પોતાના પતિના પહેલા લગ્ન સમયે કોઈ હતી માતાના ખોળામાં,તો કોઈ પતિને કાકા! કહીને સંબોધતી હતી.
ફોકસ -અમિત આચાર્ય
‘પ્રેમમાં ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી’ એ કહેવત બોલીવૂડ સ્ટાર્સ માટે એકદમ બંધ બેસે છે. પડદા પરનું તેમનું જીવન રોમેન્ટિક અને સ્વપ્નમય છે. એટલો જ ઑફ સ્ક્રીન તેમનો પ્રેમ અને લગ્નજીવન પણ રસપ્રદ છે. સ્ટાર્સ પ્રેમમાં કંઈ પણ કરે છે. તેઓ તેમના લગ્ન માટે ઉંમરના અંતરને ભૂલી જાય છે. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેઓ એક સમયે તેમના પતિને ‘કાકા’ અથવા સિનિયર તરીકે માન આપતી હતી, પરંતુ પછીથી તેમની બીજી કે ત્રીજી ઘરવાળી બની ગઈ અને તેમની સાથે ફેમિલી પ્લાનિંગ કર્યું છે.
આ લિસ્ટમાં હેમા માલિની, શબાના આઝમીથી લઈને બોલીવૂડની ક્વીન કરીના કપૂર સુધીના નામ સામેલ છે.
હેમા માલિની અને ધમેન્દ્ર
હેમા માલિની અને ધર્મેન્દ્ર ભલે આજે બોલીવૂડમાં પ્રેમનું ઉદાહરણ રજૂ કરે, પરંતુ એક સમય એવો હતો જ્યારે લોકો તેમની ઉંમરના અંતરને કારણે તેમની મજાક ઉડાવતા હતા. હેમા ધર્મેન્દ્રની બીજી પત્ની છે. હેમા સાથે લગ્ન પહેલા ધર્મેન્દ્ર ત્રણ બાળકોના પિતા હતા. તેમની પહેલી પત્નીનું નામ પ્રકાશ કૌર છે. પ્રકાશ-ધર્મેન્દ્રના લગ્ન ૧૯૫૫માં થયા હતા. ૧૯૪૮માં જન્મેલી હેમા માલિની તે સમયે ૭ વર્ષની હતી.
જાવેદ અખ્તર અને શબાના આઝમી
જાવેદ અખ્તર અને શબાના આઝમીની ઉંમર વચ્ચે ઘણું અંતર છે. જાવેદ અખ્તર શબાના આઝમી કરતા ૧૦ વર્ષ મોટા છે. શબાના સાથેના લગ્ન દરમિયાન જાવેદ અખ્તર પરિણીત હતા અને તે બે બાળકોના પિતા પણ હતા. જાવેદ અખ્તરની પહેલી પત્નીનું નામ હની ઈરાની છે. જાવેદ અખ્તર-હની ઈરાનીના લગ્ન વર્ષ ૧૯૭૨માં થયા હતા, ત્યારે ૧૯૫૦માં જન્મેલી શબાના આઝમી ૨૨ વર્ષની હતી.
કબીર બેદી
૧૬ જાન્યુઆરી, ૧૯૪૬ના રોજ બોલીવૂડના દિગ્ગજ અભિનેતા કબીર બેદીનો જન્મ થયો. કબીર લગ્ને લગ્ને કુંવારો છે એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. તેમના જીવનમાં ચાર વખત વરરાજા બન્યા છે. તેમના પ્રથમ લગ્ન વર્ષ ૧૯૬૯માં પ્રોતિમા બેદી સાથે થયા હતા. પ્રોતિમા સાથે છૂટાછેડા લીધા પછી કબીરે બ્રિટિશ ફેશન ડિઝાઇનર સુસાન હમ્ફ્રે સાથે લગ્ન કર્યા હતા. સુઝેન સાથે છૂટાછેડા લીધા પછી, કબીરે ૧૯૯૦માં ટીવી અને રેડિયો પ્રસ્તુતકર્તા નિક્કી સાથે ત્રીજી વખત લગ્ન કર્યા હતા. આ બધા લગ્ન ન ચાલતા, કબીરે ચોથા લગ્ન પરવીન દુસાંઝ સાથે કર્યા હતા. પરવીન દુસાંઝ કબીર કરતા ૩૦ વર્ષ નાની છે. પરવીનનો જન્મ ૧૯૭૫માં થયો હતો. તે મુજબ કબીરના પહેલા લગ્ન સમયે પરવીન છ વર્ષની હતી.
