નર પર્વતમાંથી નીકળી અનેક જલધારા અલકનંદાને મળે છે

ધર્મતેજ

સપ્ત બદરી, સપ્ત પ્રયાગ

જીવનનું અમૃત -ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)
ઇન્દ્રધારા અલકનંદાને મળે છે ત્યાં નદી કિનારે પણ એક તીર્થ છે-અત્રિ-અનસુયા-તીર્થ! ખૂબ રમણીય અને એકાંત સ્થાન છે. અહીં એક નાનો ઓરજો પણ બન્યો છે. એકાંતસાધના કે અનુષ્ઠાન માટે ખૂબ ઉપયુક્ત
સ્થાન છે.
અમે હવે પાછા ફરવાની તૈયારીમાં છીએ. અચાનક એક યુવાન સજજન સાથે મુલાકાત થઇ. આ સજનનું નામ છે. જીતસિંહ. અહીંના જ નિવાસી છે. અમારી તેમની સાથે થોડી વાતો થઇ. તેમની સાથેની વાતચીત દ્વારા આ બદરીનાથક્ષેત્ર વિશે કાંઇક જાણકારી પ્રાપ્ત થઇ છે, જે અહીં પ્રસ્તુત છે:
આપણી સામાન્ય માન્યતા એવી છે કે આ બદરીનાથક્ષેત્રમાં એક જ ગામ છે-માનાગામ! પરંતુ આ માન્યત સાચી નથી. વસ્તુત: આ ક્ષેત્રમાં સાત
ગામ છે.
નારાયણપર્વત પર ચાર ગામ છે:
૧. ઇન્દ્રધારા, ૨. ગજકોટિ, ૩. બદરીનાથ, ૪. બ્રાહ્મણીગામ નર પર્વત પર ત્રણ ગામ છે, ