અરવિંદ વેકરિયા
કલાકારને કંડારતો શિલ્પી-શૈલેશ દવે
“ઘેર ઘેર મમ્મીનું રાજ નાટક સદંતર નિષ્ફળ ગયું. ઠીક છે, પરિસ્થિતિ એક જ હોય છે, નિષ્ફળ વ્યક્તિ પાસે કારણો હોય છે અને સફળ વ્યક્તિ પાસે તારણો.. હું તારણો શોધી લઉં પણ નિર્માતાએ ગુમાવેલાં નાણાં બાબત ખંચકાટ તો મનમાં થાય…
રાજેન્દ્ર શુકલ સાથે નાટક વિશે વાત તો થઈ ગઈ. બીજે દિવસે એ કિશોર ભટ્ટને મળી પણ આવ્યો. મને કહે કે “આ નાટકમાં રોલ તારે જ કરવો પડશે. કિશોર ભટ્ટને રોલ ખુબ ગમ્યો. મારે કિશોર દવે સાથે પણ વાત થઈ. એ આમ તો કાંતિ મડીયાના નાટકોમાં હોય જ, પણ આપણા નસીબે અત્યારે એ ફ્રી છે. અને કિશોર ભટ્ટનું નામ પડ્યું અને કથાવસ્તુ સાંભળીને તરત તૈયાર થઈ ગયા. પ્રોબ્લેમ કિશોર ભટ્ટનો છે. એમણે બાય-પાસ કરાવી છે. એટલે જ કદાચ આઈ.એન.ટી.નાં નાટકમાં નહિ હોય. ૧૫-૨૦ દિવસ પછી એ ડોક્ટરને પૂછીને ફાઈનલ જવાબ આપશે.
મારા મોઢા પર વિસ્મય જોતા એ સમજી ગયો કે જે બે કલાકારોએ મને દેવયાનીબેન બાબત ધમકી આપી ગયા હતા એમના જ નામો એ બોલી રહ્યો હતો.
“મારો ચહેરો જોઈ એ તરત બોલ્યો, જે દેવયાની ઠક્કરનો પક્ષ લઇ તારી સાથે ધમકીભર્યો સૂર કાઢી ગયા, એ દેવયાનીબેનને તો તે માફ કરી દીધા તો એની તરફેણ લેવાવાળા માટે તો તારે જરા પણ અંટસવાળો ભાવ મનમાં રાખવો ન જોઈએ. આપણે નાટકનું જોવાનું, તું પણ બીઝી રહે અને હું પણ.. આપણા એ જ પ્રયત્નો છે તો બસ.. બી-ઇઝી પણ બની જા, જીવનમાં જલસો પડી જાય.
“મેં કહ્યું, બરાબર! જો હમણાં ૮-૧૦ દિવસ તુષારભાઈ નથી. એ આવે પછી વિચારીએ. એ પછી નાટક ઘેર ઘેર..નું નાનું પોસ્ટમોર્ટમ કરી અમે છુટા પડ્યા.
ઘરે પહોંચ્યો ત્યાં હરીશ શાહનો ફોન આવ્યો. “અકસ્માત નાટક પછી તેઓ નવું નાટક શરૂ કરવાના છે. બીજે દિવસે સાંજે મળવાનું હતું. કલાકારો લગભગ “અકસ્માત નાટકના જ લેવાનો વિચાર પણ જણાવ્યો. ખેર, હું સાંજે પહોંચી ગયો. શૈલેશ દવે લિખિત-દિગ્દર્શિત આ નાટક “જય કલા કેન્દ્રનાં બેનરમાં રજુ થવાનું હતું એટલે પદમારાણી હોય એ સ્વાભાવિક હતું. દવે મને કહે કે પદમારાણીનાં ફાધરનો અસ્સલ કાઠિયાવાડી રોલ તારો છે. સાથે પ્રમથેશ મહેતા, અપરા મહેતા, હું અને ચન્ના રૂપારેલ છે. આઠ દિવસ પછી મારે તુષારભાઈને શું જવાબ આપવો, હું એની ગડમથલમાં પડ્યો.
થોડા દિવસ તો રિહર્સલ કર્યા. ત્યારે સનત વ્યાસ પોતાના કોઈ અન્ય કામમાં અટવાયેલ હતો. એટલે એ શૈલેશ દવેને આસિસ્ટ કરતો હતો. એ ત્યારે રોલ નહોતો કરતો. હું મનમાં મૂંઝાયા કરતો હતો. મને થયું હું પછી નાં પાડીશ તો કદાચ મોડું થઈ જશે. એક દિવસ હિંમત કરીને મેં કહી દીધું, દવે, મારે બીજું નાટક ડીરેક્ટ કરવાનું કમીટમેન્ટ છે. એટલે હું અહીં રિહર્સલ… હું બોલી ન શક્યો. દવે પણ મૌન થઈ ગયા. પછી એમણે સનત સાથે વાત કરી. પછી મને કહે, દાદુ, મારો અને હરીશનો વિચાર “અકસ્માતની આખી ટીમ સમાવી લેવાનો છે. હરીશ-અજીત અને મારી આ ઇચ્છા છે. આપણો આ પરિવાર છે એટલે તારે સામેલ થવું જ પડે.
