મુંબઈઃ ફિલ્મ, સિરીયલ અને નાટક એમ ત્રણેય ક્ષેત્રે પોતાના અભિનયથી દર્શકોનું મનોરંજન કરનારા કલાકાર સુનિલ હોલકરનું આજે નિધન થયું હતું. તેમના નિધનથી મરાઠી મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફરી વળી છે.
સુનિલને લિવર સોરાયસિસ નામની બીમારીથી પીડાતા હતા. સારવાર બાદ પણ તેમની તબિયત સુધરી નહોતી. સુનિલને લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેમણે નિભાવેલી ભૂમિકા માટે ઓળખે છે. આ સિવાય તેમણે મોર્યા, ગોષ્ટ એકા પૈઠણીચી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. સુનિલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિવાય મેડમ સર, મિ. યોગી જેવી અનેક ટીવી સિરીયલ અને વેબસિરીઝ ભુતાટલેલામાં અભિનયના ઓજસ પાથરીને દર્શકોના દિલ પર રાજ કર્યું હતું. અશોક હાંડેના ચૌરંગ નાટ્ય સંસ્થામાં સુનિલે વર્ષો સુધી કામ કર્યું હતું.
લોકો સુનિલને એક શ્રેષ્ઠ અભિનેતા તરીકે ઓળખતા હતા. 15 વર્ષની તેમની કારકિર્દીમાં તેમણે નિભાવેલા કેરેક્ટર આજે પણ દર્શકોના મન પર તાજા છે. તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અનેક કલાકારો તેમના નિધન અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.