નરીમાન પોઈન્ટના શહીદ સત્યાગ્રહી વીર નરીમાન

ઉત્સવ

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

મુંબઈ શહેરની શરૂઆત કેવી રીતે થઈ અને ગુજરાતના રાજા ભીમદેવ સોલંકીએ માહિમમાં પોતાની રાજધાની સ્થાપી ત્યારથી માંડીને મુંબઈનું ઘડતર કેવી રીતે સંપન્ન થયું એ ઉપરાંત ૧૮મી અને ૧૯મી સદીમાં પારસીઓ અને ગુજરાતીઓએ મુંબઈના ઘડતર અને વિકાસ માટે જે અવિરત પ્રયત્નો કર્યા તેની સિલસિલાબંધ વિગતો આ કોલમમાં વાંચવા મળશે, પણ એ પહેલાં જેમના નામની યશગાથા નરીમાન પોઈન્ટ અને નરીમાન માર્ગ આજે પણ મુંબઈમાં અમર કરી રહ્યા છે તે ખુરશીદ ફરામજી નરીમાન કોણ હતા તેમનો પરિચય મેળવીએ…
* * *
સદી-સદીના માનવ-માનવ વચ્ચેના સંપર્કનો સેતુ એટલે ઈતિહાસ. સત્યના ચહેરા પરના એક પછી એક દંભના મહોરાં ઈતિહાસ દૂર ફગાવી દે છે. ઈતિહાસમાં ભાષા ભલે એક જણની વાત બીજાને પહોંચાડવા ઊભી થઈ હોય, પરંતુ ઘણીવાર ભાષાનો ઉપયોગ હકીકત છુપાવવા પણ થતો હોય છે. પુરાણોમાં જણાવ્યું છે; પરસ્પરં ચ યુધ્યન્તે હય-વિસ્પષ્ટાર્થયા ગિરા – જાણી જોઈને અસ્પષ્ટ રાખેલી ભાષા વડે માણસો પરસ્પર બખેડા કર્યા કરે છે; જેમ જૂના જમાનામાં તેમ આપણા જમાનામાં મહાભારતમાં સત્યવાદી યુધિષ્ઠિરે પણ એવું કર્યું છે અને આ સદીમાં સત્યના આગ્રહી મહાત્મા ગાંધીજીએ એવી રીતે અનુસરવામાં યોગ્ય માન્યું છે. આ કારણે કોઈ એક સંજોગ કે અન્યાયનો ભોગ બની જવા પામે છે. મુંબઈના જાહેર, સામાજિક અને રાજકીય જીવનમાં લોકપ્રિયતાના શિખરે પહોંચનાર એકલવીર શ્રી ખુરશીદ ફરામજી નરીમાન કે જેઓ કે. એફ. નરીમાન નામે જાણીતા છે, તેમના જીવનમાં પણ એવું જ બન્યું છે અને તેમના સમકાલીન રાજકીય અને સામાજિક નેતાઓ આજે હયાત હોવા છતાંયે સત્યના ચહેરા પરનું મહોરું ઉઘાડવાની હિંમત કરી શકતા નથી. એ કર્તવ્ય ઈતિહાસકારને જ બજાવવાનું રહે છે, જ્યારે બ્રિટિશ સામ્રાજ્યમાં સૂરજ કદી આથમતો નહોતો ત્યારે બ્રિટિશ સામ્રાજ્યનાં મહાનગરોમાં લંડન પછી મુંબઈનો ક્રમ આવતો હતો અને એ મુંબઈમાં દરિયો પૂરીને જે જમીન મેળવવાની પ્રક્રિયા ચાલી રહી હતી તેમાં ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો હતો તે સામે બ્રિટિશ શાસન વિરુદ્ધ શ્રી કે. એફ. નરીમાન એકલા હાથે ઝઝૂમ્યા હતા અને વિજયી નીવડ્યા હતા.
