જાહેરમાં અથવા કોઈપણ વ્યક્તિ સામે અશ્લીલ હરકત કરવી એ યૌન શોષણઃ Mumbaiની કોર્ટે સંભળાવ્યો ચુકાદો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મુંબઈની એક વિશેષ અદાલતે 60 વર્ષના એક વ્યક્તિને જાહેરમાં હસ્તમૈથુન કરવા બદલ દોષિત ઠેરવ્યો છે. કોર્ટે તેને પોક્સો હેઠળ એક વર્ષ માટે જેલમાં મોકલી આપ્યો હતો અને નોંધ્યું હતું કે અન્ય વ્યક્તિની હાજરીમાં હસ્તમૈથુન એ આરોપીના અશ્લીલ ઇરાદાનું અનુમાન લગાવવા માટે પૂરતું છે.

કેસની વિગત મુજબ પીડિત 4 વર્ષનો છોકરો તેના ઘરની નજીક આવેલી આરોપીની ટેલરિંગની દુકાન ગયો, ત્યારે તેણે આરોપીને હસ્તમૈથુન કરતા જોયો હતો. પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીએ પીડિતને તેનો પ્રાઈવેટ પાર્ટ પણ બતાવ્યો હતો.

આરોપીના વકીલે દલીલ કરી હતી કે તેણે છોકરાને દુકાન પર બોલાવ્યો ન હતો કે તે છોકરાની નજીક પણ ગયો ન હતો.

અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે તે સાચું છે કે છોકરાએ વ્યક્તિનું કૃત્ય અકસ્માતે જોયું હતું. આરોપીનો સ્ટોર નાનો હતો અને કોઈપણ વટેમાર્ગુએ તેનું કૃત્ય જોયું હશે, તેથી એવું કહી શકાય નહીં કે તે ખાનગીમાં હસ્તમૈથુન કરતો હતો. જ્યારે પીડિત બાળકે આરોપીનું કૃત્ય જોયું, ત્યારે તેણે પોતાનું કૃત્ય બંધ કરવાને બદલે આ કૃત્ય અંગે તર્કસંગતતા રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

હસ્તમૈથુન એ એક જાતીય કૃત્ય છે અને જો કોઈ અન્ય વ્યક્તિની હાજરીમાં કરવામાં આવે તો, તે આરોપીના અશ્લીલ જાતીય ઇરાદાનું અનુમાન લગાવવા માટે પૂરતું છે. આવી ઘટનાની પીડિત પર, તેના સંબંધો પર અને સમાજ પર પણ ખૂબ જ પ્રતિકૂળ અસર પડે છે કે તેમના ઘર અને તેની આસપાસનો વિસ્તાર બાળકો માટે સુરક્ષિત નથી, એમ કોર્ટે જણાવ્યું હતું.

ચોક્કસપણે આવા પ્રકારની ઘટના પીડિતના મનમાં લાંબા સમય સુધી ડાઘ છોડી જાય છે, એમ 60 વર્ષીય આરોપીને દોષિત ઠેરવવાનો આદેશ પસાર કરતી વખતે ન્યાયાધીશે અવલોકન કર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.