મરાઠા નેતા વિનાયક મેટેનું કાર અકસ્માતમાં નિધન

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. મેટે પોતાની SUV કારમાં મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પરથી મુંબઈ તરફ આવી રહ્યા હતા, તે સમયે આ અકસ્માત થયો હતો.
મળતી માહિતી મુજબ એક્સપ્રેસ વે પર ટનલ પાસે એક વાહને તેમની કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મેટેની કારની ડાબી બાજુનો ભાગ તૂટી ગયો હતો. મેટેની કારની હાલત જોઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે અકસ્માત ઘણો ગંભીર હતો. તેમને ગંભીર હાલતમાં નવી મુંબઈના કામોથે ખાતેની એમજીએમ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેટેને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને આઈસીયુમાં સારવાર આપવામાં આવી હતી. સારવાર દરમ્યાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મેટેના સાથી એકનાથ કદમ પણ ઘટના સમયે તેમની સાથે હતા. કદમે પોલીસ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘અમે બીડથી મુંબઈ આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.’ અમને ટ્રકે ટક્કર મારી હતી. તેમણે એમ પણ કહ્યું કે અકસ્માત બાદ એક કલાક સુધી અમને મદદ મળી નહોતી. તેમણે 100 નંબર પર પણ ફોન કર્યો હતો, પરંતુ કોઇએ ફોન ઉઠાવ્યો નહોતો. તેમણે આજુબાજુથી પસાર થઇ રહેલી કારોને પણ મદદ માટે વિનંતી કરી હતી, પરંતુ અકસ્માત બાદ એક કલાક સુધી કોઇએ તેમને મદદ કરી નહોતી. ત્યાર બાદ એક ડ્રાઇવરે કાર રોકી અને એમને મદદ કરી અને એમ્બ્યુલન્સમાં મેટેને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કદમને સામાન્ય ઈજા થઈ છે.
વિનાયક મેટે શિવસંગ્રામ પાર્ટીના નેતા હતા.
મેટે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ માટેના આંદોલનમાં અગ્રણી નેતા હતા.
મેટે અવારનવાર મરાઠા આરક્ષણનો મુદ્દો ઉઠાવતા હતા.
તેઓ અરબી સમુદ્રમાં બનનારા શિવ સ્મારક સમિતિના અધ્યક્ષ પણ હતા.
બીડ જિલ્લાના કેજ તાલુકાના રાજેગાંવના રહેવાસી મેટે શિવસેના-ભાજપ ગઠબંધન સરકાર દરમિયાન ધારાસભ્ય હતા. તેઓ સતત પાંચ ટર્મ માટે વિધાન પરિષદના સભ્ય રહ્યા હતા.

ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

મહારાષ્ટ્રના વિધાન પરિષદ (MLC)ના ભૂતપૂર્વ સભ્ય મેટેના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.
મેટેના નિધન પર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, એનસીપીના સાંસદ અને શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે, રાજ્યના મંત્રી ચંદ્રકાંત પાટીલ, કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ સહિત અનેક રાજકારણીઓએ શોક વ્યક્ત કર્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.