લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે આ લેખ ઉપયોગી બની રહેશે
સંસ્કૃતિ -મુકેશ પંડ્યા
આપણા શાસ્ત્રોમાં વ્યક્તિના સુવ્યવસ્થિત ઘડતર માટે સોળ સંસ્કાર કરવાની ઉત્તમ વિધિ આપી છે. ઘણીવાર તમને એમ થતું હશે કે આપણે ત્યાં જ આ બધા સંસ્કાર કેમ? તો એનો સ્પષ્ટ જવાબ એ છે કે આપણી ભૂમિ પર વ્યક્તિના સ્થૂળ શરીરથી લઇને આત્મા અને પરમાત્મા સુધીનું જે ચિંતન-મનન થયું છે એટલું બીજે કયાંય થયું નથી. ૮૪ લાખ યોનિમાં મનુષ્ય દેહ જ ઉત્તમ અવસ્થા છે. આ અવસ્થામા ઉત્તમોત્તમ સંસ્કૃતિના વડે એવી અવસ્થા એ પહોંચવું જયાં જન્મરણના ફેરામાંથી મુક્તિ મળે અથવા બીજા જન્મ પણ ઉત્તમ મનુષ્યના દેહરૂપે મળે જેથી મુક્તિ તરફની ગતિ બની રહે. સંસ્કાર એટલે જે છે તેમાં સુધારો કે ગુણવત્તા વધારવાની ક્રિયા. જન્મથી મરણ સુધીના સોળ સંસ્કાર એટલે મનુષ્ય પોતે અને પોતાના સંતાનોને શ્રેષ્ઠ ગુણવાન, બુદ્ધિશાળી બનાવી. પોતાને પરમશક્તિ સુધી પહોંચવાની ક્રિયા. આ હેતુ સચવાય તે જ ખરી સંસ્કારી… કહેવાય.
ગર્ભ સંસ્કારથી લઇ યજ્ઞોપવિત સંસ્કાર તો મા-બાપ વડે જ થતા હોય છે. જ્યારે એક લગ્નસંસ્કાર વખતે જ વ્યક્તિ પુખ્ત હોય છે. આમ તો બીજા બધા સંસ્કાર લોકો કરે કે ન કરે, પરંતુ બે સંસ્કાર જરૂર કરે છે. એક લગ્નસંસ્કાર, બીજો અંતિમસંસ્કાર, પરંતુ અંતિમસંસ્કાર કરવાનું કામ બીજા લોકો દ્વારા થાય છે તેમાં મુખ્ય પાત્ર હાજર નથી હોતું એટલે જીવતેજીવત જો કોઇ મોટા ભાગે સંસ્કાર ક્રિયા થતી હોય તો તે લગ્નસંસ્કાર છે અને અત્યારે તો આ એકમાત્ર લોકપ્રિય સંસ્કાર છે, એટલે તેના વિશ ઊંડી….. ઉચિત રહેશે.
ગ્લોબલ જમાનાના કારણે વિદેશી વાયરા પણ બહુ વાય છે. એક જમાનામાં અનિવાર્ય ગણાતા આ સંસ્કાર હવે મરજિયાત બનતા જાય છે. વિદેશીઓની નકલ કરતા ઘણા લોકો હવે આજીવન કુંવારા પણ રહે છે. છોકરીઓમાં ભણતરનું પ્રમાણ વધ્યું છે. પોતે લગ્ન વગર પણ સમાજમાં રહી શકે એટલી આર્થિક સ્થિતિ હોવાથી લગ્ન માટ ઉત્સુક ન હોય એવા કિસ્સા રોજબરોજ જોવા-સાંભળવા મળે છે. લગ્ન એ જીવનની સપોર્ટિંગ સિસ્ટમ બનવાને બદલે ઘણાને ઉપાધિ લાગે છે. લગ્નસંસ્થા પરથી લોકોનો વિશ્ર્વાસ કેમ ઉઠતા જાય છે.
