નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનામાં જીએસટી કલેક્શનમાં ૧૨ ટકાના વધારા સાથે ૧.૪૯ લાખ કરોડ રૂપિયા નોંધાયું હોવાનું નાણાં મંત્રાલયે જણાવ્યું હતું. જીએસટી કલેક્શન વર્ષ ૨૦૨૨ના એપ્રિલ મહિનામાં સૌથી વધુ ૧.૬૮ લાખ કરોડ રૂપિયા અને તેના પછી બીજા ક્રમે વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરી મહિનામાં ૧.૫૭ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. જીએસટીના અમલની શરૂઆતથી અત્યાર સુધીમાં સૌથી વધારે ૧૧,૯૩૧ કરોડ રૂપિયાનું સેસ કલેક્શન ફેબ્રુઆરી મહિનામાં નોંધાયું છે.
નાણાં મંત્રાલયના નિવેદનમાં જણાવાયું હતું કે વર્ષ ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં જીએસટીનું કુલ કલેક્શન ૧,૪૯,૫૭૭ કરોડ રૂપિયા હતું. તેમાં સેન્ટ્રલ જીએસટી ૨૭,૬૬૨ કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી ૩૪,૯૧૫ કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ જીએસટી ૭૫,૦૬૯ કરોડ રૂપિયા (માલસામાનની આયાત દ્વારા પ્રાપ્ત ૩૫,૬૮૯ કરોડ રૂપિયા સહિત) અને સેસ કલેક્શન ૧૧,૯૩૧ કરોડ રૂપિયા (માલસામાનની આયાત દ્વારા પ્રાપ્ત ૭૯૨ કરોડ રૂપિયા સહિત)નો સમાવેશ છે.
વર્ષ ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનાની જીએસટીની આવક વર્ષ ૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનાની જીએસટીની આવકની સરખામણીમાં ૧૨ ટકા વધારે છે. વર્ષ ૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનાની જીએસટીની આવક ૧.૩૩ લાખ કરોડ રૂપિયા નોંધાઈ હતી. સામાન્ય રીતે ૨૮ દિવસ ધરાવતા ફેબ્રુઆરી મહિનામાં અન્ય મહિનાની સરખામણીમાં મહેસૂલી આવક સ્વાભાવિક રીતે ઓછી થતી હોય છે. (એજન્સી)