Homeઆમચી મુંબઈગિરગામમાં ગોદામમાં ભીષણ આગ: નજીકમાં પાર્ક કરેલાં ૧૪ વાહન સળગી ગયાં

ગિરગામમાં ગોદામમાં ભીષણ આગ: નજીકમાં પાર્ક કરેલાં ૧૪ વાહન સળગી ગયાં

(જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગિરગામ વિસ્તારમાં બુધવારે મધરાતે ગોદામમાં ભીષણ આગ લાગી હતી. આગમાં કોઇ જાનહાનિ થઇ નહોતી. જોકે નજીકમાં પાર્ક કરાયેલા ૧૪ જેટલાં વાહન સળગી ગયાં હતાં અને કરોડોનું નુકસાન થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ગિરગામ સ્થિત ઉરણકરવાડી ખાતે પોગાલિયા હાઉસને અડીને આવેલા ગોદામમાં બુધવારે મોડી રાતે અચાનક આગ લાગી હતી, જ્યાં રેક્ઝિન, ફોમ, બાંબુ તથા અન્ય સામાન રાખવામાં આવ્યો હતો. દરમિયાન આગની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો ફાયર એન્જિન અને વોટર ટેન્કર સાથે ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું. ગુરુવારે મળસકે ત્રણ વાગ્યાની આસપાસ કાબૂ મેળવવામાં જવાનોને સફળતા મળી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.આગને કારણે ગોદામ નજીક પાર્ક કરાયેલા છ ફોર-વ્હીલર અને આઠ ટૂ-વ્હીલર સળગી ગયાં હતાં. ઉપરાંત ગોદામની ઓફિસને પણ નુકસાન થયું હતું. આગને કારણે ગોદામનું ભોંયતળિયાનું આખું માળખું તૂટી પડ્યું હતું, જ્યારે અમુક ઘરોને પણ નુકસાન થયું હતું.
ગોદામમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નહોતું. જોકે ફટાકડાને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular