કેન્વાસ -અભિમન્યુ મોદી
માંસાહારનો વિરોધ પ્રકૃતિના ઉદ્ભવ સાથે થયો છે અને અંત સુધી થતો રહેશે. ઈંડું શાકાહારી કહેવાય કે માંસાહારી? આ વિષય પર જગતભરના બુદ્ધિજીવીઓ ચર્ચા કરવા બેસી જાય છે. શાકાહારી હોય કે માંસાહારી પૌષ્ટિક અને સાત્ત્વિક વ્યંજનો આસાનીથી ઉપલબ્ધ હોય તો પણ એ વ્યક્તિ સડકછાપ અરે સડક પર જ મળતા નુક્સાનકારક ફાસ્ટ ફૂડને પેટ ભેરીને આરોગે છે. એટલે શરીર સાથે જે થાય એ પરંતુ જીભના ચટાકાને સંતોષવો જરૂરી છે. ભારતમાં છેલ્લાં બે વર્ષર્થી સી-ફૂડનું પ્રમાણ વધ્યું છે. સી-ફૂડ એટલે દરિયાઈ ખોરાક. તેમાંય માછલીને તળીને,શેકીને કે સુકવીને તેના મૃતદેહ પર મીઠું-મરચું, સોસ, લીલી ચટણી, લાલા ચટણી અને સ્વાદાનુસાર અન્ય વ્યજંન ઉમેરી બનાવવામાં સી-ફૂડરસિકોને ભારે જલસો પડે. દુ:ખની વાત છે કે મહાનગરોમાં આધુનિકતાના રંગે રંગાયેલા લોકો પ્રાણીજીવનની વાતો રજૂ કરતી ચેનલ પર સિંહ દ્વારા હરણનું મારણ થયાની દૃશ્યો નિહાળીને દુ:ખી થાય, ‘સિંહને ના છૂટકે માંસાહારી બનવું પડે’ એ વિષય પર નિબંધ લખવા જેટલું ક્ધટેન્ટ રજૂ કરે પરંતુ પોતે જયારે ભોજન કરવા બેસે ત્યારે માછલીના મૃતદેહની મીંજબાની માણે! તો માંસાહાર ન કરવાનો વિકલ્પ કોની પાસે છે? પ્રાણી કે માનવી?
ક્રિસમસ નજીક છે ત્યારે આવા લોકો અતિ મોંઘી માછલીને આરોગીને ઊજવશે. જહોન રસ્કિન નામના વિદ્વાને કહેલું કે ‘કોઈ પણ માનવી ગમે તેટલો મહાન હોય પણ સમુદ્રની માછલી જેટલો મુક્ત નથી.’ માછલી મુક્ત વિહારી છે છતાં તેને માનવોએ પકડીને તેનો પોષક ખોરાક તરીકે જ નહીં પણ કામોત્તેજક ઔષધિ તરીકે ઉપયોગ કરેલો છે. માછલી શબ્દ વાંચીને શાકાહારીને સૂગ ચડે છે પરંતુ ઉતર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનને બાદ કરતાં હિન્દુસ્તાના મોટાભાગના રાજ્યોમાં માછલી ખોરાકનું મહત્ત્વનું વ્યંજન છે. બેબીલોનમાં તો કહેવત છે કે- માનવ ખોરાક તરીકે અને જીવવા માટે માછલી પકડતો ત્યારે એકાગ્ર ભાવથી તે તળાવ કે દરિયામાં જે કાંટો કે જાળ નાખતો અને માછલી પકડાય તેની રાહ જોતો તે એકાગ્રતાનાં વર્ષો તેની જિંદગીમાંથી બાદ થતાં નથી! ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુને માછલી પ્રિય હતી. ઇન્દિરા ગાંધી સોરઠ આવ્યાં ત્યારે તેમનાં માટે ખાસ વેરાવળની માછલી તૈયાર રખાયેલી હતી. જોકે, તેમણે તો બાજરાનો રોટલો અને રિંગણાનો ઓળો આરોગેલો.
