અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
આપણે ત્યાં અધ્યાત્મસાધનામાં કહેવાયું છે કે -‘માલમી,મુરશીદ,માર્ગદર્શક,સદ્ગુરુ સાધનભક્તિની કેડી બતાવે,રસ્તો બતાવે, એ માટેનાં વિધિવિધાન-ક્રિયાકાંડ બતાવે, એ રસ્તામાં આવનારા અવરોધ- આપદાઓ- અડચણો વિશે સચેત કરે પણ આખરે ચાલવાનું તો હોય શિષ્ય-સાધકે પોતે. એ માર્ગની કઠિનાઈઓ,અડચણોનો સામનો તો એમણે પોતે જ સ્વયં , જાતે જ કરવાનો હોય. કોઈ ગુરુ પોતાના ખભા પર બેસાડીને પોતાના શિષ્યને સર્વોચ્ચ શિખર પર પહોંચાડતો નથી.
હા, એ પણ એટલું જ સાચું છે કે જે નિસરણીએ આપણને અગાસી પર પહોંચાડીને આકાશદર્શન કરાવ્યું હોય એને અગાસી પર પહોંચ્યા પછી આપણા પોતાના ખભા પર ઉપાડીને અગાશીમાં આંટા મારવાના ન હોય પણ એના એક એક પગથિયાંને તો જીવતરના અંત સુધી જરૂર,પૂરા આદરથી પોતાની સ્મૃતિમાં રાખવાનાં જ હોય. આજના સમયની સૌથી મોટી સમસ્યા એ છે કે કેટલાક શિષ્યો અગાશીમાં પણ નિસરણી ખભે ઉપાડીને ફર્યા કરે છે તો કેટલાક શિષ્યો પોતાને સર્વોચ્ચ શિખર સુધી પહોંચાડવામાં નિમિત્ત બની હતી તે નિસરણીને જ ભૂલી જાય છે અને પોતાની મૂળ ગુરુપરંપરાએ જાળવેલી પોતાના સંપ્રદાયના સ્થાપકની માન્યતાઓ, એમના સેવ્ય-આરાધ્ય-ઉપાસ્ય દેવી દેવતાઓ,વિધિવિધાનો ઉપર ચોકડી મારીને, પોતાની વ્યક્તિગત માન્યતાઓને ઉચિત ઠેરવવા માટે – એક ચોક્ક્સ આયોજિત વ્યક્તિપૂજાની વિચારસરણીનો પ્રચાર-પ્રસાર કરવાના ધ્યેય સાથે મૂળની પરંપરાનો વિચ્છેદ કરવાનો ઉદ્યમ જ સતત કર્યા કરે છે. એટલા માટે તો આજે લગભગ તમામ ધર્મ-પંથ-સંપ્રદાયોના મૂળ ધર્મગ્રંથોમાં અનેક પ્રકારના મનઘડંત ફેરફારો થયેલા જોવા મળે છે. બનાવટી ઈતિહાસો લખાવવામાં આવે છે,
નવી પેઢીનો મૂળ પરંપરા સાથેનો વિચ્છેદ તથા સેંકડો વરસોથી જીવંત સરવાણી રૂપે વહેતી આવેલી ભારતીય સંસ્કૃત પરંપરા-પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સાહિત્ય પરંપરાઓ વિશેનું નવી પેઢીનું અજ્ઞાન ચિંતા પણ જન્માવે છે.
સમગ્ર સૃષ્ટિ એટલે શું? આટલું મોટું આકાશ આપણને દેખાય છે, એમાં લાખો તારા નજરે પડે છે, એમાં પૃથ્વી તો સાવ નાની સરખી છે. આ તો એક બ્રહ્માંડની વાત થઇ, આવા તો અસંખ્ય બ્રહ્માંડ, કોટિ બ્રહ્માંડની વાતો આપણા સંતોએ કરી છે. આજના વૈજ્ઞાનિકો પણ કહે છે કે આવા અસંખ્ય બ્રહ્માંડ છે, આપણી સામે તો એક જ સૂર્ય છે, જે પૃથ્વી કરતાં અનેકગણો મોટો છે અને લાખો પ્રકાશવર્ષ દૂર છે છતાં પણ એનો તાપ ઉનાળામાં ક્યારેક આપણને અત્યંત હેરાન કરી મૂકે છે તો આ અનંત સૃષ્ટિમાં રહેલા કરોડો સૂર્યોનો તાપ, એની શક્તિનો વ્યાપ કેવો હશે ? મનુષ્યની સમજ કે દ્રષ્ટિ તો અત્યંત મર્યાદિત છે એ ક્યાં સુધી પહોંચી શકેે ? એ માટે તો આપણા ૠષ્ાિ-મુનિઓએ ગુરુ તત્ત્વની વંદના કરી છે :
અખંડ મંડલાકારમ્ વ્યાપ્તમ્ યેન ચરાચરમ્,
તત્પદમ્ દર્શિતમ્ યેન, તસ્મૈ શ્રીગુરુવે નમ:
પૂર્ણ-અખંડ બ્રહ્માંડનો આકાર ધરાવનારા અને જે સમસ્ત ચરાચર જગતમાં વ્યાપ્ત છે, જેમણે પરમાત્મારૂપી પરમપદનું દર્શન કરાવ્યું છે તેવા શ્રીગુરુની હું વંદના કરૂં છું.
ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણોર્,ગુરુદેવો મહેશ્ર્વર:
ગુરુ: સાક્ષ્ાાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવે નમ:
અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાક્યા,
ચક્ષ્ાુરુન્મિલિતં યેન, તસ્મૈ શ્રીગુરુવે નમ:
ચૈતન્યં શાશ્ર્વતં શાન્તં વ્યોમાતીતં નિરંજનમ્
નાદ બિન્દુ કલાતીતં તસ્મૈ શ્રીગુરુવે નમ:
ધ્યાનમૂલં ગુરોમૂર્તિ: પૂજામૂલં ગુરો: પદમ્
મંત્રમૂલં ગુરોવાક્યં મોક્ષ્ામૂલં ગુરો: કૃપા.
જે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છતાં અનિવર્ચનીય,ગૂઢ,રહસ્ય તત્ત્વને પૂરેપૂરી રીતે પામી ચૂક્યા છે-જાણી ચૂક્યા છે,એને માણ્યું છે, પોતે સ્વયં તરીકે અનુભવ્યું છે તેવા સદ્ગુરુના ચરણોમાં અમારાં વંદન છે.
એક સંતના શિષ્યે એક્વાર કહ્યું કે -‘ ગુરુજી આપ વારંવાર કહો છો કે ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે તો મને કેમ નથી દેખાતા ? ’ એટલે પેલા સંતે શિષ્યને કહ્યું કે – ‘ એ જોવા તું સાંજે આવજે.’ શિષ્ય તો સાંજે આવ્યો. ગુરુએ એક વાસણમાં પાણી મંગાવ્યું પછી અંદર સાકરના ગાંગડા નખાવ્યા અને કહ્યું કે- ‘એને ઢાંકી દે, સવારે તું આવજે એટલે ભગવાનના દર્શન કરાવીશ.’ સવારે શિષ્ય ગુરુ મહારાજની પાસે આવ્યો, ને કહ્યું : ‘ગુરુજી આપે કહ્યું હતું ને કે ભગવાનના દર્શન કરાવીશ ..’ ત્યારે પેલા સંતે કહ્યું: ‘પહેલાં આ વાસણનું ઢાંકણું ખોલીને તારા હાથે જ આ પાણીમાં મૂકેલા સાકરના ગાંગડા મને પાછા આપ..’
શિષ્યે તો વાસણમાં બધે જ હાથ ફેરવ્યો, પણ સાકરના ગાંગડા હાથમાં આવ્યા નહીં. ત્યારે પેલા સંતે પૂછ્યું : ‘એ સાકરના ગાંગડા ક્યાં ગયા?’ ત્યારે શિષ્યે કહ્યું : ‘એ તો પાણીમાં ઓગળી ગયા, હવે હાથમાં ક્યાંથી આવે ?’ ત્યારે સંત બોલ્યા : ‘એ પાણીમાં ભળી ગયા- ઓગળી ગયા પણ પાણીમાં નથી એવું તો કહી શકાશે નહીં…’ એનો અનુભવ કરવા પાણીને ચાખવું પડે.. જેમ દૂધ ભરેલા વાસણમાં ઘી છુપાયેલું હોય પણ એને મેળવવા માટે મેળવણ નાખવું પડે, પછી રાહ જોવી પડે, દહીં થયા પછી વલોવવું પડે, માખણ તારવી લેવું પડે, પછી એ માખણને અગ્નિ પર તાવવું પડે, એ પછી જ ઘીની પ્રાપ્તિ થાય.. એમ ભગવાન આ સૃષ્ટિમાં સર્વત્ર સમગ્ર રીતે વ્યાપ્ત છે, સર્વત્ર એનું અસ્તિત્વ છે છતાં યે આપણી નજરમાં દેખાતો નથી. એને મેળવવા માટે ચોક્ક્સ પ્રકારની સાધના પ્રક્રિયામાંથી પસાર થવું પડે… સંતકવિ હરિદાસજીએ ગાયું છે ને!
આ રે અવસરીયે જેણે સદ્ગુરુ સેવ્યા,
વસ્તુ તો દેહીમાં બતાવી રે સોહાગી લાલ…
આ રે અવસરિયે…૦
ઓહંગ સોહંગ શબ્દ નાભિથી ઉઠે,
શુંન શિખર પર જાય રે સોહાગી લાલ …
જાગ્રત સ્વપ્ન સુસુપ્તિને તુરિયા,
ઉનમુનિએ ઓળખાય રે સોહાગી લાલ …
આ રે અવસરિયે…૦
પરા રે પશ્યંતિ ને વૈખરી વાણી,
મધ્યમા યે ઘાટ ઘડાય રે સોહાગી લાલ …
ઈંગળા ને પિંગળા સુષ્ાુમણા રે નાડી,
તરવેણી સંગમ હોય રે સોહાગી લાલ …
આ રે અવસરિયે…૦
અનહદ વાજાં વાગે ગગન મંડળમાં,
ઘોર શબદ રે ત્યાં થાય રે સોહાગી લાલ …
આઠે રે પહોર જેને ચઢે રે ખુમારી,
જિયાં રે જોઉં ત્યાં તેવું થાય રે સોહાગી લાલ …
આ રે અવસરિયે…૦
ઊગ્યા રે અનુભવ ત્યારે થયું રે અંજવાળું,
અજ્ઞાન તિમિર ટળી જાય રે સોહાગી લાલ …
એક્વીસ હજાર છસેં ધમણ સાથે,
જપે અજપાનો જાપ રે સોહાગી લાલ …
આ રે અવસરિયે…૦
સંત સમાગમ જેને હોય રે વહાલેરો,
વાદ વિવાદ ટળી જાય રે સોહાગી લાલ …
કહે હરિદાસ નિજ નામ જપી લ્યો,
હરિ ભજી હરિમાં સમાય રે સોહાગી લાલ …
આ રે અવસરિયે…૦