.રંગીન ઝમાને -હકીમ રંગવાલા
ઈન્સાન કી કિસ્મત અચ્છી હો યે ઉપરવાલે કે હાથમે હૈ, પર ઈન્સાન કી સેહત અચ્છી હો વોહ જયાદાતર ખુદ ઈન્સાન કે હાથ મેં હૈ! મૈને શરાબ પી પી કર અપની સેહત કો ઇતના ખરાબ કર દિયા હૈ કી મેરી અચ્છી કિસ્મત ભી મેરે લિયે કુછ કર ન શકી!
ઈસ દુનિયા મેં દો હી ચીજે ઐસી હૈ ઉસકી કદર જ્યાદાતર ઉસ વક્ત હોતી હૈ જબ વોહ નહિ રહેતી, એક તો મા-બાપ ઔર દુસરી અપની સેહત!
આ શબ્દો હિન્દી ફિલ્મજગતના ધુરંધર ફિલ્મસર્જક રાજ ખોસલા એ એક ટી.વી મુલાકાતમાં ઉચ્ચારેલા છે. રાજ ખોસલાને ખરેખર તો સંગીતનો શોખ હતો અને તેઓ શાસ્ત્રીય સંગીતની તાલીમ પામેલા હતા. એ તાલીમને આધારે એમને મુંબઈમાં ઓલ ઇન્ડિયા રેડિયોમાં સંગીત વિભાગમાં નોકરી મળી ગઈ અને હિન્દી ફિલ્મજગતમાં સંગીતકાર કે ગાયક તરીકે પ્રવેશ કરવા રાજ ખોસલા મહેનત કરતા હતા. એ દરમિયાન દેવ આનંદ સાથે ખાસ દોસ્તી થઈ ગઈ અને દેવ આનંદે સલાહ આપી કે સંગીતને બદલે ફિલ્મના દિગ્દર્શન પર તમે ધ્યાન આપો. અને આ સલાહને આધારે રાજ ખોસલાએ ‘મિલાપ’ નામની ફિલ્મનું દિગ્દર્શન કર્યું ૧૯૫૪માં, પણ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ! દેવ આનંદની ભલામણથી મહાન ફિલ્મસર્જક ગુરુદતે રાજ ખોસલાને પોતાના આસિસ્ટન્ટ તરીકે રાખી લીધા અને એમની મહેનત, ધગશ જોઈને ગુરુદત્ત ખુશ થયા અને પોતાની ફિલ્મ સી.આઈ.ડીનું દિગ્દર્શન કરવાની તક આપી ૧૯૫૬માં અને આ ફિલ્મથી જ વહીદા રહેમાને હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મ સુપરહિટ થઈ! એ પછી ૧૯૮૦ની સુપરહિટ ‘દોસ્તાના’સુધી રાજ ખોસલાને પાછું વળીને જોવું નહોતું પડ્યું! ૧૯૮૦ પછી સતત નિષ્ફળતા મળતા શરાબના શરણમાં ડૂબી ગયેલા રાજ ખોસલાએ ઉપર લખેલા શબ્દો પોતાના મુખે જ કહ્યા!
૧૯૫૦ના દસકથી ફિલ્મ ક્ષેત્રે કાર્યરત અને ૧૯૮૦ના દસક સુધી ટોપ ડિરેકટર રાજ ખોસલાની અફલાતૂન ફિલ્મ “મેરા ગાવ મેરા દેશ.
સી આઈ ડી, કાલાપાની, બમ્બઇ કા બાબુ, વોહ કોન થી, મેરા સાયા, દો બદન,દો ચોર,દો રાસ્તે, પ્રેમ કહાની, નહેલે પે દેહલા, કચ્ચે ધાગે, મેં તુલસી તેરે આંગન કી, દો પ્રેમી અને ૧૯૮૦માં દોસ્તાના જેવી સુપરહિટ ફિલ્મો બનાવનાર રાજ ખોસલા ૮૦ પછી એમનો આગવો ટચ ગુમાવી બેઠા.
આ ફિલ્મ ૧૯૭૨ની છે અને બેસ્ટ ઓફ ધ બેસ્ટ ફિલ્મ છે.ધર્મેન્દ્રને એક જ ફિલ્મમાં બેસ્ટ એક્ટરનું નોમિનેશન મળ્યું હતું!આશા પારેખ,લક્ષ્મી છાયા,જયંત અને ડાકુ જબ્બર સિંહની અવિસ્મરણીય ભૂમિકા વિનોદખન્નાએ ભજવી છે.પહેલી એન્ટ્રી વખતે નદી કિનારે લાંબા થઈને ઊંધા સૂઇને ડાયરેકટ મોઢું નદીમાં નાખીને જનાવરોની જેમ જીભથી પાણી પીતો ડાકુ જબ્બર સિંહ અદભુત પ્રભાવ દર્શકો પર પાથરે છે જે છેલ્લા સીન સુધી જળવાઈ છે..
તુમ્હે માલુમ નહીં હરિયા મેરા સાથી હૈ ?
જબ્બર સિંહ
જબ્બરસિંહને દો હી બાત શીખી હૈ ઈક મૌકે કા ફાયદા ઉઠાના ઔર દુશ્મનો કા નામોનિશાન મીટા દેના
જબ્બરસિંહ
આનંદ બક્ષીનાં ગીતો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.કુલ પાંચ ગીતો અને દરેક ગીત સુપરહિટ.૧.કુછ કહેતા હે યે સાવન.૨.આયા આયા અટરીયા પે કોઈ ચોર ૩.સોના લઈ જા રે ૪.અપની પ્રેમ કહાનીયા ૫.માર દિયા જાય યા છોડ દિયા જાય
દરેક ગીતો સાથે ફિલ્મ વધુ જમાવટ કરે છે અને બે ગીતો તો ફિલ્મની વાર્તાને આગળ વધારે છે એક ‘અપની પ્રેમ કહાનીયા’ અને બીજું ‘માર દિયા જાય યા છોડ દિયા જાય’ આશા પારેખ હિરોઇન છે આ ફિલ્મમાં પણ ફિલ્મના પાંચમાંથી ત્રણ ગીતોનું ફિલ્માંકન લક્ષ્મી છાયા પર કરવામાં આવ્યું છે. એ વખતે આ ફિલ્મ જોનાર રસિક દર્શકો વિનોદ ખન્ના જ્યારે ધર્મેન્દ્રને પોતાના ઘોડા પર બેઠા બેઠા પટ્ટાથી માર મારે છે એ પટ્ટાના ફટકાઓ ગણતા હતા થિયેટરમાં મોટેથી બોલીને. અને અંતમાં જ્યારે ધર્મેન્દ્ર વિલન વિનોદખન્નાને પટ્ટાથી ફટકા મારે ત્યારે પણ દર્શકો જોર જોરથી ગણતરી કરતા હતા! આ ફિલ્મ રજૂઆત પામી એ મહિનાના બીજા જ મહિને આપણા ગુજરાતી
માસિક નવચેતનના એ વખતના તંત્રી શ્રી ચાંપશી ઉદેશી એ એમના અવલોકનનના લેખમાં ‘મેરા ગાવ મેરા દેશ’ની ખૂબ જ પ્રશંસા કરેલી, ફિલ્મમાં ગામની શેરીઓ, ગલીઓમાં વ્યાપ્ત સુનકારના સીનની ચાંપશીભાઈએ ખુલીને પ્રશંસા કરેલી.
લગભગ વીસ મિનિટનો કલાઈમેક્સની સિક્વન્સ અને એની જબરદસ્ત સિનેમેટોગ્રાફી ‘મેરા ગાવ મેરા દેશ’ ફિલ્મને આજે પણ જોવા જેવી, અભ્યાસ કરવા જેવી ફિલ્મ બનાવે છે.
રાજખોસલા અને ખોસલા એન્ટરપ્રાઇઝે હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં નોંધ લેવી પડે એવું પ્રદાન
આપ્યું છે.