ભારત માટે જો સૌથી ગૌરવરૂપ કોમ હોય તો માછીમાર છે. માછીમારોમાં હિન્દુ છે, મુસ્લિમો છે, પારસી છે, કેથોલિક છે અને તમામ એકબીજાના ધર્મમાં રસ લે છે.મત્સ્યોદ્યોગ સાહસિક ઉદ્યમ છે. માછલીઓ વગેરેને પકડવા માટે વાવંટોળ, પાણીના અવળા પ્રવાહ અને પ્રચંડ મોજાં વગેરેનો સામનો કરવો પડે છે. વળી ક્યારેક આકસ્મિક રીતે જ ઊપજતાં પરિબળોને કારણે માછીમારો માટે માછીમારીનું કામ જીવલેણ પણ બની જાય છે. મુંબઈના કાંદિવલીના પોઈસરમાં દર બુધવારે માછણો વિવિધ જાતની માછલી વેચવાનું બજાર ભરે છે. અને સી-ફૂડના શોખીન મન ભરીને માછલીની ખરીદી કરે છે. છતાં માછલી પકડવા જતા માછીમારોને તો પાકિસ્તાનનો શિકાર થવું પડે છે. માછીમારોની વ્યથા-કથા જગ વિખ્યાત છે અને જગ વિખ્યાત જ રહેશે કારણ કે લોકોને સ્વાદિષ્ટ વ્યંજનો ક્યાંથી આવ્યા? ખોરાક કેમ બન્યો? તેમાં રસ નથી. એમને તો સીધુ ભોજન આરોગવામાં જ રસ છે. શાસ્ત્રો કહે છે શાકભાજી, પાણી, અગ્નિ, ધરતી અને હવા એ કેન્દ્રીય આત્મા છે. તેના ભક્ષણ અથવા ઉપભોગમાં હિંસા જરૂરી છે, પણ તે અતિ મર્યાદિત છે. જીવન ટકાવી રાખવા માટે સાધારણ મનુષ્ય આવી સીમિત હિંસા કરે તે સ્વીકાર્ય છે, પણ બે, ત્રણ, ચાર કે પાંચ ઇન્દ્રિયો ધરાવતાં પશુ-પક્ષી અને જીવજંતુ પર કોઈપણ સંજોગોમાં હિંસા થવી ન જોઈએ. એટલે જ સોફેસ્ટિકેટ માંસાહારો માછલી શબ્દથી પણ અકળાયા છે તેમના ખોરાકને સી-ફૂડ જ કહેવાનો.
ભારતમાં સી-ફૂડ શબ્દનો અર્થ સમજ્યા વિના લોકો બબડ્યા કરે છે. વિશાળ અર્થમાં ઊંડા ઊતારીએ તો દરિયાઈ સૃષ્ટિમાં અતિ સૂક્ષ્મ જીવોથી માંડીને વિરાટકાય દરિયાઈ પ્રાણીઓનો સમાવેશ તેમાં થાય છે. માઈલો સુધી પથરાયેલા દરિયામાં વસતી આ જીવસૃષ્ટિ દરિયામાં જ જન્મે છે, વિકસે છે અને અંતે દરિયામાં જ સમાઈ જાય છે.જીવસૃષ્ટિની આ અજાયબી દરિયાની સપાટીના ઉપરના ભાગમાં છે એવું નથી. દરિયાની અંદર એટલે કે તળિયે કે જ્યાં સૂરજદાદાનો પ્રકાશ પણ પહોંચી શકતો નથી એ સ્થાન પર પણ જીવસૃષ્ટિની અનોખી દુનિયા વસે છે. હકીકત પણ એ જ છે કે સૌને આનંદ આપતો સાગર એટલે કે દરિયો ધરતી પરની સૃષ્ટિ કરતાંય અનેકગણી વિશાળ સૃષ્ટિની સંભાળ લે છે, તેમનો જીવનનિર્વાહ કરે છે. જો કે પ્રત્યેક જળચર પ્રાણીઓ ભક્ષણ કરવા યોગ્ય નથી. ખુદ માછલી પણ ભક્ષણ કરવા યોગ્ય નથી. એટલે તો સી-ફૂડ શબ્દમાં તો દરિયામાં રહેતી ગોકળગાય, કાચબો,કરચલાં, ઝીંગા સહિતના બહુધા પ્રાણીઓનો સમાવેશ થાય છે તો શું ભારતમાં સી-ફૂડના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા માંસાહારો આ બધું આરોગે છે? નહીં. માછલી તેમનો મનગમતો ખોરાક છે. એટલે પેટમાં જાય છે. દરિયાઈ જીવસૃષ્ટિ કે દરિયાઈ જીવો માટે ખોરાક મેળવવાનો સ્ત્રોત પણ દરિયો જ છે. વિશ્ર્વમાં કુલ ૧૯ પ્રકારની માછલી શ્ર્વસે છે. જેનું સેવન મનુષ્ય કરે છે. દરિયામાં મોટી માછલી નાની માછલીને ગળી જાય છે. અને મોટી માછલીને મનુષ્ય આરોગી જાય છે. આ વિષચક્રનો અંત જ નથી.
