મૌત તૂ એક કવિતા હૈ, મુજસે એક કવિતા કા વાદા હૈ મિલેગી મુજકો…

મેટિની

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

જે ફિલ્મ “ફ્લેશબેકથી શરૂ થાય એનો મતલબ એ છે કે ફિલ્મની શરૂઆતમાં જ કહાનીકાર ફિલ્મનો અંત કહી દે છે! અને જે કહાનીમાં અંત ખબર પડી જાય તો એ કહાની પછી જાણવા, માણવાની વાચકો, દર્શકો, શ્રોતાઓની ઈચ્છા નથી રહેતી એવી સામાન્ય સમજ છે!
મધર ઇન્ડિયા, દિવાર, શક્તિ, આવારા, ગાઈડ, મેરા નામ જોકર, સાહબ બીવી ઔર ગુલામ, કાગજ કે ફૂલ, સૌદાગર અને યુવા વયે ગુજરી જનાર સુશાંતસિંહ રાજપૂતની નીતિશ તિવારીએ ડિરેક્ટ કરેલી ફિલ્મ “છીછોરે વગેરે આવી ફિલ્મો છે. પણ જોવાની ખૂબી એ છે કે આવી કહાની જેનો અંત અગાઉથી ખબર પડી જાય એવી ફિલ્મો કે કહાનીઓ અદ્ભુત રીતે સફળતાને વરી છે. આજે આપણે “ફ્લેશબેકમાં શરૂ થતી બેનમૂન ફિલ્મ “આનંદ વિશે વાત માંડશુ.
એક વખત એવું બન્યું, ઉત્તમ ફિલ્મકાર હૃષીકેશ મુખરજીએ તેમના અંગત મિત્ર રાજ કપૂરને ધ્યાનમાં રાખી એક સ્ટોરી લખી “આનંદ નામની. જે રાજ કપૂરની ઝીંદાદિલ જીવનશૈલીને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી હતી! પણ ફિલ્મના અંતમાં હીરો મરી જતો હતો એટલે હૃષીકેશ મુખરજીએ પોતાના મિત્ર રાજ કપૂરને હીરોના રોલમાં ન લીધા એવું કહેવાય છે! એ ઉપરાંત એક એવી વાત પણ છે કે હૃષીકેશ મુખરજીએ આ ફિલ્મની વાર્તા લખેલી જ હતી અને “અનાડી ફિલ્મ પછી તરત જ રાજ કપૂરને બતાવેલી અને તેઓએ આનંદનો મુખ્ય રોલ ભજવવા હા પાડી દીધેલી. આ દરમિયાન રાજ કપૂર એટલા વ્યસ્ત થઈ ગયા ફિલ્મોમાં કે મિત્ર હૃષીકેશ મુખરજીની ફિલ્મ માટે સમય જ નહોતો. સમયની સાથે રાજ કપૂરનું શરીર પણ ઘણું વધી ગયું અને “આનંદ ફિલ્મની ભૂમિકા કિશોરકુમારને આપવી એવો એક વિચાર પણ કરવામાં આવ્યો પણ ગમે તે કારણે કિશોરદાવાળો વિચાર પડતો મુકવામાં આવ્યો અને ફિલ્મ બની રાજેશ ખન્નાને લઈને અને સુપરહિટ પણ થઈ. હૃષીકેશ મુખરજીએ “આનંદ ફિલ્મ પોતાનાં દોસ્ત રાજ કપૂરને અર્પણ કરી છે.
૧૯૭૨ના ફિલ્મફેર એવોર્ડમાં બે ફિલ્મો ટકરાઈ, એક તો આનંદ અને બીજી મેરા નામ જોકર!
બેસ્ટ મ્યુઝિક-શંકર જયકિશન, મેરા નામ જોકર
બેસ્ટ પ્લેબેક-મન્નાડે, એ ભાઈ જરા દેખ કે ચલો
બેસ્ટ સિનેમેટ્રોગ્રાફી-રાધુ કરમાંકર, મેરા નામ જોકર
બેસ્ટ ડાયલોગ-ગુલઝાર, આનંદ
બેસ્ટ સપોર્ટિંગ એકટર-અમિતાભ બચ્ચન, આનંદ
બેસ્ટ સ્ટોરી-હૃષીકેશ મુખરજી
બેસ્ટ એડિટિંગ-હૃષીકેશ મુખરજી
અને બેસ્ટ એકટર-રાજેશ ખન્ના
“આનંદ ફિલ્મમાં ડૉ.ના પાત્રમાં અમિતાભ બચ્ચને યાદગાર ભૂમિકા ભજવી. ફિલ્મ જોઈને બહાર નીકળતા દર્શકો એકબીજાને પૂછતાં થઈ ગયા કે, “યાર, આ બાબુ મોશાય કોણ છે! જ્હોની વોકરે પણ આ ફિલ્મમાં સામાન્ય પાત્રને અસામાન્ય રીતે ભજવીને પોતાના અભિનયની કમાલ દર્શાવી છે. “આનંદ ફિલ્મ આખી મુંબઈમાં શૂટ કરવામાં આવેલી છે. ગીતકાર યોગેશનાં સુમધુર શબ્દોને સંગીત વડે સલીલ ચૌધરીએ મઢયા છે અને મન્નાડે, મુકેશ, લતાજીનાં કંઠે ગવાયાં છે.
“આનંદ ફિલ્મ બની અને તૈયાર થઈ ગઈ ત્યારે રાજેશ ખન્નાને કોઈ જ્યોતિષશાીએ કહ્યું કે તમારી આ ફિલ્મ ફ્લોપ જવાની છે, ફિલ્મને અમુક નડતર છે! રાજેશ ખન્નાએ નડતરનો ઉપાય પૂછ્યો એટલે જ્યોતિષશાી એ કહ્યું કે અમુક વિધિ કરાવો અને ફિલ્મના નામ આનંદમાં અંગ્રેજી મૂળાક્ષર “અને હજી એક વખત વધુ વાર ઉમેરી દો!
રાજેશ ખન્નાએ હૃષીકેશ મુખરજીને કહ્યું કે આપણે આ મુજબ એક વધુ “અ ઉમેરી દઈએ, ફિલ્મના પોસ્ટર કે બીજી જે કઈ તૈયારી થઈ ગઈ છે તે કેન્સલ કરો, જે ખર્ચ થશે તે હું આપી દઈશ! હૃષીકેશ મુખરજીએ કહ્યું કે ભાઈ ફિલ્મ હું બનાવું છું, અને ફિલ્મમાં જો દમ હોય તો ફિલ્મ ચાલે, તેમાં કોઈ જ્યોતિષની કોઈ કારી કામ ન લાગે, અને આ વધારાનો ખર્ચ આપવાની તું જે વાત કરે છે ને પણ તું આખી ફિલ્મનો ખર્ચ મને આપી દે ને તો પણ હું કોઈ અંધવિશ્ર્વાસને શરણે નહિ જ જાવ!
અને આનંદ રિલીઝ થઈ, બાકી તો તમે જાણો જ છો. “આનંદ ફિલ્મ હિન્દી ક્લાસિક ફિલ્મોની યાદીમાં આજે મોખરાની હરોળમાં હકપૂર્વક બિરાજે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.