શંકાને આધારે કોઈ માન્યતા બાંધી ન લેવી જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
વર્ષો અગાઉ ગઈ સદીના વિખ્યાત ગાયક કિશોરકુમારે કહેલો એક કિસ્સો રેડિયો પર સાંભળ્યો હતો. કિશોરકુમાર અને લતા મંગેશકર કોઈ જગ્યાએ ભેગા થયા હતા, જ્યાં કિશોરકુમારને પૂછાયું કે “તમે લતાજીને સૌ પ્રથમ ક્યારે મળ્યા હતા?
કિશોરકુમારે જવાબ આપ્યો હતો કે “હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવોનવો હતો એ વખતે અમારી પ્રથમ મુલાકાત થઈ હતી. એ વખતે અમે મુંબઈની લોકલ ટ્રેનોમાં સફર કરતા હતા. એક વખત મારે બોમ્બે ટોકિઝ જવાનું હતું. મેં ટ્રેન પકડી અને હું બોમ્બે ટોકિઝ જવા માટે જે સ્ટેશન પર ઊતર્યો. એ સ્ટેશન પર લતાજી પણ ટ્રેનમાંથી ઊતર્યા. લતાજી સ્ટેશનની બહાર નીકળ્યા. હું પણ તેમની પાછળ સ્ટેશન બહાર નીકળ્યો.
લતાજીને લાગ્યું કે હું કદાચ તેમનો પીછો કરી રહ્યો છું. તેઓ ઘોડાગાડીમાં બેઠા અને ઘોડાગાડીવાળાને બોમ્બે ટોકિઝ લઈ જવા માટે કહ્યું. હું પણ ત્યાં બાજુમાં જ એક ઘોડાગાડી ઊભી હતી એમાં બેઠો અને એને કહ્યું કે “બોમ્બે ટોકિઝ લે લો. લતાજી જે ઘોડાગાડીમાં હતા એ ઘોડાગાડી આગળ જઈ રહી હતી અને હું જેમાં બેઠો હતો એ ઘોડાગાડી તેમની પાછળ ચાલી રહી હતી.
એટલે લતાજીની શંકા દૃઢ બની કે આ માણસ મારો પીછો કરી રહ્યો છે. તેઓ બોમ્બે ટોકિઝ પહોંચ્યા અને ઘોડાગાડીમાંથી ઊતરી ગયાં. હું પણ ઘોડાગાડીમાંથી ઊતરી ગયો. અને તેમની પાછળ ચાલવા લાગ્યો. લતાજીએ સવાલ કર્યો કે “તમે મારો પીછો કરી રહ્યા છો?
મેં કહ્યું, “અરે! હું શા માટે તમારો પીછો કરું? મારે પણ બોમ્બે ટોકિઝમાં આવવાનું હતું. આ મારા ભાઈની કંપની છે (એ વખતે અશોકકુમાર બોમ્બે ટોકિઝમાં પાર્ટનર હતા). તો મારા ભાઈના સ્ટુડિયોમાં આવવું એ ગુનો છે.?
એ પછી લતાજી અંદર ગયાં. એ વખતે મારા ગુરુ પ્રખ્યાત સંગીતકાર ખેમચંદ પ્રકાશ ત્યાં હતા. લતાજીએ તેમની પાસે જઈને કહ્યું કે “આ માણસ મારો પીછો કરી રહ્યો છે!
ખેમચંદજીએ મને જોયો અને તેઓ હસી પડ્યા. તેમણે કહ્યું કે “અરે ભાઈ! આ તો કિશોર છે, આપણા અશોકકુમારનો નાનો ભાઈ! તો એ રીતે લતાજી અને હું મળ્યાં હતાં.
કિશોરકુમારનો આ કિસ્સો એટલા માટે યાદ આવ્યો કે એક પરિચિતે મને કહ્યું કે “ફલાણો માણસ મને હેરાન કરવા માટે રાતદિવસ કાવતરા રચી રહ્યો છે. તે મને નુકસાન પહોંચાડવા માટે કોઈ તક છોડતો નથી એવું મને લાગે છે. હું તેને બરબાદ કરી નાખીશ.
મેં તેમને કહ્યું કે “તમારી પાસે તેની વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો તમારે પોલીસને ફરિયાદ કરવી જોઈએ.
તેમણે કહ્યું કે “એવા કોઈ પુરાવા નથી મારી પાસે, પણ મને શંકા છે કે તે મને નુકસાન કરવા માટે રાતદિવસ એક કરી રહ્યો છે. તેમણે બીજી ઘણી બધી વાતો કરી. તેમની વાતો પરથી મને સમજાયું કે તેમની શંકા પાયાહીન છે. એટલે મેં તેમને કહ્યું કે “તમને પોલીસની નહીં, પણ કોઈ સારા મનોચિકિત્સકની જરૂર છે, કારણ કે તમે જે વ્યક્તિ વિશે કહ્યું તેમને હું પણ સારી રીતે ઓળખું છું. અને તે માણસ પાસે એટલો સમય પણ નથી હોતો કે કોઈને હેરાન કરવા માટે પોતાનો સમય બરબાદ કરે!
પરિચિતે કહ્યું કે “તે માણસને મારાથી અસલામતી લાગે છે!
તેમણે ઘણી વાતો કરી, પણ કશું નક્કર કારણ તેઓ મને ન આપી શક્યા કે પેલા સફળ માણસને તેમનાથી શા માટે એટલી અસલામતી લાગે કે તેઓ પોતાનો કામધંધો પડતો મૂકીને તેને બરબાદ કરવા માટે મચી પડે.
ઘણી વખત આપણને એવું લાગતું હોય કે કોઈ માણસ આપણી પાછળ પડ્યો છે, પરંતુ વાસ્તવિકતા જુદી હોઈ શકે. જેમ લતાજીને કિશોરકુમાર માટે એવી શંકા ગઈ હતી કે આ કોઈ દૃષ્ટ માણસ છે અને ખરાબ ઈરાદાથી મારો પીછો કરી રહ્યો છે, પણ વાસ્તવમાં તેમને જ્યાં જવાનું હતું એ જ સ્ટુડિયોમાં કિશોરકુમારને પણ જવાનું હતું!
ઘણી વખત આપણે માત્ર શંકાના આધારે કશુંક માની લેતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક જે દેખાતું હોય છે એ સત્ય નથી હોતું.
સોશિયલ મીડિયા પર સામાન્ય કારણોને લીધે કેટલાય લોકો વચ્ચે અબોલા થઈ જાય એવા કિસ્સાઓ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર કોઈ એક પોસ્ટ મૂકે એના આધારે કેટલીક વ્યક્તિઓ તેના વિશે એક માન્યતા બાંધી લેતી હોય છે અથવા તો એ પોસ્ટ પોતાના માટે ઉદ્દેશીને લખાઈ છે એવું માની લેતી હોય છે. અને એને કારણે વર્ષો કે દાયકાઓ જૂનાં સંબંધોનો અંત આવી જાય એવા કિસ્સાઓ પણ બને છે.
કોઈના પર શંકા જાય તો પૂરી ચકાસણી કર્યા વિના કોઈ નિર્ણય પર ન આવવું જોઈએ. માત્ર શંકા કે અનુમાનના આધારે કોઈ માન્યતા ન બાંધી લેવી જોઈએ.