સમાજના એક વર્ગમાં વર્ષોેથી માન્યતા ઘર કરી ગઈ છે કે શરીર બનાવવા, શરીરને જાળવી રાખવા, સ્ટેમિના વધારવા અને દેહને પૂરતું પ્રોટીન આપવા ઈંડા-માંસ-માછલી વગર ચાલે જ નહીં. આ વાહિયાત વાત પર એક શબ્દ લખવો પણ વ્યર્થ છે. અભિનેતા શાહિદ કપૂર સંપૂર્ણ શાકાહારી છે અને તેણે માંસાહારના તાબે થયા વિના બાવડાં બનાવ્યા છે. રોમના યોદ્ધાઓના અવશેષો જયારે ટર્કીમાં મળ્યા ત્યારે તેનો તજજ્ઞો દ્વારા ઝીણવટભર્યો અભ્યાસ કરતાં માલૂમ પડયું કે આ ગ્લેડિયેટર્સનાં હાડકાંની બોન-મિનરલ ડેન્સિટી ઘણી ઊંચી છે. યોદ્ધાઓએ સખત ટ્રેનિંગ અને હાઇ-ક્વોલિટી આહાર લીધાં હોય તો જ આ પ્રકારની બોન-મિનરલ ડેન્સિટી શક્ય બને. વધારે સંશોધન કરતાં જાણવા મળ્યું કે આ રોમન યોદ્ધાઓ મુખ્યત્ત્વે વેજીટેરીયન હતા. આવી હજ્જારો સાબિતી મળે તો પણ વિજ્ઞાનના નામે માંસાહારના શોખીન કોરોનામાં ઇમ્યુનીટી વધારવાના બણગા ફૂંકીને મૃત માછલીનું સેવન કરતા અચકાશે નહીં.
કોરોના,ઝીકા,એઇડ્સ વગેરે જેવા જીવલેણ રોગના ઉદ્ભવસ્થાન કે મૂળ સ્રોત અંગે ખુદ ડબ્લ્યુએચઓ અજાણ છે. છે તો ફક્ત ’થિયરી’ અને આવી થિયરીઓથી ફાર્માસ્યુટિકલ કંપની અને માંસ ઉત્પાદન એકમો દુનિયાને અંધારામાં રાખે છે. કારણ કે આ બધા વાયરસ જે દેશના જે વિસ્તારમાંથી ઉત્પન્ન થયા છે તે વિસ્તારોમાં માંસાહારનું પ્રમાણ અને તેનું ઉત્પાદન જોરશોરથી ચાલતું હતું. મીડિયા આ વાયરસને પ્રાણીજન્ય વાયરસ કહીને સંબોધે છે. તેનો સીધો અર્થ છે કે જો મનુષ્યે કુદરતમાં હસ્તક્ષેપ કર્યો ન હોત કે તે પ્રાણીઓની કતલ કરીને તેનું માંસ હડપવાના પ્રયાસો કર્યા ન હોત તો આ બધા વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો ન હોત. પરિણામસ્વરૂપ લાખો નહીં પરંતુ કરોડો નિર્દોષ વ્યક્તિઓનો જીવ બચી ગયા હોત?
ભારતમાં તો માછલી પર તો આખે આખું મત્સ્યપુરાણ લખાયેલું છે. હાલનો પૂર્વ રાજસ્થાનનો કેટલોક ભાગ પ્રાચીનકાળમાં મત્સ્યદેશ હતો તો ભારતીય પુરાણોમાં વિષ્ણુના ૧૦ મુખ્ય અવતારોમાં મત્સ્ય અવતાર પણ છે. મત્સ્ય અવતારની દંતકથા મજેદાર છે. મત્સ્યપુરાણમાં લખ્યું છે એક ઋષિના કમંડળના પાણીમાં માછલી આવી ગઈ. તે ખૂબ ખૂબ મોટી થતી ગઈ અને જ્યારે પ્રલયકાળ આવ્યો ત્યારે સપ્તર્ષિઓ અને સમગ્ર સૃષ્ટિનાં બીજ તત્ત્વોને એક હોડીમાં ભરીને બળુકી માછલીએ તે હોડીમાં બધાને બેસાડી પ્રલયકાળમાં ઋષિઓને બચાવેલા! આ પ્રંસગના આધારે મત્સ્યપુરાણની રચના થઈ. જો મત્સ્યપુરાણ ધાર્મિક હોય તો માછલીનું ભક્ષણ કરનાર માણસ અધર્મી છે?