Homeદેશ વિદેશમાવઠું: ગુજરાતમાં છ, મહારાષ્ટ્રમાં પાંચ મોત

માવઠું: ગુજરાતમાં છ, મહારાષ્ટ્રમાં પાંચ મોત

ઉનાળામાં વરસાદ: શનિવારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કમોસમી વરસાદને લીધે રસ્તા પર પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના અનેક સ્થળે માવઠાં થયાં હતાં.
—-
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ અને મુંબઈ: ઉનાળામાં કમોસમી વરસાદ અને કરા પડવાને લીધે ગુજરાતમાં છ અને મહારાષ્ટ્રમાં પાંચ જણ મૃત્યુ પામ્યા હતા અને પાકને ભારે નુકસાન થયું હતું. કચ્છમાં પણ એકથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ વંટોળિયા સાથે વરસાદ પડ્યો હતો.
ગુજરાત, મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર સહિત દેશના અનેક રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ જે બેંગલૂરુ – મૈસૂરુ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું હતું, તેના પર પાણી ભરાઇ ગયાં હતાં. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં અનેક રસ્તા પર પાણી ભરાવાથી વાહનવ્યવહારને માઠી અસર થઇ હતી.
ગુજરાતમાં સતત ચોથા દિવસે માવઠું યથાવત રહ્યું હતું. દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્રના
અમરેલી અને મધ્ય તથા ઉત્તર ગુજરાતને ધમરોળ્યાં બાદ શનિવારે સૌરાષ્ટ્રના જામનગર અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ બન્ને જિલ્લાઓમાં મધરાતથી દિવસ દરમિયાન ભારે વરસાદ થતા ચોમાસાનો માહોલ સર્જાયો હતો. માવઠાથી છેલ્લા બે દિવસમાં છ લોકોનાં મોત થઇ ચૂક્યાં છે.
રાજ્યમાં અમદાવાદ સહિત અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો. કેટલાક ઠેકાણે બરફના કરા પડ્યા હતા. સૌરાષ્ટ્રના અમરેલીમાં શનિવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે અને ધારીની આજુબાજુના ગ્રામ્ય પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને લાલપુરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ખેતરોમાં પણ વરસાદના પાણી ફરી વળતા જળબંબાકાર બન્યા છે. જ્યારે ભાવનગરમાં મહુવા તાલુકાના બગદાણા ગામે શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડા, અમીરગઢ અને ઇકબાલગઢ સહિતના વિસ્તારમા કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં શનિવારે નેત્રંગ પંથકમાં વતાવરણમાં પલટો આવ્યો હતો. ૪૦ કિલોમીટરની ઝડપના પવન સાથે અચાનક કરા સાથે વરસાદ પડતાં દોડધામ મચી ગઇ હતી. દાહોદ જિલ્લા સહિત પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ફાગણ મહિનામાં અષાઢ જેવો અનુભવ થઈ રહ્યો છે. ગરબાડા તાલુકા સહિત આજુબાજુના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં બે દિવસમાં કુલ છ લોકોનાં મોત થયાં હતાં. જેમાં શનિવારે ભરૂચના વાગરા તાલુકાના બદલપુરા ગામમાં એક વ્યક્તિ ઉપર અચાનક વીજળી પડી હતી. દરમિયાન ગુજરાતમાં શનિવારે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૮ તાલુકામાં સામાન્ય ઝાપટાથી એક ઇંચ કમોસમી વરસાદ થયો હતો. પંચમહાલ જિલ્લાનાં શહેરામાં ૩૦ મીમી વડોદરામાં ૨૯ મીમી અરવલ્લી જિલ્લાના માલપુરમાં ૨૧ મીમી કમોસમી વરસાદ નોધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન અને કચ્છની ઉપર સર્જાયેલા સાઇક્લોનિક સરક્યુલેશનની અસર તળે ગુજરાતમાં હજુ ૨૧મી સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના મરાઠવાડા પ્રદેશમાં આ અઠવાડિયે થયેલા કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં અને લગભગ ૪૯૫૦ હેક્ટરમાં ફેલાયેલા પાકને પણ નુકસાન થયું હતું, એવું સ્થાનિક વહીવટી તંત્રએ શુક્રવારે જણાવ્યું હતું. ડિવિઝનલ કમિશનરની ઓફિસ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ અનુસાર મધ્ય મહારાષ્ટ્ર મરાઠવાડા ક્ષેત્રના આઠ જિલ્લાઓમાં સરેરાશ ૨.૪ મીમી વરસાદ નોંધાયો હતો. શુક્રવારે સૌથી વધુ વરસાદ નાંદેડમાં (૫.૭ મીમી) નોંધાયો હતો, એવું તેમણે જણાવ્યું હતું. ગુરુવાર અને શુક્રવારના રોજ થયેલા કરા અને કમોસમી વરસાદની સંબંધિત વિવિધ ઘટનાઓમાં પાંચ વ્યક્તિનાં મોત થયાં હતાં અને ૨૩ જણ ઘાયલ થયા હતા, એવું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
દિલ્હીના કેટલાક વિસ્તારોમાં શનિવારે વરસાદ અને કરા પડ્યા હતા જેના કારણે ગરમ હવામાનમાંથી થોડી રાહત મળી હતી.
દિલ્હીના પૂર્વ અને ઉત્તરીય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને કરા પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરપૂર્વ દિલ્હી (કરાવલ નગર, દિલશાદ ગાર્ડન અને સીમાપુરી) અને આસપાસના વિસ્તારોમાં ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ અને તોફાની પવન સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે. દિલ્હીના કેટલાક વિસ્તારો અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાવાળા વરસાદ સાથે વાવાઝોડું આવશે. બુરારી, સિવિલ લાઈન્સ, કાશ્મીરી ગેટ, દિલ્હી યુનિવર્સિટી અને નોઈડા અને આસપાસના વિસ્તારોમાં કરા પડશે.
આ ઉપરાંત નેશનલ કેપિટલ રિજન (બહાદુરગઢ, ગાઝિયાબાદ, છપરાલા, ગુરુગ્રામ), હરિયાણાના સોહના અને ઉત્તર પ્રદેશમાં સહારનપુર, દેવબંદ, નઝીબાબાદ, મુઝફ્ફરનગર, બિજનૌર, ખતૌલી, સકોટી તાંડા, દૌરાલા અને મેરઠમાં પણ વરસાદની શક્યતા છે. હરિયાણાના કૈથલ, નરવાના, રાજૌંડ, અસંધ અને સફિડોનના કેટલાક વિસ્તારોમાં અને આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે આછો વરસાદ પડશે.
રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુતમ તાપમાન ૧૮.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે હતું. સવારે ૮.૩૦ કલાકે ભેજનું પ્રમાણ ૮૯ ટકા હતું. (પીટીઆઇ)