કહેવાય છે કે લગ્ન તો લાકડાનો લાડુ છે. જે ખાય એ પણ પસ્તાય અને ન ખાય એ પણ પસ્તાય, તો કરવું શું? આનો ઉત્તર ભલે કોઇ આપી દે, કે ખાઇને પસ્તાવુ વધારે સારું. છતાં આ જવાબ યોગ્ય નથી, કેમ કે અજ્ઞાનતા સાથે લક્ષહીન સ્થિતિથી લગ્ન કરાય તો તે…. હંમેશાં લાકડાના જ બની રહેશે, પણ જો લગ્નના ખરા ઉદ્દેશને સમજીને પૂરા કામ સાથે જીવાય તો લગ્નનો લાડુ હંમેશાં મીઠો જ લાગે! આપણા ધર્મમાં પત્નીને સહધર્મચારિત્રી કહીને લગ્નને ખૂબ ઉચ્ચ સ્થાન આપ્યું છે. લગ્ન એટલે શું? તે હવે આપણે જોઇએ.
લગ્ન: ગૃહસ્થાશ્રમની શરૂઆત
સમાજનાં પૂરા કામો વ્યવસ્થિત રીતે થાય તે માટે શાસ્ત્રોએ વર્ણવ્યવસ્થા આપી. આ જ રીતે વ્યક્તિના જીવનનું ધ્યેય પૂર્ણ રીતે સચવાય તે માટે ચાર આશ્રમની વ્યવસ્થા પણ આપી. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ ચાર આશ્રમમાંથી ગૃહસ્થાશ્રમનું પ્રવેશદ્વાર એટલે જ લગ્ન. કહેવાય છે કે ‘લગ્ન કરવા એટલે પ્રભુતામાં પગલાં માંડવાં.’ આ ખરેખર સત્ય જ છે, કેમ કે પરમશક્તિને પામવાની શરૂઆત અહીંથી જ થાય છે. બ્રહ્મમાંથી જ આત્મા ના ટુકડા થઇ સ્ત્રી અને પુરુષ એમ બેના સર્જન થયેલા છે, જે ભલે બે અલગ અલગ લાગે છે છતાં બન્ને એકબીજાના છે. માટે બન્ને પૂર્ણ રીતે એકાકાર થાય ત્યારે જ ફરી બ્રહ્મને પામે છે. શાસ્ત્રોમાં આ જ વાત કહેલી છે કે શિવ અને શક્તિ કોઈ અલગ નથી. એક વસ્તુનાં બે નામ છે આજનું વિજ્ઞાન પણ આ વાત સાબિત કરે છે કે પદાર્થ અને શક્તિ (ઊર્જા) એ કોઈ અલગ અલગ નથી માત્ર એક જ વસ્તુના અલગ સ્વરૂપ માત્ર જ છે!
બે પૂરક આત્માના મિલન માટે તન તો માત્ર માધ્યમ છે એટલે જ મન અને આત્માની જાણકારી વગર લગ્નની કોઈ સાર્થકતા જળવાતી નથી. આ માટે જ જન્મનાં વર્ષથી લઈ ૨૫ વર્ષ સુધીના બ્રહ્મચર્યાશ્રમમાં મનુષ્યને પોતે કોણ છે? ક્યાંથી આવ્યો છે? આત્મા શું છે? બ્રહ્મ શું છે? તે જાણકારી અપાતી હતી. આ ઉપરાંત મનની વિશિષ્ટ શક્તિ ખીલવીને કઠણમાં કઠણ વિદ્યાઓ શિખડાવવામાં આવતી હતી, કારણ કે આ કાળમાં જ બાળકોની યાદશક્તિ, ગ્રહણશક્તિ અને શારીરિકબળ એકદમ તેજ હોય છે. આમ, મન અને આત્માનું જ્ઞાન મેળવીને પછી જ ૨૫માં વર્ષ લગ્નનો વિચાર કરવામાં આવતો હતો. આજે ફ્કત ભૌતિક, શરીર અને કારકિર્દીલક્ષી વિદ્યાઓ શીખવીને યુવાનને સીધો ગૃહસ્થાશ્રમમાં ધકેલી દેવાય છે. એટલે તે લોકો માટે લગ્ન એટલે શરીરનું જોડાણ એટલી જ વ્યાખ્યા હોય છે. મન અને આત્મા જેવા