રાહુલની પડખે બહેન પ્રિયંકા અડીખમ, સરકારની કાઢી ઝાટકણી
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સંસદસભ્ય તરીકેનું પદ રદ કરવામાં આવ્યા પછી દેશભરમાં તેની ચર્ચાએ જોર પકડ્યું છે, જેમાં વિરોધપક્ષોએ સત્તાધારી પક્ષની નીતિની વખોડી નાખી છે. મોડી સાંજે કોંગ્રેસ પક્ષ દ્વારા ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવ્યા પછી સાંસદ પદ રદ કરવાની વિરોધમાં દેશભરમાં જનઆંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કોંગ્રેસ જણાવ્યું હતું.
શુક્રવારે ઈમર્જન્સી બેઠક પૂરી થયા પછી કોંગ્રેસ કહ્યું હતું કે રાહુલ ગાંધીનું સંસદપદ રદ કરવાની વિરોધમાં દેશભરમાં જનઆંદોલન શરુ કરશે અને એ મુદ્દાને જનતાની સમક્ષ લઈ જવામાં આવશે. અહીં કોંગ્રેસની ઈમર્જન્સી બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અન્ય વરિષ્ઠ નેતા, પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે સભ્યપદ રદ કરવામાં આવ્યા પછી હવે રાજકીય પગલું શું ભરવું તેના અંગે અહીંની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. અહીંની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે આ મુદ્દાને લઈ દેશભરમાં જનઆંદોલન કરવામાં આવશે અને લોકોને જણાવાશે કે રાહુલ ગાંધીનું જાણી જોઈને સભ્યપદ રદ કરાવવામાં આવ્યું છે.
સત્તાધારી પક્ષે પણ બચાવ કર્યો છે, ત્યારે રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા વાડરાએ પણ રાહુલની પડખે રહીને ખુલ્લેઆમ સરકાર સામે બંડ પોકાર્યું છે. સભ્યપદ રદ કરવામાં આવ્યાના ગણતરીના કલાકોમાં પ્રિયંકા ગાંધીએ ટવિટ કરીને ભાજપ પર જોરદાર ઝાટકણી કાઢી હતી. પ્રિયંકાએ લખ્યું હતું કે નરેન્દ્ર મોદીજી, તમારા ચમચાને એક શહીદ વડા પ્રધાનના દીકરાને દેશદ્રોહી, મીરા જાફર કહ્યા. તમારા એક મુખ્ય પ્રધાને સવાલ કર્યો છે કે રાહુલ ગાંધીના પિતા કોણ છે?
અન્ય બીજું ટવિટ કરીને પ્રિયંકાએ લખ્યું હતું કે કાશ્મીરી પંડિતોના રિવાજને અનુસરીને, એક પુત્ર તેના પિતાના મૃત્યુ પછી પાઘડી પહેરે છે, તેના કુટુંબની પરંપરા જાળવી રાખે છે. સમગ્ર પરિવાર અને કાશ્મીરી પંડિત સમુદાયનું અપમાન કરીને તમે પૂછ્યું કે તેઓ સંપૂર્ણ સંસદમાં નેહરુનું નામ કેમ નથી રાખતા, પરંતુ કોઈ ન્યાયાધીશે તમને બે વર્ષની સજા આપી નથી. તમને સંસદમાંથી ગેરલાયક ઠેરવ્યા નથી. ત્રીજી ટિવટ કરીને પ્રિયંકા લખ્યું હતું કે નીરવ મોદી અને મેહુલ ચોકસી પર સવાલ ઊઠવ્યા. શું તમારા મિત્ર ગૌતમ અદાણી દેશની સંસદ અને ભારતની મહાન જનતાથી મોટા થઈ ગયા કે તેની લૂટ પર સવાલ કરતા ચોંકી ગયા? તમે મારા પરિવારને પરિવારવાદી કહો છો, જાણો, આ પરિવારે પોતાના લોહીથી ભારતની લોકશાહીનું સિંચન કર્યું હતું. અલબત્ત, એક પછી એક ચાર ટવિટ કરીને પ્રિયંકાએ જોરદાર સરકારને ઝાટકી નાખી હતી.