મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
હું પણ ઝેડ પ્લસ સુરક્ષા સાથે કાશ્મીર ફરવા જાઉં છું.તમે સાચું જ વાંચો છો. હવે બીજો વિચાર તમને એ આવશે કે આ કઈ એવી મોટી તોપ છે કે તેને ઝેડ પ્લસ સિક્યુરિટી મળે. તો સાંભળી લ્યો મને પણ મારાં ગૃહ પ્રધાનના ઓર્ડરથી ઘાતક ઝેડ પ્લસ સુરક્ષા કવચ પ્રાપ્ત થયું છે.
હવે મારો દીકરો મોટો થઈ ગયો છે.ભણવાનું પણ પૂરું થઈ ગયું છે. મીડિયામાં સારી નોકરીએ લાગી ગયો છે, પરંતુ મારી ધર્મપત્નીના મગજમાં એક કેસેટ ફિટ છે કે વેકેશન પડે એટલે ગમે ત્યાં ફરવા તો જવું જ પડે. મેં બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હવે આપણા દીકરાને પરીક્ષા કે વેકેશન લાગુ પડતું નથી. ગમે ત્યારે જઈ શકાય, પરંતુ આટલું બોલી અને માથું ઊંચું કરી તેની આંખોમાં જોઉં છું પછી બીજા કોઈ જવાબની અપેક્ષા રાખી શકતો નથી.
આ વખતે પણ ફરમાન થયું કે આ છાપામાં કાશ્મીર
કાશ્મીર બહુ આવે છે અને બે ચાર ભાઈઓ બરફમાં આર્મી
મેન સાથે ફરે છે. મારે પણ બરફમાં ફરવું છે. મેં બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એ મફત સરકારી ખર્ચે ફરે
છે અને હાલ ચોક્કસ જગ્યાએ તેને પિગાળવાની પ્રોસેસ
ચાલુ છે. વળી તારો શરદીનો કોઠો છે. તું અહીં ઠંડી હવાની ફટકીમાં બે િ દવસ નાક અને ગળા પર બામ લગાડી અને
ફરે છે. સૂતી વખતે મારો બેડરૂમ કોઈ જૂની જર્જરિત
આયુર્વેદિક હોસ્પિટલ ના ગુગળ કપૂર મિશ્રિત ચૂર્ણ, ફાકી, લેપ જેવી મિશ્ર સુગંધિત ફાર્મસીમાં ફેરવાય જાય છે, પરંતુ
ફરી માથું ઊંચું કરી અને આંખોમાં જોઉં છું ત્યારે તેનું કીધું કરવું પડે છે. “મને બરફમાં ત્યાં જ સમાધિ આપીને આવશો તો પણ ચાલશે પરંતુ બરફમાં ફરવા લઈ જાવ આ વાત મને થોડી અંદરથી ગમી એટલે ઉત્સાહપૂર્વક મેં બે ટિકિટ બુક કરવા માટે મોબાઈલ હાથમાં લીધો. ત્યાં તો ઠાવકી થઈ અને મારી બાજુમાં બેઠી અને મને કહે ‘મારી બાનું બીજું કોણ?’ મેં કહ્યું (મનમાં) આમ તો કાયદેસર તેમના વર એટલે કે મારા સસરા પરંતુ અંદરથી તે કેટલું સ્વીકારે તે કહેવું મુશ્કેલ, પરંતુ હું થોડો મનનો મોળો એટલે મેં કહ્યું કે ‘કાંઈ વાંધો નહીં તેમના માટે બરફ લઈ આવીશું’. તો મને કહે બે ટિકિટ બુક કરાવતા હોય તો હું અને મારી બા જઈ આવશું. અને તમારા માટે બરફ લઈ આવીશું. હું વાતાવરણનો પલટો જાણી ગયો અને તરત જ મેં ત્રણ ટિકિટ બુક કરવા માટે હૃદય પર સ્ટોન રાખી અને મોબાઈલ હાથમાં લીધો. તો તરત જ આગળ બોલવાનું શરૂ થયું.’ આપણે બંનેએ ફરવું હોય, ઇન્સ્ટાની રીલ બનાવવી હોય, પોસ્ટ વેડિંગ ગીતના વિડિયો બનાવવા હોય તો બા
બિચારા એકલા ન પડી જાય? થાય છે કે તેમની કંપની માટે મારા પપ્પાને પણ લઈ લઉં ‘મેં કીધું ’હા ભલે એ લોકો પણ
બે ચાર વીડિયો બનાવી લે’. મારી મજાક સમજી શકે
એટલી બુદ્ધુ તે નથી. એટલે તરત જ હસતા હસતા કહ્યું ‘એ વાત સાચી હવે જો આ બે બે કપલના વીડિયો બનાવવાના
હોય તો વીડિયો બનાવવા વાળા પણ જોઈએ ને? મારા
ભાઈને આમ ફરવા હરવામાં, બધામાં રસ નહીં અને
તેની વીડિયોગ્રાફી પણ બહુ સારી તો ભાઈ ભાભી ભલે
આવે. ભાઈ આપણો વીડિયો બનાવશે અને ભાભી મમ્મી પપ્પાનો વીડિયો બનાવશે. મનમાં થયું કે કદાચ આ પ્રપોઝલ સ્વીકારી પણ લઉં પણ ભાઈને મમ્મી-પપ્પાના વીડિયો માટે મોકલે તો.
