નટવર વરસે ને નટરાજ ગર્જે, વિવિધતામાં એકતા સર્જ્ે!

આમચી મુંબઈ સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી -મુકેશ પંડ્યા

આજે કૃષ્ણનો જન્મદિવસ ઉજવાઇ રહ્યો છે ત્યારે કાનુડાના બાળસ્વરૂપના દર્શનકરવા ભગવાન શંકર પણ પૃથ્વી પર પધારેલા તે ઘટના યાદ આવે છે. આપણે સ્વાર્થી મનુષ્યોએ હિન્દુઓના વિષ્ણુમાર્ગી અને શિવમાર્ગી જેવા ભાગ પાડી દીધા હતા, પરંતુ એ ભૂલી ગયા હતા કે શિવ અને વિષ્ણુ તો એકમેકના પરમ ભક્ત હતાં અને છે. વિષ્ણુ અને શંકરની જોડી અર્થાત્ હરિ અને હરની જોડીને હરિહર કહેવામાં આવે છે. આવા હરિહરના મંદિરો ભારતમાં જોવા મળે છે. વિષ્ણુના પૂર્ણ અવતાર એવા કૃષ્ણે શંકરની પૂજા કરી હોય અને કૃષ્ણની લીલા જોવા શંકર પૃથ્વી પર પધાર્યા હોય તેના અનેક પુરાવા પુરાણશાોમાં જોવા મળે છે.
શિવે નાગને ગળે વળગાડ્યો છે તો કૃષ્ણે નાગને નાથ્યો છે. નટરાજે તાંડવનૃત્ય કર્યું તો નટવરે રાસનૃત્ય કર્યું. કાનુડાએ પૂતનાનું ઝેર શોષી લીધું તો શંકરે સમુદ્રમંથન સમયે નીકળેલું વિષ પી લીધું. આદિગુરુ શિવ સ્મશાનને વૈભવ માને છે તો જગદ્ગુરુ કૃષ્ણે મહેલમાં રહીને પણ ગીતાનો અનાસક્તિ યોગ સાધ્યો છે. બન્ને એ જગત કલ્યાણ માટેના જ કાર્યો કર્યા છે.
આપણે ત્યાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો મહિમા આનંદથી ગવાય છે. બ્રહ્મા ચૂંટણી કમિશનર છે. તેમણે સૃષ્ટિ રચી. તેમનું કામ પૂર્ણ થયું. હવે પૃથ્વીનો વહીવટ વિષ્ણુ સંભાળે છે એટલે તેમને વડાપ્રધાન કહી શકાય જ્યારે મહેશને સૃષ્ટિકર્મો પર નિયંત્રણ રાખનાર રાષ્ટ્રપતિ કહી શકાય. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ બન્ને જેમ સાચી લોકશાહી માટે જરૂરી છે તેમ વિષ્ણુ અને શિવ બેઉ સૃષ્ટિના સંતુલન માટે જરૂરી છે. વિષ્ણુ સારા જીવનનાં દાતા છે તો શંકર સુંદર મૃત્યુનાં દાતા છે. વિષ્ણુ જીવનનું સંવર્ધન કરે છે તો શિવજી જીવનને નિયંત્રણમાં રાખે છે.
કહેવાનો મતલબ એ છે કે બેઉ એક જ છે. બેઉ જગતના કલ્યાણ માટે જ કાર્યો કરે છે. તેઓ એકબીજાની ભક્તિ કરે કે એકબીજા સાથે યુદ્ધ કરે. બધું જ જગતના કલ્યાણ માટે હોય છે. આપણે ભગવાનને અલગ કરી અલગ માર્ગો રચી દીધા. પંથભેદ ઊભા કર્યા. એક સમય એવો હતો કે વિષ્ણુમાર્ગી શિવના દર્શન પણ ન કરતાં, તેમણે કપડું દરજીને આપ્યું હોય તોયે સાંધવા આપ્યું છે એમ કહેતાં, સીવવા આપ્યું છે એમ કહે તો તેમાં સીવ શબ્દ આવી જાય. આટલી કટ્ટરતા એક સમયે ભારતમાં હતી. આવી જ કટ્ટરતાને કારણે સવર્ણ-દલિત અને ઊંચનીચ જેવા ભેદભાવ આપણે ત્યાં ઉદ્ભવ્યા. જો આપણે એક રહ્યા હોત તો વિદેશીઓએ હજારો વર્ષ આપણા દેશ પર રાજ ન કર્યુ હોત. આજે દરેક લોકોએ પોતાની જાતિ,વર્ણ, ધર્મ, ભાષા, સંપ્રદાય બધું ભૂલીને એક થવાની જરૂર છે.
શિવના મહિનામાં ઉજવાતો કૃષ્ણનો દિવસ આપણને બધા જ ભગવાન એક છે તેવી શીખ આપે છે. હાલમાં જ આપણે સ્વતંત્રતા દિન ઊજવ્યો ત્યારે આપણે શિવના હરિહર રૂપના દર્શન કરીને એક થઇએ. સાચા દેશવાસી બનીએ. આપણા વિકાસ સાથે સમગ્ર માનવજાતનો વિકાસ કરીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.