માર્કેટ કેપ ઓલટાઇમ હાઇ, શું નિફ્ટી આજે ૧૮,૦૦૦ની મટકી ફોડવામાં સફળ થશે?

શેરબજાર

(વાણિજ્ય પ્રતનિધિ તરફથી)
મુંબઇ: સતત પાંચમા દિવસે સેન્સેક્સે તો સાધારણ આહેકૂચ નોંધાવી પરંતુ બીએસઇનું માર્કેટ કેપ રૂ. ૨૮૦.૫૨ લાખ કરોડની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યું હતું. વિશ્ર્વબજારના નેગેટીવ સંકેતને કારણે નીચા મથાળે ખૂલ્યા બાદ અફડાતફડીમાંથી પસાર થઇને બેન્ચમાર્ક સતત પાંચમા સત્રમાં પોઝિટીવ ઝોનમાં આગળ વધવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી જોકે ૧૮,૦૦૦ની લગોલગ હોવા છતાં તેને પાર કરી શક્યો નહોતો. હવે જોવાનું એ રહે છે કે શું નિફ્ટી આજે સપ્તાહના અંતિમ સત્રમાં ૧૮,૦૦૦ની મટકી ફોડવામાં સફળ થશે? અમેરિકાની ફેડરલ રિઝર્વની મિનિટ્સમાં સહેજ પ્રતિકૂળ સંકેત મળવાથી વિશ્ર્વબજારનું હવામાન ડહોળાઇ ગયું હતું. ફેડરલે એવા સંકેત આપ્યા હતા કે તે વ્યાજદર વધારવાનું ચાલુ રાખી શકે છે. ફેડરલે દરના તીવ્રતા કે ગતિ અંગે કોઇ સ્પષ્ટ ખૂલાસો કર્યો હોવાથી વિશ્ર્વબજારો ગબડ્યા હતા. અમેરિકા તથા એશિયાઇ બજારોની પીછેહઠ સાથે સ્થાનિક બજારની શરૂઆત નરમ ટોન સાથે થઇ હતી. જોકે, અંતિમ તબક્કે ભારતીય અર્થતંત્ર માટે મોર્ગન સ્ટેનલીના સકારાત્મક આગાહીને પગલે સેન્ટિમેન્ટ સુધરવા સાથે ઇન્ડેક્સના શેરોમાં લેવાલીનો ટેકો મળવાથી બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં પાછો ફર્યો હતો.
શેરબજારમાં સત્રના અંતિમ તબક્કામાં ભારે અફડાતફડી જોવા મળી હતી. લેણ અને વેચાણના ઉપરાછાપરી સોદા વચ્ચે ગણતરીની મિનિટોમાં સેન્સેક્સમાં મોટી વધઘટ જોવા મળી હતી. જોકે, મહત્ત્વની વાત એ રહી હતી કે બેન્ચમાર્કે આગેકૂચ જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. સત્ર બંધ થવાને થોડી જ મિનિટ બાકી હતી ત્યારે સેન્સેક્સ નીચી સપાટીથી પોઝિટીવ સપાટી તરફ આગળ વધ્યો હતો અને આઠ પોઇન્ટના સુધારા સામે અમુક જ મિનિટમાં ૭૫ પોઇન્ટ સુધી સડસડાટ આગળ વધીને અંતે ૩૭ પોઇન્ટના સુધારા સાથે સ્થિર થયો હતો. સેન્સેક્સ ૬૦,૨૬૦.૧૩ના પાછલા બંધ સામે ૫૯,૯૪૬.૪૪ પોઇન્ટની નીચી અને ૬૦,૩૪૧.૪૧ પોઇન્ટની ઊંચટી સપાટીને અથડાનિે અંતે ૩૭.૮૭ પોઇન્ટ અથવા તો ૦.૦૬ ટકાના સુધારા સાથે ૬૦,૨૯૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
ભારતીય શેરબજારમાં સતત પાંચમા દિવસે આગેકૂચ તો જળવાઇ હતી, પરંતુ નિફ્ટી ૧૮,૦૦૦ પોઇન્ટની સપાટીથી ખૂબ નજીક પહોંચવા છતાં સમગ્ર સત્ર દરમિયાન આ સ્તરને સ્પર્શવામાં પણ નિષ્ફળ રહ્યો હતો. નિષ્ણાતો માને છે કે ટેક્નિકલ ધોરણે તેજીને આગળ વધારવા માટે નિફ્ટીએ આ સ્તર પાર કરવું અનિવાર્ય છે. જોકે, સાથે વિશ્ર્લેષકો એમ પણ કહી રહ્યાં છે કે નિફ્ટીએ ૧૭,૮૦૦ પોઇન્ટનું સ્તર તોડ્યું નથી એ પણ મહત્ત્વની બાબત છે અને એ સ્તર ટકેલું છે ત્યાં સુધી આશાવાદ પણ ટકેલો છે. નિફ્ટી સત્ર દરમિયાન છેક ૧૭,૯૬૮.૪૫ પોઇન્ટની ઊંચી સપાટી સુધી ગયો હતો. જોકે, ૧૭,૮૫૨.૦૫ પોઇન્ટની નીચી સપાટીને પણ આથડાયો હતો અને અંતે ૧૨.૨૫ પોઇન્ટ અથડાવો ૦.૦૭ ટકાના સુધારા સાથે ૧૭,૯૫૬.૫૦ની સપાટીએ સ્થિર થયો હતો.
સેન્સેક્સના શેરોમાં કોટક મહિન્દ્રા બેન્ક, લાર્સન એન્ડ ટૂબ્રો, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવરગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, સ્ટેટ બેન્ક અને આઇટીસી ટોપ ગેઇનર રહ્યાં હતા. જ્યારે ડો. રેડ્ડૂઝ લેબ, વિપ્રો, ઇન્ફોસિસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેન્ક અને નેસ્લે ટોપ લૂઝર રહ્યાં હતાં. અમેરિકાની ફેડરલ રિઝર્વે મિશ્ર અથવા તો નકારાત્મક કહી શકાય એવા સંકેત આપ્યા બાદ વિશ્ર્વબજારમાં એકંદર નરમાઇનો મહોલ રહ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.