શબ્દો હાસ્યાસ્પદ લાગે છે કારણ કે પ્રથમ ૨૫ વર્ષમાં આ બાબતોનું કોઈ શિક્ષણ મળતું નથી. માત્ર શરીરનું જોડાણ લગ્ન વગર પણ શક્ય છે. એમ સમજીને હમણાંનો યુવાવર્ગ લગ્ન સંસ્થાની અવગણના પણ કરવા લાગ્યો છે. લગ્ન જો તનનું જ મિલન બની રહે તો તે માત્ર તકલાદી મિશ્રણ જ કહેવાય, મજબૂત સંયોજન નહીં. જેમ પાણી અને મીઠાનું મિશ્રણ કે જેમાં મીઠું પોતાનો ખારો સ્વભાવ છોડતું નથી અને પાણી પોતાનો પ્રવાહી સ્વભાવ છોડતું નથી. આવા મિશ્રણને છૂટા પણ જલદી પાડી શકાય છે, પણ જો બે પદાર્થ સંયોજાય ત્યારે બન્ને પોતપોતાના મળૂ સ્વભાવ છોડી દઈ એક નવા જ પદાર્થમાં રૂપાંતર થાય છે, જેમ કે મીઠામાં સોડિયમ અને ક્લોરિન નામના બે તત્ત્વનું સંયોજન છે. ેકલો ક્લોરિન ઝેરી વાયુ છે, જ્યારે એકલું સોડિયમ હવામાં સળગી ઊઠે તેવો ઘન પદાર્થ છે, પરંતુ બેઉનું સંયોજન બને ત્યારે બેઉ પોતાના સ્વભાવ છોડી દે છે અને ખાવાલાયક મીઠું બની જાય છે. આવા સંયોજનને છૂટા પાડવાનું સહેલું નથી. આમ, લગ્ન એટલે સંયોજન હોવું તે, મિશ્રણ હોવું તે નહીં, લગ્નમાં બે શરીર પોતાનો અહમ્ છોડી દઈ મન અને આત્માનું પણ એક્ય સાધે ત્યારે સંયોજન બને છે. આવું લગ્નજીવન જ ફાયદાકારક છે અને પૂરા સમાજને પણ ઉપકારક બની રહે છે. આજે લગ્નક્રિયા એ ત્યાંગીને સંયોજાવાની નહીં, પણ મેળવીને મિશ્રણ થવા જેવી ઘટના બની છે. કશુંક ખોઈને સંયોજન પામવાની વૃત્તિ નથી. લગ્નમાં કશુંક મેળવવાની જ અપેક્ષા હોય છે. ખોવાની તૈયારી રાખીને, પછી કશુંક મળે તો ખુશ થવાય, પરંતુ મેળવવાની જ માત્ર અપેક્ષા રાખો અને ન મળે તો દુ:ખી થવાય અને આવા મિશ્રણવાળાં તકલાદી લગ્ન ભાંગી પડે તો કોઈ નવાઈ ન કહેવાય!
જેમ સોડિયમ અને ક્લોરિન જેવાં અસ્થાયી તત્ત્વો સંયોજાયને સ્થિરતા પ્રાપ્ત કરે છે અને તે બીજા પદાર્થ સાથે જલદી સંયોજાતો નથી. આ જ રીતે અપૂર્ણ પુરુષ અને અપૂર્ણ સ્ત્રી લગ્ન દ્વારા સંયોજાઈ એક સ્થિરતા પ્રાપ્ત કરે છે. જે એકલા અપૂર્ણ શરીરની ઈન્દ્રિયોથી પણ ન મળે તેવી બ્રહ્મત્વને પામવામાં દ્વાર ખોલી નાખે છે. જ્યાં સુધી બ્રહ્મત્વ પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી સ્ત્રી-પુરુષોએ જન્મ, વ્યાધિ, વૃદ્ધત્વ અને મૃત્યુના ચક્રમાં ફસાતાં રહેવું પડે છે.
આ ચક્રમાંથી મુક્તિ મેળવવા લગ્ન દ્વારા ઐક્ય સાધવું જરૂરી છે. આમ, લગ્ન આજના યુવા વર્ગને બંધન જેવું લાગતું હોવા છતાં તે આખરે મુક્તિદાયક બની રહે છે.