રિલાયન્સના પરિણામથી બજાર અસંતુષ્ટ? ઇન્ડેક્સ હેવીવેઇટ શેર તૂટવા સાથે સેન્સેકસને પણ લાગ્યો ધક્કો

શેરબજાર

મુંબઇ: રોકાણકારો રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામથી અસંતુષ્ટ હોવાનો અણસાર સોમવારની શેરબજારની હલચલ પરથી પ્રતિત થઇ રહ્યો છે. કંપનીના પરિણામ રોકાણકારોને પ્રોત્સાહિત ન કરી શક્યા હોય એ રીતે સવારના સત્રમાં જ તેના શેરમાં ચારેક ટકાનો કડાકો જોવા મળ્યો હતો.
કંપનીએ શુક્રવારે ચોખ્ખા નફામાં ૪૬ ટકાનો વધારો નોંધાવ્યો હતો. અનુક્રમિત ધોરણે ચોખ્ખા નફામાં ૧૧ ટકાનો વધારો થયો છે, જોકે બજારની ચર્ચા અનુસાર વિશ્ર્લેષકો માને છે કે રશિયન ક્રૂડના મસમોટા ડિસ્કાઉન્ટ અને ઇંધણના ઊંચા માર્જિનને જોતાં નફાનો આંકડો ઊંચો હોવો જોઇતો હતો.
ઇન્ડેક્સ હેવીવેઇટ શેર તૂટવા સાથે સેન્સેકસને પણ ધક્કો લાગ્યો હતો. સવારના સત્રમાં રિલાયન્સનો શેર ૩.૯૫ ટકા તૂટીને રૂ. ૨૪૦૪ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે એનએસઇ પર ૩.૯૮ ટકા તૂટીને રૂ. ૨૪૦૩.૩૫ બોલાયો હતો.
સત્રના અંત સુધીમાં નીચા સપાટીએ લેવાલીનો થોડો ટેકો મળતા રિલાયન્સનો શેર સહેજ સુધરીને બીએસઇ પર અંતે ૩.૩૧ ટકાના ઘટાડા સાથે રૂ. ૨૪૨૦.૧૫ની સપાટીએ સ્થિર થયો હતો.
આ શેર ઇન્ડેક્સ હેવીવેઇટ હોવાને કારણે શેરબજારના બેન્ચમાર્કને પણ તેના તૂટવાથી ધક્કો લાગ્યો હતો. સવારના સત્રમાં આ શેરના ગબડવાને કારણે સેન્સેક્સમાં ૪૦૦.૮૪ પોઇન્ટનું ગાબડું જોવા મળ્યું હતું અને અંતે તે પણ સહેજ ઊંચી સપાટીએ પાછો ફરી ૩૦૬.૦૧ પોઇન્ટના ઘટાડે ૫૫,૭૬૬.૨૨ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.