મુંબઈ: મહાનગરપાલિકાની હદમાં આવેલી દુકાનો અને સંસ્થાનોનાં બોર્ડ મરાઠીમાં ન હોય તો પણ આગામી સુનાવણી સુધી એટલે કે ૧૮મી ડિસેમ્બર સુધી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપતા મુંબઈના વેપારીઓને રાહત થઈ છે.
આ વચગાળાની રાહતને પાત્ર સભ્યોની યાદી સુપરત કરવાનો ખંડપીઠે અરજકર્તાને આદેશ આપ્યો હતો.
અરજકર્તા વતી કોર્ટમાં ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે એક અઠવાડિયામાં આ યાદી કોર્ટને સુપરત કરવાની બાંયધરી આપી હતી.
અગાઉ, મહાનગરપાલિકાની હદમાં આવેલી તમામ દુકાન અને સંસ્થાનોનાં બોર્ડ મરાઠીમાં લખવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. મહાવિકાસ આઘાડી સરકારના શાસનકાળ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ તમામ દુકાનોનાં બોર્ડ ફરજિયાત મરાઠીમાં રાખવાનો નિર્ણય લીધો હતો. પાલિકાના આ નિર્ણયને ફેડરેશન ઑફ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
વેપારી સંગઠનોએ પાલિકા પાસે મુદત માગી હતી, જેને પગલે પાલિકાએ દુકાન માલિકોને આ માટે ત્રણ મહિનાની મુદત આપી હતી. આ સમયગાળા દરમિયાન ફેડરેશને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી પાલિકાની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
આ મામલે આગામી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી ફેડરેશન ઑફ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિયેશન (એફઆરટીડબ્લ્યુએ)ના સભ્યો વિરુદ્ધ બીએમસી/એમસીજી કાર્યવાહી નહીં કરી શકે એમ જણાવી સુપ્રીમ કોર્ટે એફઆરટીડબ્લ્યુએના તમામ સભ્યોને ૧૮ ડિસેમ્બર એટલે કે આગામી સુનાવણી સુધી જૈસેથેની સ્થિતિ જાળવી રાખવા જણાવ્યું હતું.
દુકાનનું બોર્ડ મરાઠીમાં નહીં હોય તો પણ દુકાનદાર વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નહીં શકાય.
દરમિયાન, તમામ વેપારી સંગઠનોએ કોર્ટના આ નિર્ણય અંગે આનંદ વ્યક્ત કરી તેને વધાવી લીધો હતો.
આ કેસની સુનાવણી ન્યાયાધીશ કે. એમ. જોસેફ, ન્યાયાધીશ હૃષીકેશ રોયની બનેલી ખંડપીઠે કરી હતી.
વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણ અને (એઓઆર) મોહિની પ્રિયાએ ફેડરેશન વતી કોર્ટમાં દલીલ કરી હોવાનું ફેડરેશને જણાવ્યું હતું.