લીના ચંદાવરકર
૭૦ના દાયકાની જાણીતી અભિનેત્રી લીના ચંદાવરકરની સુંદરતાના બધા કાયલ હતા. ૬૦-૭૦ના દાયકામાં લીનાને જે સ્ટારડમ મળ્યું તે ભાગ્યે જ કોઈ હિરોઈનને મળ્યું હશે. લીના પોતાના જમાનાની ફિલ્મો પર પ્રભુત્વ ધરાવતી હિરોઇન હતી. મોટા હીરો તેની સાથે ફિલ્મો કરવા માગતા હતા. તે દેખાવમાં
એટલી સુંદર હતી કે, બધા તેને જોતા જ રહેતા, પરંતુ લીનાને કિશોર કુમાર સાથે પ્રેમ હતો, જેમણે ત્રણ વખત લગ્ન કર્યા હતા. કહેવાય છે કે, જ્યારે કિશોરના પ્રથમ લગ્ન ૧૯૫૧માં રૂમા ગુહા સાથે થયા ત્યારે લીના માત્ર એક વર્ષની હતી. નોંધનીય છે કે લીનાનો જન્મ ૧૯૫૦માં થયો છે.
સાયરા બાનુ અને દિલીપ કુમાર:
સાયરા બાનુ અને દિલીપ કુમારની લવસ્ટોરી પણ આજના યુવાનોને પસંદ છે, પરંતુ તમને જણાવી દઈએ કે, આ કપલ વચ્ચે પણ ઉંમરમાં ઘણો તફાવત હતો. ૧૧ ઓક્ટોબર, ૧૯૬૬ના રોજ જ્યારે આ એવરગ્રીન કપલના લગ્ન થયાં હતાં. ત્યારે દિલીપ કુમાર ૪૭ વર્ષના હતા જ્યારે સાયરા બાનુ ૨૫ વર્ષની હતી. બન્નેની ઉંમરમાં ૨૨ વર્ષનો તફાવત છે, છતાં સાયરા બાનુ દિલીપ કુમાર સાથે લગ્ન કરવા તૈયાર હતી. સાયરાનો જન્મ ૧૯૪૪માં થયો હતો જ્યારે દિલીપ કુમારનો જન્મ ૧૯૨૨માં થયો હતો.
મિલિંદ સોમન:
૫૫ વર્ષીય મિલિંદ સોમન, જેઓ ૯૦ના દાયકાના સ્ટાર હતા, આજે પણ પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહે છે. મિલિંદ આ દિવસોમાં તેનાથી ૨૬ વર્ષ નાની અંકિતા કોંવર સાથે લગ્ન કરીને સુખી જીવન જીવી રહ્યો છે, પરંતુ જણાવી દઈએ કે અંકિતા મિલિંદની બીજી પત્ની છે. આ અગાઉ, અભિનેતાએ વર્ષ ૨૦૦૬માં ફ્રેન્ચ અભિનેત્રી માયલિન જમ્પોનાઈ સાથે લગ્ન કર્યા હતા અને બન્નેએ વર્ષ ૨૦૦૯માં છૂટાછેડા લીધા હતા. વર્ષ ૧૯૯૧માં જન્મેલી અંકિતા તેના પતિના પહેલા લગ્ન સમયે ૧૬ વર્ષની હતી.
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન:
આ યાદીમાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પણ સામેલ છે. કરીના સૈફની બીજી પત્ની છે. સૈફના પહેલા લગ્ન ૧૯૯૧માં અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા. ત્યારે સૈફ માત્ર ૨૧ વર્ષનો હતો અને અમૃતા ૩૩ વર્ષની હતી. જો કે, આ લગ્ન ૧૫ વર્ષ પછી તૂટી ગયા હતા. આ પછી સૈફે તેનાથી ઉંમરમાં ૧૧ વર્ષ નાની કરીના સાથે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે સૈફ-અમૃતાએ લગ્ન કર્યા હતા. ત્યારે કરીનાએ સૈફ અલી ખાનને ખૂબ જ અલગ અંદાજમાં અભિનંદન પાઠવ્યા હતા. સૈફને અભિનંદન આપતાં તેણે કહ્યું કે, ‘શાદી મુબારક હો સૈફ અંકલ’ અને સૈફે પણ સ્મિત સાથે કહ્યું હતું ‘થેંક યુ બેટા’. કરીનાનો જન્મ ૧૯૮૦માં થયો હતો.