પક્ષના સંખ્યાબળના આધારે નોમિનેટ થાય છે. આમ આદમી પાર્ટી પાસે ૭૦ ધારાસભ્યોની વિધાનસભામાં ૬૩ ધારાસભ્યો હોવાથી ૧૩ ધારાસભ્યો તેના જ્યારે એક ધારાસભ્ય ભાજપનો નોમિનેટ થયો છે. દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો છે. આ તમામ બેઠકો ભાજપે જીતી હોવાથી ભાજપના સાત લોકસભા સાંસદ પણ મતદાન કરી શકે. આમ ભાજપ પાસે સાત લોકસભા સભ્યો અને એક ધારાસભ્ય મળીને ૮ નોમિનેટેડ સભ્યો છે. દિલ્હીમાંથી રાજ્યસભાની ત્રણ બેઠકો છે. આ ત્રણેય બેઠકો આમ આદમી પાર્ટી પાસે હોવાથી આમ આદમી પાર્ટી પાસે ૧૩ ધારાસભ્યો અને ૩ રાજ્યસભા સાંસદ મળીને ૧૬ નોમિનેટેડ સભ્યો છે.
આમ આદમી પાર્ટી પાસે ૧૩૪ કોર્પોરેટર, રાજ્યસભાના ૩ સાંસદ અને ૧૩ ધારાસભ્યો મળીને ૧૫૦ મત છે. ભાજપ પાસે મ્યુનિસપલ કોર્પોરેશનમાં ૧૦૪ કોર્પોરેટર, ૭ સાંસદ અને ૧ ધારાસભ્ય સાથે કુલ ૧૧૨ મત છે. કૉંગ્રેસના ૯ અને અપક્ષના ૨ કોર્પોરેટર છે પરંતુ ભારતને જોડવાને નામે કૉંગ્રેસે મતદાનથી અલિપ્ત રહેવાની જાહેરાત કરી છે. આમ જીત હાંસલ કરવા આમ આદમી પાર્ટી પાસે પૂરતા સભ્યો છે છતાં ૩ વખત ચૂંટણી યોજાઈ અને કોર્પોરેટરો વચ્ચે માથાકૂટ કેમ થઈ? કેમ ૩ વખત ચૂંટણી રદ કરવી પડી? મેયરપદ માટે આમ આદમી પાર્ટીએ શૈલી ઓબેરોયને મેદાને ઉતાર્યા છે, જ્યારે ભાજપ તરફથી રેખા ગુપ્તા મેદાનમાં છે. ડેપ્યુટી મેયરપદ માટે આપના મોહમ્મદ ઈકબાલ અને ભાજપના કમલ બાગડી મેદાનમાં છે. શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને કલુષિત કરવાનું કામ ખુદ લેફ્ટનન્ટ ગવર્નર, આપ અને ભાજપે કર્યું છે.
નિયમાનુસાર ચૂંટણી પ્રક્રિયા કરાવવા માટે પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે જે પક્ષની બહુમતી હોય તે પક્ષના નેતાની વરણી થતી હોય છે. આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્યને પ્રીસાઈડિંગ ઓફિસર નિમવાની રજૂઆત કરી હતી પણ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ તેને ફગાવી દઈને ભાજપના સત્ય શર્માને પ્રિસાઈડિંગ ઓફિસર બનાવ્યા તેમાં વિવાદ શરૂ થયો. ચૂંટણીના પ્રથમ દિવસે જ સત્ય શર્માએ પહેલાં ચૂંટાયેલા કોર્પોરેટરોની શપથવિધિ કરાવવાની પરંપરાને કોરાણે મૂકીને નોમિનેટેડ સભ્યોની શપથવિધિ કરાવી. તેમાં ખુરશી ફેંકાઈ, અપશબ્દોના તિર છૂટ્યા. દેશની રાજધાનું સંચાલન જેમણે કરવાનું હોય તેવા નેતાઓએ મવાલી ગુંડાઓની જેમ મારામારી પર ઉતરી આવ્યા. ભાજપ હજુ એ જ વાજું વગાડે છે કે તેના જ પક્ષ માંથી કોઈ મેયર બનશે. આપનો આરોપ છે કે તેના કોર્પોરેટરને ખરીદીને ભાજપ ઓપરેશન લોટ્સ ચલાવી રહ્યું છે. હવે આપના કાર્યકરો આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેની આગામી ૧૩ ફેબ્રુઆરીમાં સુનાવણી છે. અંશત: આપનો આરોપ યથાર્થ પણ થઈ શકે કારણ કે દિલ્હીનું રાજકારણ એ વાતનું સાક્ષી છે કે મેયર પદના શપથ ગ્રહણ બાદ પણ પક્ષ પલટો થાય જ છે. ૨૦૧૪માં કૉંગ્રેસ નેતા પ્રવીણ રાણાએ ડેપ્યુટી મેયરના શપથ લીધા બાદ ભાજપમાં પક્ષ પલટો કર્યો હતો. તો શું ૨૦૨૩માં ન થઈ શકે? આ પ્રત્યેક સવાલના જવાબ ચૂંટણીના પરિણામ બાદ જ મળશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular