મુંબઈઃ રાજ્યના રેસિડન્ટ ડોક્ટર પોતાની વિલંબિત માગણીઓ મુદ્દે સોમવારે હડતાળ પર ઉતર્યા હતા, જેમાં મંગળવારે રાતના ડોક્ટરો સાથે રાજ્ય સરકારના અધિકારીઓની મધ્યસ્થી બાદ હડતાળને પાછી ખેંચી લેતા સરકારે રાહતનો શ્વાસ લીધો હતો. સોમવારથી લઈને મંગળવારે સાંજ સુધી હડતાળને કારણે સમગ્ર રાજ્યની આરોગ્યવ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી, જેમાં બીજા દિવસ સવારના પણ હડતાળ ચાલુ રાખતા દર્દીઓને મુશ્કેલી પડી હતી. મુંબઈના 2 હજાર ડોક્ટર સહિત રાજ્ય ભરના 6 હજાર ડોક્ટર આંદોલનમાં સહભાગી થયા હતા. હડતાળને કારણે ઓપીડી અને ઓપરેશન્સ પર અસર જોવા મળી રહી છે. ઓપરેશન્સ પોસ્ટપોન કરવામાં આવ્યા છે અને માત્ર આવશ્યક સુવિધા જ પૂરી પાડવામાં આવી રહી છે. જો મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડન્ટ ડોક્ટર (માર્ડ)નું આ આંદોલન લાંબું ચાલશે તો આરોગ્યવ્યવસ્થા પડી ભાંગશે, એવો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.
ડોક્ટરો પોતાની લાંબા સમયથી વિલંબીત માગણીઓ પૂરી કરવા માટે કામ બંધ આંદોલનનો ઈશારો ચાર દિવસ પહેલાં જ આપ્યો હતો, પણ તેમ છતાં પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની હિલચાલ કરવામાં આવી નહીં. કાલથી ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હોવા છતાં પ્રશાસને ચર્ચા માટે ન બોલાવ્યા હોવાથી આ આંદોલન ચાલુ જ રહેશે, એવું માર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.