“મેં કહ્યું પણ..બબ્બે રિહર્સલ કઈ રીતે..? મને કહે અપરા મહેતાના પતિનો એક રોલ છે, હાર્ડલી ૧૫-૨૦ મીનીટનો…આખો એ સીન તારો છે. રહી વાત રિહર્સલની, તો જરૂર પડશે ત્યારે જ બોલાવીશ. તું તારો પ્રોજેક્ટ ચાલુ રાખજે.મારે સનત સાથે આ બાબત વાત થઈ ગઈ. પદમારાણીનાં ફાધરનો રોલ એ કરશે. ટૂંકમાં ઘીના ઠામમાં ઘી પડી રહેશે અને મૂળ પરિવાર સચવાય રહેશે.
મારો પ્રોબ્લેમ દવેએ ચપટીમાં સોલ્વ કરી નાખ્યો. મેચ્યુરિટી એ નથી કે તમે મોટી મોટી વાતો કરો, મેચ્યુરિટી એ છે કે તમે નાનામાં નાની વાત સમજો. દવેએ આ વાતની પ્રતીતિ કરાવી દીધી.
પણ હવે ચિંતા એ હતી કે રાજેન્દ્ર શુકલે કહ્યું એ પ્રમાણે જો તુષારભાઈનું નાટક તરત શરૂ કરવાનું આવે તો મુખ્ય ભૂમિકા મારે જ કરવી પડે.. હવે કરવું શું?.
વિચાર્યું કે રાજેન્દ્રને વિશ્ર્વાસમાં લઈ તુષારભાઈને કહી દેશું કે સ્ક્રીપ્ટ લખવામાં થોડો સમય લાગે એમ છે. ૧૫ દિવસ ખેંચી કાઢીશું. ત્યાં સુધીમાં કિશોર ભટ્ટ કદાચ ‘રેડી’ થઇ જાય. અસંભવ એ ફક્ત એ જ છે જેની તમે શરૂઆત નથી કરી. મેં વિચાર્યું આ વાત અમલમાં મૂકી દઈશ પછી અસંભવ નહિ રહે.
બીજે દિવસે મેં આખી વાત રાજેન્દ્ર શુકલને કહી. એને મારો લોભ હતો કે એના નાટકમાં રોલ હું જ કરું. પણ પરિવાર સાચવી રાખવાની વાતે એણે પોતાની જીભ ઉપર બ્રેક મારી દીધી. રોલ નાનો હતો પણ મારા બે નાટકો હોય એ પણ એ સમજતો હતો. એણે સમાપન કરતા કહ્યું ઠીક છે.. તને એમ જ લાગતું હોય તો એમ કરીએ
મેં હાશકારો અનુભવ્યો. મેં એને સમજાવ્યું કે નસીબમાં હશે તો આવો રોલ ભવિષ્યમાં કરીશું. અત્યારે એ સમજવાનું છે કે એક નિર્માતાએ તમારા પર વિશ્ર્વાસ મૂક્યો છે અને ખરા મનથી તમને વારંવાર યાદ પણ કરાવ્યા કરે છે એટલે એમનું પણ વિચારવું જોઈએ. સમજ એટલે શું દોસ્ત? છોડી દેવું એની આવડત.
એ પછી અમે બંને થોડા રીલેક્ષ થયા. બીજા દિવસથી હું દવેના જય કલા કેન્દ્ર નાં રિહર્સલમાં જવાનું શરુ કરી દીધું. એ પરિવાર હતો અને પરિવારમાં આમંત્રણ ન હોય. મારો નાનો છતાં અગત્યનો રોલ, જે પ્રથમ અંકનાં અંતમાં આવતો હતો, પણ હું સમય મળે ત્યાં પહોંચી જતો. શૈલેશ દવે બધા કલાકારોને બતાવતા એ હું જોયા કરતો….અદભૂત હતો એ પ્રોસેસ.
આ ટીમ સાથે સંબંધ મજબુત હતા એટલે હું બે-ધડક ત્યાં જઈ શકતો. બાકી જો સંબંધમાં કદર ન થાય તો સમજી લેવાનું કે કોલસાના વેપારી પાસે હીરાનો સોદો થયો છે. જ્યારે અહીં તો નિર્માતાથી લઇ બધા કલાકારો ‘હીરો’ હતા. સોદો ‘હીરા’ સાથે હતો. ભલે હું ‘હીરો’ નહોતો પણ એક પરિવારનો ‘જણ’ તો હતો જ.
રિહર્સલ ચાલતા હતા. મારું પાત્ર હજી આવ્યું નહોતું. પણ મારી આવન-જાવન ત્યાં ચાલુ હતી. ત્યાં એક રાત્રે તુષારભાઈનો ફોન આવ્યો અને……….
થોડું હસીને બોલી દો, થોડું હસીને ટાળી દો,
મુશ્કેલીઓ તો છે બધાને, થોડું સમય પર છોડી દો!
———
શિક્ષક: બોલ ભૂરા, ‘સાળી’ અને ‘ઘરવાળી’ … બંનેમાં શું તફાવત ?
ભૂરો: બુટ સંતાડે એ ‘સાળી’ અને છુટ્ટો ઘા કરે એ ‘ઘરવાળી’