ફોકસ -નિધિ ભટ્ટ
જો તમે ક્યારેય મથુરા વૃંદાવન ન ગયા હોય તો બની શકે કે તમને આ સાંભળીને આશ્ચર્ય થાય કે અહીં લોકો તમને ચશ્માં પહેરવા પર ટોકતા જોવા મળશે. જી નહીં, અહીંના લોકોને તમારા ચશ્માંથી કોઈ સમસ્યા નથી, પરંતુ તેઓ તમને અણધારી આફતથી બચાવવા માગે છે. કારણ કે જો તમે મથુરા-વૃંદાવન ગયા અને ચશ્મા પહેર્યા તો પછી કોઈ મંદિર આસપાસ કે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરતા સમયે ક્યાંકથી પણ વાંદરો આવી તમારા ચશ્માં ઉતારી જશે. તમે ગમે તેટલા સજાગ હશો તો પણ આમ બને તેની પૂરેપૂરી શક્યતા છે.
વાંદરા ખૂબ જ ચપળ અને હોશિયાર પ્રાણી હોય છે તે તમારી સજાગતા પર પાણી ફેરવી દેશે. વળી, અહીં ડઝન કે સેંકડો નહીં ઘણી જગ્યાએ હજારોની સંખ્યામાં વાંદરા હોય છે, તેમાંથી એકાદો તમને ખો દઈને તમારા ચશ્માં લઈ ભાગી જશે. પણ સવાલ એ છે કે જો એકવાર વાંદરો ચશ્માં લઈ જાય તો પાછા કઈ રીતે લાવવા…સિમ્પલ. તમે વાંદરાને કોઈ રૂશ્વત આપો. પછી તે પારલે જીનું બિસ્કિટનું પેકેટ હોય, નમકીન હોય, સફરજન કે જમરૂખ કે પછી ફ્રુટી. આ ટેક્સ નહીં આપો તો તેઓ તમારા ચશ્માં પાછા આપશે નહીં. અહીં માત્ર ચશ્માં નહીં, જો તમારી ટોપી ઢીલી હશે ને તેમને જાણ થઈ જશે તો તે પણ ઉચકીને લઈ જશે. ઘણીવાર તો ખભા પરનો ગમછો પણ લઈ જાય છે. વળી, તમે તેનું કંઈ બગાડી શકતા નથી. કારણ કે જો તે ઊંચે છત પર કે ઝાડ પર ચડ્યો ને ત્યાંથી તમારા ચશ્માં ફેંક્યા તો તે કડડભૂસ થઈ જશે.
ભારતીય પર્યટકોને તો આ વાંદરા ક્યારેક છોડી દે પણ વિદેશી પર્યટકો સાથે તેને બહુ લગાવ છે અને વિદેશના પર્યટકો પણ પોતાની પાસે કંઈક ખાવાનું રાખે છે અને તેમને બહુ પ્રેમથી ખવડાવે છે. અથવા તો એમ પણ કહી શકાય કે રૂપાળા લોકોના ચહેરા પર ચશ્માં દૂરથી દેખાઈ જાય છે. એવું નથી કે વાંદરા માત્ર મથુરા-વૃંદાવનમાં જ છે. ભારતના એવા હજારો પર્યટન સ્થળો છે જ્યાં વાંદરા ખૂબ જ ઉત્પાત મચાવે છે. જો તીર્થોની વાત કરીએ તો ચિત્રકુટમાં પણ મોટી સંખ્યામાં વાંદરા જોવા મળે છે, પણ હજુ તેમને ચશ્માં ઉતારવાની આદત નથી. પરંતુ ત્યાં પણ વાંદરાઓ પોતાની પેટપૂજા માટે એવી કોઈક હરકત કરશે કે તમે તેને ચણા ખવડાવવા કે કોઈ ફળ ખવડાવવા માટે મજબૂર થઈ
જાઓ. અયોધ્યા અને બનારસમાં પણ મોટી સંખ્યામાં ખાસ કરીને ધાર્મિક સ્થળો પર વાંદરાઓની ધમાચકડી જોવા મળે છે, પરંતુ તેમનો સૌથી ખાસ મસ્તીવાળો મિજાજ મથુરા-વૃંદાવનમાં જ જોવા મળે છે. અહીં વાંદરાઓની પ્રવૃતિઓ અહીં આવતા યાત્રીઓ સાથે મજાક-મશ્કરી કરવા જેવી હોય છે. બહારના લોકો ક્યારેક જ આવતા હોય તેમની હરકતોથી આનંદ લે છે, પરંતુ સ્થાનિકો તેમના ઉત્પાતથી ખૂબ પરેશાન રહે છે. વાંદરાઓ એશિયાના દરેક ધાર્મિક સ્થળ પર જોવા મળે છે. થાઈલેન્ડ અને શ્રીલંકામાં પણ વાંદરાઓ મોટી સંખ્યામાં જોવા મળે છે, પરંતુ અહીંયા તેમને ઉત્પાત મચાવતા જોવામાં આવતા નથી. આનું એક કારણ એ પણ છે કે અહીં તેઓને ખાવા માટે સંઘર્ષ કરવો પડતો નથી અને રહેવા માટે તો કોઈ સંઘર્ષની જરૂર જ નથી. કારણ કે આ દેશોમાં હજું જંગલનું પ્રમાણ ઘણું છે અને મંદિરો આસપાસ પણ વાંદરાઓને રહેવા માટે ઘણી જગ્યા છે.
પણ ભારતમાં જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં તીર્થસ્થળ છે, ત્યાં પરિસ્થિતિ પાછલા ૫૦ વર્ષમાં ઘણી બગડી છે. અયોધ્યા હોય કે મથુરા, કાશી હોય અથવા ચિત્રકુટ. દરેક જગ્યાએ વાંદરાઓના ભોજન અને તેમના કુદરતી આવાસનો પ્રશ્ર્ન વિકટ બની રહ્યો છે.
પહેલા ચિત્રકુટમાં ચારે તરફ ખૂબ જંગલ હતા, તેથી વાંદરાઓ માટે મોટી સંખ્યામા ખાણી-પીણી માટે ફળ વગેરે હતા, તેથી કોઈ સમસ્યા નડતી ન હતી. આજની તારીખમાં ચિત્રકુટમાં જંગલ બચ્યા જ નથી. આથી વાંદરાઓની ખાવાની અને રહેવાની સમસ્યા પેદા થઈ ગઈ છે.
આથી તેઓ લોકો આસપાસ ફર્યા કરે છે કે જ્યાં ખાવાપીવાની વસ્તુઓ આચકી શકાય. પણ આ સમસ્યા સૌથી વધારે મથુરા-વૃંદાવનમાં છે. પહેલી વાત તો એ કે અહીંયા વાંદરાઓ માટે ભોજન પ્રાકૃતિક રીતે ઉપલબ્ધ નથી.
બીજું કે અહીં તેમના રહેવા માટે વૃક્ષો બચ્યાં નથી. તેમણે છત પર કે મંદિરો આપસાસ અસુરક્ષિત જગ્યાએ જ દિવસ-રાત વિતાવવા પડે છે. આથી વાંદરાઓ અહીં ખૂબ પરેશાન રહે છે અને પોતાની ભૂખ મટાડવા માટે યાત્રીઓ પર ધાબો બોલે છે. વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર અને નિધિ વનમાં દરેક બાજુએ વાંદરાઓનો જબરજસ્ત આતંક છે. કોઈ એવું મંદિર નથી જેનવી આજુબાજુ સેંકડો વાંદરાઓ જોવા ન મળે. આથી લોકો તમને અહીં સલાહ આપતા જોવા મળશે કે તમારા ચશ્માં ઉતારી લો નહીંતર વાંદરો એક ઝાટકામાં તે ઉઠાવી જશે. તે તમારા ચશ્મા લઈને ક્યાંય દૂર જશે નહીં, તે તમને બતાવી બતાવીને તેને તોડવાનું નાટક કરશે. તોડશે નહીં કારણ કે તેમને પણ ખબર છે કે ચશ્માં તૂટી ગયા તો કોઈ તેને રૂશ્વત શા માટે આપશે. આથી વધારે સારું છે કે મથુરા વૃંદાવનમાં તમે હોવ તો વાંદરાઓ માટે કંઈક લઈ લો.