જ્યારે ચર્ચગેટ રેલવે સ્ટેશન અને ઈરોઝ સિનેમા થિયેટર આગળ દરિયો ઘૂઘવતો હતો ત્યારે મુંબઈ શહેરમાં કૂદકે અને ભૂસકે વધતી જતી વસતીની સમસ્યાના ઉકેલ માટે દરિયો પૂરીને જમીન પ્રાપ્ત કરવાની યોજના ૧૯૨૦માં આકાર પામી હતી અને મુંબઈ ઈલાકાના ગવર્નર ત્યારે લોર્ડ જ્યોર્જ લોઈડ હતા. ચર્ચગેટ સ્ટેશન નજીકના દરિયાથી વર્તમાન નરીમાન પોઈન્ટ સુધીના દરિયાને પૂરવાની યોજનાને ‘બેકબે-રેકલેમેશન’ નામ આપવામાં આવ્યું હતું. આ બેકબે-રેકલેમેશનની યોજનાથી મેળવાયેલી જમીનમાં ગરીબોના વસવાટ માટે ૧૫ હજાર રહેઠાણો ઊભાં કરી શકાય એટલી જમીન ફાળવવાનું જણાવવામાં આવ્યું હતું. ગરીબોથી ભાગ્ય હંમેશાં દૂર ચાલતું હોય છે તેવું જ અહીં પણ બન્યું અને બેકબે-રેકલેમેશન ઉપર શ્રીમંતો માટે ગગનચુંબી ઈમારતો અને પંચતારક હોટલો જ ઊભી થઈ ગઈ. આકાશ બધે જ ભૂરું હોય છે અને કાગડા બધે જ કાળા હોય છે તેમ સત્તા ઉપરના અધિકારીઓ આ યોજનામાંથી અંગત લાભ મેળવી લેવાથી દૂર રહ્યા નહિ; અને એમાંથી જે કૌભાંડો સર્જાયાં તેથી શ્રી કે. એફ. નરીમાનનું લોહી ઊકળી ઊઠ્યું. તેમણે મુંબઈ મહાનગરપાલિકા અને મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં વિરોધનો સૂર ઉઠાવ્યો.
બેકબે-રેકલેમેશન યોજના પાર પાડવા મુંબઈ સરકાર તરફથી બોમ્બે ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરવામાં આવી. ૧૯૨૩માં શ્રી કે. એફ. નરીમાન બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ચૂંટાયા અને ત્યાં તેમણે બેકબે-રેકલેમેશનના કૌભાંડ સામે વિરોધનો અવાજ ઉઠાવ્યો, તેથી સરકાર ભડકી ઊઠી. ત્યાં ૧૯૨૫માં મુંબઈ સરકાર તરફથી લેજિસ્લેટિવ કાઉન્સિલમાં બોમ્બે ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ માટે રૂ. એક કરોડ અને પચાસ લાખની રકમ માટે મંજૂરી માગતી દરખાસ્ત રજૂ થઈ ત્યારે શ્રી કે. એફ. નરીમાને જણાવ્યું કે આ યોજનામાં ગંભીર ગેરવહીવટ અને વ્યર્થ ખર્ચના કારણે જાહેર જનતાનાં નાણાં વેડફાઈ રહ્યાં છે; આથી આ સૂચિત રકમમાં રૂા. ૬૧,૯૯,૮૮૦નો ઘટાડો કરવો. સાથે સાથે શ્રી નરીમાને એ પણ જણાવ્યું કે મુંબઈ ઈલાકામાં એવી અફવા પણ જોર ઉપર છે કે ઉચ્ચ અધિકારીઓ ‘સિક્રેટ કમિશન’ (લાંચ) લઈ રહ્યા છે.
શ્રી નરીમાનની આ વાતથી અંગ્રેજ સરકાર અને તેમના સમર્થક કાઉન્સિલરો શ્રી નરીમાન સામે ભડકી ઊઠ્યા. શ્રી નરીમાન પોતાની વાતમાં અડગ રહ્યા એટલે મુંબઈ સરકારને તપાસ માટે બે સમિતિની નિમણૂક કરવી પડી. આ તપાસ દરમિયાન વાત બહાર આવવા પામી કે અનેક કૌભાંડો ચાલી રહ્યાં છે અને પરિણામે જે ગતિથી કામ ચાલી રહ્યું છે તેથી કદી આ યોજના પૂરી જ થવા પામે નહિ. દરિયામાંથી કાદવ કચરો બહાર કાઢવા ‘કાલુ’ અને ‘ઝીંગા’ નામની બે ડ્રેઝરો હજારો પાઉન્ડના (તે સમયના લગભગ સાડા સાત લાખ રૂપિયા) ખર્ચે ખરીદવામાં આવી ત્યારે કામ કરી શકે એવી હાલતમાં નહોતી. એક જ ડ્રેઝર ‘કાલુ’ની ખરીદી ૭૫,૦૦૦ પાઉન્ડમાં કરવામાં આવી હતી અને પછી થોડાક સમયમાં તેના ‘ઓવર હોલીંગ’ માટે રૂા. ચાર લાખની માગણી કરવામાં આવી હતી. આ સંબંધમાં સરકાર કોઈ સંતોષકારક જવાબ આપી શકી ન હતી.
એક રેલવે કંપનીમાં ગંભીર ગોટાળાઓ માટે જેલની લાંબી સજા ભોગવી આવેલા એક કારકુન બાલકિશન દામોદર શેઠને કોલાબા ખાતે માટી અને કપચી લઈ આવતી ટ્રક ખાલી કરવાનો ઈજારો અધિકારીઓએ આપ્યો હતો. આવી ટ્રક ખાલી કરાવવા માટે ટ્રક દીઠ રૂા. ૧૦/- ચૂકવવામાં આવતા હતા. શ્રી નરીમાને એનો વિરોધ કરતાં દર ઘટાડીને પ્રથમ રૂા. ૬ કરવામાં આવ્યા, ત્યાર પછી રૂા. ૪ અને ૬ આના કરાયા અને છેલ્લે ટ્રક દીઠ રૂા. અઢી લેવા એ તૈયાર થઈ ગયો હતો. આ માણસ અંગ્રેજ અધિકારીઓના ઘરે ‘બજાર’ પહોંચાડતો હોવાના આક્ષેપો પણ મુકાયા હતા.
‘દરિયો પૂરવા માટે આવશ્યક ‘માઈલ્ડ સ્ટીલબાર’ની ખરીદીમાં પણ જાણીજોઈને ગોટાળા કરવામાં આવ્યા હતા. સાચી જરૂરત ૫ ફૂટ અને ૮ ઈંચના ૧,૨૦૦ ટનના બારની હતી. પણ ઓર્ડરમાં ફેરફાર કરીને ૭ ફૂટ ૮ ઈંચના બાર ખરીદવામાં આવ્યા. એ બાર કામ આવ્યા નહિ એટલે ૫ ફૂટ ૮ ઈંચના બાર ખરીદવામાં આવ્યા અને એવી રીતે રૂા. ૩ લાખની રકમ વેડફી નાખવામાં આવી.
બેકબે-રેકલેમેશન યોજનાના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર શ્રી થોમસ હાર્વે દિલ્હી ખાતે માત્ર રૂા. ૯૦૦નો માસિક પગાર મેળવતા હતા, તેમને રૂા. ૨૦૦૦થી વધુ માસિક પગારે લાવવામાં આવ્યા હતા. એવી જ રીતે બીજા ઘણા અધિકારીઓની મોટા પગારે નિમણૂક કરવામાં આવી હતી, પણ રેકલેમેશનના કામનો એમને કોઈ અનુભવ નહોતો.
સિમેન્ટ મેળવવાના કોન્ટ્રેક્ટમાં પણ એવી જ ગડબડ સર્જવામાં આવી હતી. ૧૯૨૩-૨૪માં જ્યારે બજારમાં સિમેન્ટના ભાવ
ટન દીઠ રૂા. ૩૦થી ૪૦ હતા ત્યારે ટેન્ડરમાં ટન દીઠ રૂા. ૭૦નો ભાવ સ્વીકારવામાં
આવ્યો હતો.
