અમેરિકાના ઇન્ફ્લેશન ડેટાની ચિંતામાં બજાર અથડાઇ ગયું: નિફ્ટીએ ૧૭,૫૦૦ની સપાટી ટકાવી, સેન્સેક્સ લપસ્યો

શેરબજાર

મુંબઇ: પ્રોફિટ બુકિંગ અને અફડાતફડીમાંથી પસાર થયેલું બજાર બુધવારના સત્રમાં અથડાઇ ગયું હતું. મેટલ તથા ઓઇલ અને ગેસ સેકટરના શેરોની લેવાલીને કારણે બજારને થોડો ટેકો મળ્યો હતો પરંતુ તે આઇટી અને મેટલ શેરોના પ્રોફિટ બુકિંગ વચ્ચે ધોવાઇ ગયો હતો અને અંતે સેન્સેક્સ ૩૫.૭૮ પોઇન્ટ અથવા તો ૦.૦૬ ટકાના ઘટાડા સાથે ૫૮,૮૧૭.૨૯ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૯.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૦૬ ટકાના સુધારા સાથે ૧૭,૫૩૪.૭૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં પણ સેન્ટિમેન્ટ ઠંડુ હતું. રોકાણકારોને ચિંતા છે કે જો અમેરિકાના મજબૂત જોબ ડેટા બાદ ઇન્ફ્લેશનના ડેટા પણ જુનની જેમ જુલાઇ માટે ઊંચો રહ્યો તો ફેડરલ રિઝર્વ માટે વ્યાજદર વધારવાનો માર્ગ મોકળો થઇ જશે. ફેડરલ આગળ એવા સંકેત પણ આપી ચૂકી છે. વિશ્ર્વબજારના નબળા સંકેતને કારણે બજારમાં સાવચેતીનું માનસ હતું અને માર્કેટ એકંદર રેન્જ બાઉન્ડ જ રહ્યું હતું. વિદેશી ફંડોની લેવાલીના ટેકા છતાં અમેરિકાના ઇન્ફ્લેશનનના ડેટાની ટિંતા વચ્ચે સેન્સેક્સ નેગેટીવ ઝોનમાં લપસ્યો હતો. જોકે, નિફ્ટી બેન્ચમાર્કે સાધારણ સુધારો નોંધાવી પોઝિટિવ ઝોનમાં પ્રવેશ કર્યો હતો. બજાજ ફાઇનાન્સ ૨.૬૬ ટકાના કડાકા સાથે સેન્સેક્સના શેરોમાં ટોપ લૂઝર શેર બન્યો હતો જ્યારે એનટીપીસી, એચસીએલ ટેકનો, વિપ્રો, એશિયન પેઇન્ટ, અલ્ટ્રા સિમેન્ટ અને સ્ટેટ બેન્ક પણ ગબડનારા શેરોની યાદીમાં ટોચ પર હતા. જ્યારે ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, લાર્સન એન્ડ ટૂબ્રો અને ઇન્ડ બેન્ક ટોપ ગેઇનર રહ્યાં હતાં. હાઉસિંગ ક્ષેત્રની સૌથી મોટી કંપની એચડીએફસીને તેની સબ્સિડરી એચડીએફસી બેન્ક સાથે મર્જર માટે નેશનલ હાઉસિંગ બેન્ક (એનએચબી)ની મંજૂરી મળી ગઇ છે. સાન્ડુ ફાર્માસ્યુટિકલ્સે પ્રોડક્ટ એક્સપાન્શન અંતર્ગત બાળકો માટે આયુર્વેદિક પાચન અને રોગપ્રતિકારક શક્તિવર્ધક સાન્ડુ કુમારવીન બજારમાં મૂક્યું છે. આ પ્રોડક્ટનો ઉપયોગ બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને વારંવાર થતી ઉધરસ અને શરદીની સારવાર માટે ઉપય્કુત હોવાનો કંપનીનો દાવો છે. બિરલાસોફ્ટ લિમિટેડે શેરદીઠ રૂ.૫૦૦ના ભાવે બાય બેક કરવાની ઓફર કરી છે. આ બાય બેક ઓફર ૨૬ ઓગસ્ટે બંધ થશે. નિયોજેન કેમિકલ્સ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. ૧૪૭.૯ કરોડની રેવેન્યૂ નોંધાવી છે, જે ૭૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. વેરા પછીનો નફો નાણાકીય વર્ષ ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. ૭.૪ કરોડની તુલનામાં ત્રિમાસિક દરમિયાન રૂ. ૧૧.૧ કરોડ રહ્યો હતો. ત્રિમાસિકમાં શેરદીઠ કમાણી શેરદીઠ રૂ. ૪.૪૩ રહી હતી. ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં શેર દીઠ રૂ. ૩.૧૫ હતી. કંપની ભારતની બ્રોમાઇન આધારિત અને લિથિયમ આધારિત સ્પેશિયાલિટી કેમિકલ્સના અગ્રણી ઉત્પાદકોમાંથી એક છે. એમઆરએફ લિમિટેડે જૂન ક્વાર્ટરમાં ૨૫.૩૫ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૨૩.૬૦ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીની રેવન્યૂ રૂ. ૪૧૮૩.૯૬ કરોડની સામે રૂ. ૫૬૯૫.૯૩ કરોડ નોંધાઇ હતી. ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ટાઇગર ગ્લોબલે ઝોમેટોમાંથી તેના ૧૮.૪૫ કરોડ શેર અથવા ૨.૩૪ ટકા હિસ્સો ઓપન માર્કેટમાં વેચ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરો નબળાઈ જોવ મળી હતી. મિડકેપ ઈન્ડેક્સ ૦.૧૩ ટકા ઘટીને બંધ થયો હતો, જોકે, નિફ્ટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્સમાં ૦.૧૬ ટકાનો સુધારો હતો. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૦ ટકા ગબડ્યો હતો. એફએમસીજી, આઈટી, પીએસયુ બેન્ક, રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ ૦.૧૯-૦.૮૯ ટકા સુધી ખરીદારીનું વલણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી ૦.૧૩ ટકાના વધારાની સાથે ૩૮,૨૮૭.૮૫ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને હેલ્થકેર શેરોમાં તેજી જોવા મળી. અગ્રણી શેરોમાં બજાજ ફાઈનાન્સ, ઓએનજીસી, એચસીએલ ટેક, અદાણી પોર્ટ્સ, એશિયન પેંટ્સ, એસબીઆઈ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૨૪-૨.૬૦ ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે હિંડાલ્કો, કોલ ઈન્ડિયા, યુપીએલ, ટાટા સ્ટીલ, અપોલો હોસ્પિટલ, ટાટા મોટર્સ અને ભારતી એરટેલ ૧.૫૩-૪.૪૪ ટકા સુધી વધીને બંધ થયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.