વાચક મિત્રો હવે તમને લાગે છે ને કે હું ઝેડ પ્લસ સિક્યુરિટીમાં ફરવા જઈ રહ્યો છું. મજાલ છે મારા અંદરના રોમાન્સની કે બહાર આવે.
તમે નહીં માનો હમણાં છાપામાં પણ મેં વાંચ્યું કે કાશ્મીરમાં બરફ ઓગળવા લાગ્યો છે. ખબર નહીં કોણે સમાચાર
આપી દીધા કે મારા સાસુ, સસરા, સાળા, મારા ધર્મપત્ની જબરજસ્ત ગરમ સ્વભાવ ધરાવે છે. અને કાશ્મીર ફરવા
જવાનું છે. વિચાર કરો આટલા કિલોમીટર દૂર બેઠા બેઠા જો બરફ ઓગાળી શકતા હોય તો ત્યાં જઈએ પછી બરફની
તાકાત છે કે અમારી સામે આવે? આતંકવાદીઓને પણ
સમાચાર મળી ગયા હશે એટલે છેલ્લા અઠવાડિયાથી
બધા વતનમાં પરત વેકેશન કરવા પહોંચી ગયા છે. તમે ત્યારે શાંતિથી ફરી અને પાછા જાવ પછી અમે કંઈ કરવું હશે તો વિચારશું.
મારાં કાશ્મીર પ્રવાસનું બજેટ વર્લ્ડ ઈકોનોમીની જેમ ખોવાઈ ગયું છે. ઝેડ પ્લસ સિક્યુરિટીનો ખર્ચો પણ મારે જ કરવાનો છે. કાશ્મીરમાં આપણા સૌરાષ્ટ્ર, ગુજરાત કે મુંબઈની જેમ ધર્મશાળા કે જ્ઞાતિના ગુજરાતી સમાજની જગ્યાઓ કેમ હજુ સુધી બંધાઈ નથી? તેવો મને વારંવાર વિચાર આવે છે કારણ કે હોટલનું બજેટ મારા આવતા એક વર્ષના જીવન જરૂરિયાતના બજેટ ને ખોરવી નાખશે.
કાશ્મીરમાં ગુજરાતી સમાજ પણ નથી કે એકાદ પ્રોગ્રામનું ગોઠવી અને થોડી રાહત મેળવી શકું. તમે બધા તો ભાગ્યશાળી છો (એવું હું માનું છું), પરંતુ એક વાત નક્કી કે જો ફરવા
જવું હોય તો ધર્મપત્નીને સરપ્રાઈઝ આપવી. આગલી રાત્રે જણાવવું કે સવારની ફ્લાઈટમાં આપણે ફલાણી જ્ગ્યાએ ફરવા જઈએ છીએ. એટલે સગા વહાલાના વિચારો મગજમાં ન આવે. આ સરસ મજાની ટીપ આપવા બદલ મને ધન્યવાદ આપવા પડશે.
વિચારવાયુ:
બહુ ચર્ચિત મુદ્દાઓને ભુલાવવા માટે નવો મુદ્દો શોધવો અને બહુચર્ચિત કરવો તે (લુચ્ચી)બુદ્ધિનું અને કપરું કામ છે.