કચ્છમાં વંટોળિયા સાથે ધોધમાર વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છમાં સતત બીજા દિવસે મોટા ભાગના વિસ્તારોમાં તોફાની વંટોળિયા સાથેના ધોધમાર વરસાદે હાજરી પુરાવી હતી. જિલ્લા મથક ભુજમાં શુક્રવારની જેમ જ બપોર બાદ સર્જાયેલા અષાઢી માહોલ વચ્ચે વરસેલા ‘પાવરપેક્ડ’ બે ઇંચ જેટલા કમોસમી વરસાદને કારણે શહેરના ભાનુશાલી નગર, જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ,જૂના બસ સ્ટેશન વિસ્તાર તેમજ જૂની બજારમાં પાણી ભરાઈ જતાં શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભુજ ઉપરાંત બંદરીય માંડવી, અબડાસા અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મીની વાવાઝોડાં સાથે માવઠું થયું હતું, જયારે રાપર તાલુકાના ગાગોદર અને આસપાસના માણાબા, મેવાસા, કાનમેર અને સાય સહિતના ભાતીગળ ગ્રામ્ય વિસ્તારોમાં
ભારે પવન સાથે સફેદ બરફના કરા સાથે થયેલા અડધાથી પોણો ઇંચ જેટલા કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઇસબગુલ, કપાસ અને જીરું સહિતના પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
આ ઉપરાંત સીમાવર્તી લખપત તાલુકાની આસપાસના બરદા,માતાના મઢ, વિરાણી, બિટીયારી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ એકાદ ઇંચ જેટલા છુટાછવાયા ઝાપટાં વરસ્યાં હોવાનું જાણવા મળ્યું છે જયારે નખત્રાણા તાલુકાના રવાપર પંથકમા પણ માવઠાંનો માર ચાલુ રહેતાં નાગવીરી,નવાવાસ, ઘડાણી, વિગોડી,લીફરી,વાલ્કા નાના મોટા,ખીરસરા,રામપરમાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતા જયારે ગાંધીધામ સંકુલ તેમજ અંજાર શહેરમાં એકથી દોઢ ઇંચ પાણી વરસ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular