અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનો પત્ની અને પુત્રી સાથે સામૂહિક આપઘાત

આપણું ગુજરાત

* પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા

આત્મહત્યા: અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કર્મચારીએ સોલા વિસ્તારના બહુમાળી મકાનના ફ્લેટમાં પરિવાર (પત્ની અને નાનકડી દીકરી) સહિત આત્મહત્યા કર્યા બાદ પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં ગોતામાં રહેતા એક પોલીસકર્મીએ તેની પુત્રી અને પત્ની સાથે એપાર્ટમેન્ટના ૧૨મા માળેથી કૂદીને સામૂહિક આપઘાત કર્યો હતો. દીવા હાઇટ્સમાં રહેતા પોલીસકર્મી કુલદીપસિંહ યાદવે પત્ની અને બાળકી સાથે આપઘાત કર્યો છે. તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. વાયરલ થયેલી તેમની મરણોત્તર ચિઠ્ઠીમાં તેમણે રાજ્યમાં પોલીસ કર્મચારીઓના પગાર વધારા માટેના ગ્રેડ પે વધારાની અંતિમ ઇચ્છા બતાવીને આઇપીએસ અધિકારીઓ ગ્રેડ પે વધારવા નહીં દેતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે. જો કે પોલીસકર્મીના આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ મોડે સુધી બહાર આવ્યું નહોતું. ગોતા વિસ્તારમાં રહેતા પોલીસ કર્મચારી કુલદીપિસિંહ ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન મોડી રાત્રે દોઢ વાગે ૧૨મા માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાનો આ પહેલો બનાવ હોવાનું કહેવાય છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. મૃતક પોલીસકર્મી કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એ હજી સમજાતું નથી. કુલદીપસિંહે આપઘાત કરતાં પહેલાં તેમના મિત્રો, પરિવારજનોને સંવેદનશીલ સલાહ-સૂચનો આપ્યા હતા. જ્યારે ગુજરાત પોલીસની ગ્રેડ પેની માગણી અંગેનો પણ ઉલ્લેખ કરી લખ્યું હતું કે પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા છે અને આઇપીએસ અધિકારીઓ પૈસા બહુ ખાય છે અને તે જ લોકો પગાર વધારવા નથી દેતા. પોલીસ એવું કહે છે કે કુલદીપસિંહનો ફોન પેટર્ન લોક છે, પરંતુ તેણે તેના મિત્રને મોકલેલી સુસાઈટ નોટ બધે ફરતી થઈ ગઈ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.