યંત્ર, તંત્ર સાથે મંત્રનો મેળ

ધર્મતેજ

પ્રમુખ ચિંતન -સાધુ આદર્શજીવનદાસ

સાંપ્રત યુગની એક ઓળખરુપે કહી શકાય કે – We are living in the age of energy.. આજે આપણે ઊર્જા યુગમાં જીવીએ છીએ, કારણ કે કૃત્રિમ કે કુદરતી શક્તિઓનો વિકાસ અને વિનિમય આ યુગમાં જેટલો થયો છે તેટલો ભાગ્યે જ બીજા યુગમાં થયો હશે.
શક્તિના અનર્ગળ સ્રોત સમા સૂર્યનાં કિરણોને નાથીને આજે આપણે ઘરમાં પાણી ગરમ કરવાથી માંડીને મોટાં યંત્રો ચલાવતાં થઈ ગયા. વહેતા વાયરાને પવનચક્કીના ચાકડે ઘુમાવી વાતશક્તિ પણ ઉત્પન્ન કરી દીધી. નદીઓનાં નીર પર બંધ બાંધી જળશક્તિ નિપજાવી લીધી. અણુને તોડીનેય પ્રચંડ શક્તિ મેળવી લીધી.
આ શક્તિઓએ વિશ્ર્વને યંત્ર અને તંત્રની ભેટ આપી. તેને પરિણામે વિવિધ ઉત્પાદનો આવ્યાં. તે ગળાકાપ સ્પર્ધા લઈ આવ્યા. તેને કારણે ઊભા થયેલા અગ્રતાક્રમના સંઘર્ષથી માનવીની જીવનશૈલી હાયકારો ટળે નહીં અને હાશકારો મળે નહીં તેવી બની ગઈ. ચાબુક ફટકારીને પણ થાકેલા ઘોડાને દોડાવવામાં આવે તેમ ગોળીઓ ખાઈને પણ કામ કરવું પડે તેવી નોબત આવી ગઈ. તેને કારણે માનવી અનેક રોગનો ભોગ બનતો ચાલ્યો. તેમાંનો એક રોગ એટલે માનસિક તણાવ. તેમાંથી પછી હતાશા અને નિરાશા. તેને હડસેલવા વ્યસનો ભણીની દોટ. તેય કારગત ન નીવડે તો અંતે આપઘાત. અશાંત મનની આ અંતિમ પરિસ્થિતિ. યંત્ર અને તંત્રના વર્ચસ્વવાળા આજના યુગનું આ એક પરિણામ.
આ વરવી વાસ્તવિકતાને વિદારવા વિશ્ર્વ તણાવમુક્તિની વિવિધ તરકીબો પાછળ દોડવા લાગ્યું છે. તે માટે કો’કને દરિયામાં ઊછળતાં મોજાં જોવાની સલાહ અપાય છે, તો કો’કને માછલીઘરની માછલીઓ સામે તાકી રહેવાનું કહેવાય છે, પરંતુ મનની સ્થિરતા મેળવવાના આવા પ્રયત્નો આંધળા વડે દોરાતા આંધળાની યાદ અપાવી જાય છે. જેમ પડતા વૃક્ષને ઝાલનારો પોતે પણ ભોંયભેગો થાય, તેમ અસ્થિર જગતના અસ્થિર પદાર્થોમાં ચોંટેલું મન સ્થિર, શાંત કેવી રીતે બની શકે ?
આ સમયે મનની સ્થિરતા અને શાંતિ માટેનો ઉપાય ચીંધતાં ભારતીય શાસ્ત્રો અને ઋષિઓએ મંત્રની ભેટ આપી છે. જેમ પ્રત્યેક રાગમાં આકૃતિ હોય છે તેમ પ્રત્યેક મંત્ર સાથે ભગવાનની મૂર્તિ સંકળાયેલી હોય છે. તેથી મંત્રરટણ ભગવત્સ્મરણ કરાવે છે. તે દ્વારા ભગવાનમાં મન સંલગ્ન થાય છે અને ભગવાન સદા સુખમય હોવાથી તેઓમાં જોડાયેલું મન પણ શાશ્વત શાંતિનો અનુભવ કરવા માંડે છે.
તે ઉપરાંત મંત્રરટણની માનવીના શરીર પર થતી અસરને જણાવતાં હાર્વર્ડ યુનિવર્સિટીના ડૉ. હર્બર્ટ બેન્સન જણાવે છે : ‘સવાર-સાંજ વીસ-વીસ મિનિટ સુધી મંત્રજાપ કરવાથી આઠ કલાકની ગાઢ નિદ્રા પછી જે સ્ફૂર્તિ અનુભવાય તે પ્રાપ્ત થાય છે. વળી, મંત્રજાપથી શરીરના અંત:સ્ત્રાવો પ્રમાણસર છૂટે છે, શરીરનું બ્લડપ્રેશર પ્રમાણસર થાય છે અને નાડીઓના ધબકારા સપ્રમાણ રહે છે.’
તેથી યંત્ર અને તંત્રના વર્ચસ્વ વચ્ચે જો મંત્રને સર્વસ્વ બનાવવામાં આવે તો વ્યક્તિ તણાવમુક્ત જીવન જીવી શકે તેમ છે. આ વાતની સાક્ષી પ્રમુખસ્વામી મહારાજનું જીવન પૂરે છે.
તેઓ વિશ્ર્વવ્યાપી બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખ તરીકે ૫૦ દેશોમાં પથરાયેલાં ૯૦૦૦
ઉપરાંત સત્સંગકેન્દ્રો, ૧૧૦૦થી અધિક મંદિરો, ૧૦૦૦થી વધુ સુશિક્ષિત સંતો તથા લાખો હરિભક્તોના યોગક્ષેમનું વહન કરતા હતા. તેની સાથે તેઓ સામાજિક, શૈક્ષણિક, નૈતિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક ક્ષેત્રનાં અનેક સેવાકાર્યને સફળતાપૂર્વક સંભાળતા. છતાં તેઓ હંમેશાં ફૂલ જેવા પ્રફુલ્લ જણાતા.
એકવાર પ્રમુખસ્વામી મહારાજ વિશ્ર્વના સૌથી વિશાળ મંદિર તરીકે વિખ્યાત થયેલા દિલ્હીના અક્ષરધામનું નિર્માણકાર્ય જોવા નીકળેલા. તે વખતે સર્વત્ર મહાકાય પથ્થરો ખડકાયેલા. તે જોઈ કોઈએ સ્વામીશ્રી પર લદાયેલા આ કાર્યબોજની વાત કાઢી ત્યારે પ્રમુખસ્વામી મહારાજ બોલેલા : ‘આ આટલા બધા પથરા ભલે અહીં પડ્યા, પરંતુ અમારી છાતી પર એક કાંકરી જેટલો પણ ભાર નથી અનુભવાતો.’
તેઓ ગોવર્ધન ઊંચકવા છતાં મોરપીંછ જેટલા હળવા રહી શકતા. આ સિદ્ધિનું શ્રેય ભજન-સ્મરણને આપતાં તેઓ ઘણીવાર કહેતા : ‘દેશ-પરદેશ ફરીએ, બધું કાર્ય કરીએ, પણ ભગવાનને સંભારીને કરીએ છીએ.’
યંત્ર અને તંત્રની સાથે તેઓએ મંત્રનો એટલે કે ભગવાનના સ્મરણનો મેળ પાડી દીધેલો. આ કળા માણસ જો હસ્તગત કરે તો તેના માટે પણ તાણમુક્ત જીવન કોઈ કલ્પનાનો વિષય ન રહે. જેમ દૂધપાકમાં પડતી કેસરની એક છાંટ દૂધપાકના સ્વાદ, રંગ અને સુગંધ બદલી નાખે છે, તેમ મહાન પુરુષોમાંથી શીખેલો એક ગુણ પણ આપણા જીવનના સ્વાદ, રંગ અને સુગંધને બદલવા પર્યાપ્ત છે. આ અનુભવ આપણે આપણા જીવનમાં મંત્રજાપને સ્થાન આપી કરી શકીએ એમ છીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.