બેકબે-રેકલેમેશન સહિતની વિકાસ યોજના માટે ૨૦ ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. તેમાં ૧૯ અધિકારીઓ અંગ્રેજ હતા. બોમ્બે ડેવલપમેન્ટ ડાઈરેક્ટોરેટના એક ડાઈરેક્ટર સર હેપરને રૂા. ૬ હજારનો માસિક પગાર આપવામાં આવતો હતો અને રહેવા માટે રૂા. ૩ લાખનો ભવ્ય બંગલો આપવામાં આવ્યો હતો. શ્રી નરીમાને આ રજૂઆત કરતાં સર હેપરનો પગાર ઘટાડીને રૂા. ૪ હજાર કરવામાં આવ્યો હતો.
સરકાર તરફથી નિમાયેલી બબ્બે સમિતિમાં શ્રી કે. એફ. નરીમાને પોતાની હકીકતનો આગ્રહ નહિ છોડતાં શ્રી થોમસ હાર્વેએ પોતાની પ્રતિષ્ઠા બચાવવાના પ્રયાસમાં શ્રી નરીમાન સામે અદાલતમાં બદનક્ષીનો મુકદ્દમો માંડવાની મુંબઈ સરકાર પાસેથી પરવાનગી પ્રાપ્ત કરી.
શ્રી થોમસ હાર્વેએ તા. ૪-૧૨-૧૯૨૬ના દિવસે મુંબઈના ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ શ્રી રાંગણેકર સમક્ષ અરજી નોંધાવી. આ કેસની સુનાવણી નીકળે તે પહેલાં શ્રી રાંગણેકરને મુંબઈ હાઈ કોર્ટમાં પ્રમોશન મળ્યું એટલે શ્રી હોરમઝદિયાર પી. એચ. દસ્તુર ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ બન્યા અને તેમની સમક્ષ સુનાવણી શરૂ થઈ. શ્રી થોમસ હાર્વેના સોલિસિટર્સ મેસર્સ લિટલ એન્ડ કંપનીના બેરિસ્ટર શ્રી એસ. જી. વેલીનકર ઊભા રહ્યા હતા ત્યારે શ્રી નરીમાને પોતે જ પોતાનો બચાવ કર્યો હતો. શ્રી નરીમાન ત્યારે ૪૩ વર્ષના હતા અને પોલીસ કોર્ટમાં ધારાશાસ્ત્રી તરીકે પ્રેક્ટિસ કરતા હતા.
મુંબઈના ઈતિહાસમાં હાર્વે-નરીમાન કેસ આજ પણ એક ઐતિહાસિક અદાલતી મુકદ્દમા તરીકે અગ્રસ્થાન ધરાવે છે. એમાં ૬૨ સુનાવણી થઈ હતી અને ૧૮ જેટલી સુનાવણી તો ફરિયાદીની ઊલટતપાસ માટે જ થઈ હતી. આ સર્વ સુનાવણીમાં ૧૦૦થી વધુ કલાકનો સમય લાગ્યો હતો. શ્રી નરીમાને પોતાના તરફથી ૨૪૮ પાનાનું ‘ટાઈપ્ડ સ્ટેટમેન્ટ’ રજૂ કર્યું હતું. આ મુકદ્દમામાં શ્રી નરીમાન એકલા હતા તો તેમની સામે સમગ્ર સરકારી તંત્ર હતું, દસ્તાવેજો હતા અને રૂા. ૬૦ હજારની ગંજાવર રકમ ફાળવવામાં આવી હતી. સરકારની બીકે શ્રી નરીમાનના પક્ષના કેટલાક સાક્ષીઓ અદાલતમાં હાજર જ રહ્યા નહોતા.
ચીફ પ્રેસિડન્સી મેજિસ્ટ્રેટ શ્રી એચ. પી. એચ. દસ્તુરે તા. ૧૭-૧-૧૯૨૭ના દિવસે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે શ્રી નરીમાને શ્રી થોમસ હાર્વેની બદનક્ષી થાય એવું કોઈ વલણ અપનાવ્યું નથી કે નથી શ્રી હાર્વેના નામનો ખુલ્લો ઉલ્લેખ કરવામાં આવ્યો. શ્રી નરીમાને અદાલત સમક્ષ ૨૪૮ પાનાનાં ટાઈપ્ડ સ્ટેટમેન્ટમાં જે આક્ષેપ રજૂ કર્યા છે તે આધારભૂત જણાયા તેથી શ્રી કે. એફ. નરીમાનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.
સમસ્ત કેસ દરમિયાન સિવિલ એન્જિનિયર શ્રી એસ. એમ. સર્વેયર શ્રી નરીમાનની પડખે પડછાયાની જેમ ઊભા રહ્યા હતા. આ મુકદ્દમાની સાથોસાથ બોમ્બે ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડાઈરેક્ટર સર લોલેસ હેપર સામે પણ શ્રી નરીમાને અદાલતી મુકદ્દમો માંડ્યો હતો. પરંતુ સર હેપર સત્ય હકીકત જાણતા હોવાથી મુંબઈ છોડીને ઈંગ્લેન્ડ ચાલી ગયા હતા અને પ્રતિષ્ઠા બચાવવા પાછા મુંબઈ આવ્યા જ નહોતા.
આ મુકદ્દમામાં એકલવીર શ્રી કે. એફ. નરીમાનને વિજય મળતાં દેશભરમાં લોકપ્રિય બની ગયા અને દેશના સર્વ ભાષાના વર્તમાનપત્રોએ તંત્રીલેખમાં શ્રી નરીમાન ઉપર અભિનંદન વરસાવ્યાં હતાં. શ્રી નરીમાન મુંબઈ શહેરની પ્રવૃત્તિઓ સાથે સાથે કૉન્ગ્રેસ પ્રવૃત્તિમાં પણ એટલા જ સક્રિય રહેતા હતા. બારડોલીના સત્યાગ્રહે બેરિસ્ટર શ્રી વલ્લભભાઈ પટેલને સરદાર બનાવી દીધા હતા. શ્રી નરીમાને સરદાર પટેલને બારડોલી સત્યાગ્રહમાં સહાયરૂપ થવા મુંબઈમાંથી સારું એવું ભંડોળ એકત્ર કરી આપ્યું હતું. આ જ સરદારે થોડાં જ વરસો પછી વીર નરીમાનની કમર નીચે ઘા કરી તેમની જ્વલંત કારકિર્દીનો અંત આણ્યો હતો.
હાર્વે-નરીમાન કેસના સમયમાં કૉન્ગ્રેસ પક્ષમાં પ્રદેશ સમિતિનું વિશેષ અસ્તિત્વ નહોતું. પ્રથમ સર્વ રાજ્યોમાં પ્રાદેશિક સમિતિની ભલામણ કરાઈ અને દિલ્હી તથા મુંબઈ શહેરના વિશિષ્ટ દરજ્જાને ધ્યાનમાં લઈને એ બે શહેરોને પ્રથમ પ્રદેશ સમિતિ આપવાનું વિચારાયું. મુંબઈ પ્રદેશ સમિતિની સ્થાપના ૧૯૨૪માં થઈ ત્યારે મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિનું કાર્યાલય કોટ વિસ્તારમાં બોરાબજાર ખાતે હતું. ત્યાંથી ઓપેરા હાઉસ નજીક વિઠ્ઠલભાઈ પટેલ રોડ ઉપર ખસેડાયું અને છેલ્લે કૉન્ગ્રેસ હાઉસ મળ્યું. ૧૯૨૪-૨૮ દરમિયાન મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિનાં વડા શ્રીમતી સરોજિની નાયડુ હતાં. ત્યાર પછી શ્રી જમનાદાસ મહેતાનું નામ ગાજ્યું, પણ તેઓ સિફતથી સરકી ગયા. ૧૯૩૦-૩૭માં શ્રી કે. એફ. નરીમાન મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રદેશપ્રમુખ રહ્યા અને એમણે સાત-સાત વરસો સુધી લોહી-પરસેવો વહાવીને મુંબઈમાં કૉન્ગ્રેસ પક્ષને લોકપ્રિયતાના એવરેસ્ટ ઉપર મૂકી દીધો. શ્રી નરીમાન માત્ર ઘરમાં રહીને કે ખુરશી ઉપર બેસીને પ્રવૃત્તિ કરનાર કાર્યકર નહોતા. વડાલા ખાતે નમક સત્યાગ્રહમાં સક્રિય ભાગ લેતા એમને જેલની સજા થઈ હતી. કૉન્ગ્રેસ પક્ષની સ્થાપના મુંબઈમાં તા. ૨૮-૧૨-૧૮૮૫ના દિવસે થઈ હતી અને કૉન્ગ્રેસની અર્ધશતાબ્દીનું અધિવેશન કહી શકાય એવું ૪૮મું અધિવેશન વરલી ખાતે ૧૯૩૪માં બાબુ રાજેન્દ્રપ્રસાદના અધ્યક્ષપદે મળ્યું હતું. ત્યારે શ્રી કે. એફ. નરીમાન સ્વાગત સમિતિના અધ્યક્ષ હતા, અને એમના શિરે જ સર્વ જવાબદારી હતી. એમણે આ અધિવેશન સફળ બનાવ્યું હતું. શ્રી નરીમાન આથી મુંબઈ અને દેશભરમાં અતિ લોકપ્રિય બની જવા પામ્યા અને ઘણાં કૉન્ગ્રેસી નેતાઓ માટે શ્રી નરીમાનની લોકપ્રિયતા અદેખાઈનું કારણ બની.
કૉંગ્રેસ પક્ષની શતાબ્દીનો ભવ્ય સમારોહ મુંબઈમાં વડા પ્રધાન શ્રી રાજીવ ગાંધીના અધ્યક્ષપદે ૧૯૮૫ના ડિસેમ્બરમાં યોજવામાં આવ્યો હતો ત્યારે મંચ ઉપર શ્રી નરીમનના સમકાલીન નેતાઓ બેઠા હતા. છતાં કોઈએ તેમને યાદ પણ કર્યા ન હતા. શ્રી નરીમાનનાં પત્ની શ્રીમતી માણેકને આ બાબતમાં પૂછતાં તેમણે પણ ફરિયાદના સૂર કાઢ્યા હતા. તેમને તો નિમંત્રણ પણ મોકલવામાં આવ્યું ન હતું.
ઈ.સ. ૧૯૩૪માં એક તરફ મુંબઈમાં કૉંગ્રેસના ૪૮મા અધિવેશનની તડામાર તૈયારીઓ થઈ રહી હતી અને બીજી તરફ સેન્ટ્રલ એસેમ્બલીની ચૂંટણી આવી હતી. શ્રી નરીમાન ત્યારે મુંબઈ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. સરદાર પટેલે ૧૯૩૪ના ઑક્ટોબરમાં શ્રી નરીમાનને જણાવ્યું કે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી માટે મુંબઈ શહેર બે બેઠકો ધરાવે છે, માટે એ બંને બેઠકો ઉપર કૉંગ્રેસ તરફથી તમારે અને ડૉ. જી. વી. દેશમુખે ઊભા રહેવું. શ્રી નરીમાને તે વખતે જ સરદાર પટેલને જણાવ્યું કે પોતે કૉંગ્રેસના અધિવેશનની તૈયારીઓમાં વ્યસ્ત છે અને આર્થિક મુશ્કેલી હોવાથી પોતાને ઉમેદવારીમાંથી બાકાત રાખવા. સરદારે આગ્રહ ધરાવ્યો કે શ્રી નરીમાને ઊભા રહેવું જ અને આર્થિક મુશ્કેલી અંગે ચિંતા કરવી નહિ. સરદારના આગ્રહ આગળ શ્રી નરીમાને નમતું આપ્યું. તેઓ કામમાં બહુ વ્યસ્ત રહેતા હોવાથી ડૉ. દેશમુખ જ ઉમેદવારીપત્રક ઉપર શ્રી નરીમાનની સહી લઈને ધારાશાસ્ત્રી સાથે જઈને ઉમેદવારી નોંધાવી આવ્યા. તેમણે પોતાની સહી ‘ખુરશીદ ફરામજી નરીમાન’ એમ કરી હતી, છતાં આ ઉમેદવારીપત્રકમાં શ્રી નરીમાનનું નામ શ્રી. કે. એફ. નરીમાન અને સરનામું ‘રેડીમની ટેરેસ, વરલી’ને બદલે ૪૫-એસ્પ્લેનેડ રોડ, મુંબઈ હતું. આ સરનામું શ્રી નરીમાનના ભાઈ શ્રી કેકોબાદ નરીમાનની ઓફિસનું હતું. હવે શ્રી નરીમાન સમક્ષ સાપે છંછુદર ગળ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ, જો એ ઉમેદવારીપત્રક પ્રમાણે ઊભા રહે તો પોતે પોતાના ભાઈને બદલે ઊભા રહ્યા છે એવું થાય અને ફરીથી ઉમેદવારી નોંધાવવામાં સારો એવો સમય નીકળી જાય અને ટેક્નિકલ મુશ્કેલીઓ પણ ઉપસ્થિત થવા પામે. આથી શ્રી નરીમાને સરદાર પટેલને મળી જણાવ્યું કે પોતે ઉમેદવારી પાછી ખેંચી લે છે. આથી સરદાર પટેલે શ્રી કનૈયાલાલ મુનશીનું નામ ઉમેદવાર તરીકે સૂચવ્યું અને શ્રી કે. એમ. મુનશીએ ઉમેદવારીપત્રક ભર્યું.
શ્રી કે. એફ. નરીમાને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. શ્રી કે. એમ. મુનશી સામે સર કાવસજી જહાંગીર રેડીમની ઊભા રહ્યા હતા. શ્રી કે. એમ. મુનશી અને શ્રી એસ. કે. પાટીલે સરદાર પટેલની છાવણીમાં આ સમય દરમિયાન અવરજવર વધારી દીધી હતી અને શ્રી નરીમાનની લોકપ્રિયતાના કારણે પોતે આગળ આવી શકશે નહિ એવી બીકથી શ્રી નરીમાનના વિરોધમાં સરદારના કાન ફૂંકવાનું શરૂ કરી દીધું હતું.
શ્રી કે. એમ. મુનશીની અભિલાષા ઘણી મોટી હતી એટલે પક્ષની શિસ્તને કોરે મૂકી દઈને તેમણે મતદારોને પત્ર અને પોસ્ટકાર્ડ લખી બંને મતો પોતાને જ આપવા જણાવ્યું હતું. કૉંગ્રેસના સમર્થક મતદારોએ આ સામે વિરોધ ઉઠાવ્યો હતો, એટલું જ નહિ; શ્રી મુનશીએ મતદાન-કેન્દ્રો ઉપર પોતાના તરફથી પોસ્ટરો લગાડીને તેમાં ‘વોટ ફોર કૉંગ્રેસ’ને બદલે ‘વોટ ફોર મુનશી’ એમ લખ્યું હતું. ડૉ. દેશમુખે પણ શ્રી મુનશીની નકલ કરી. આ વાત શ્રી કે. એફ. નરીમાનના ધ્યાન ઉપર આવતા તેમણે આ પ્રકારનાં પોસ્ટરો-પાટિયાં દૂર કરાવી ‘વોટ ફોર કૉંગ્રેસ’નાં પોસ્ટરો-બેનરો રહેવા દીધાં. આથી શ્રી મુનશી નરીમાન પ્રત્યે નારાજગી ધરાવતા થઈ ગયા. આ ઓછું હોય તેમ કૉંગ્રેસ પક્ષ છોડી ગયેલા શ્રી જમનાદાસ મહેતા પણ ડેમોક્રેટિક તરફથી ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. વિજયની આશા તેમને નહિવત્ હતી છતાં શ્રી કે. એમ. મુનશી થોડા મતો જરૂર લઈ ગયા. પરિણામ એ આવ્યું કે સર કાવસજી જહાંગીર રેડીમની ૧૮૧૪૦ મતથી વિજયી થયા અને શ્રી મુનશી ૧૭૦૧૫ મતો મેળવીને પરાજય પામ્યા. ડૉ. દેશમુખ કૉંગ્રેસી ઉમેદવાર તરીકે ૧૯૮૭૨ મતથી વિજયી નીવડ્યા હતા.
શ્રી કે. એમ. મુનશીનાં પત્ની શ્રીમતી લીલાવતી મુનશી પણ કૉંગ્રેસ પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેતાં હતાં. શ્રીમતી લીલાવતી મુનશીએ સરદાર

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.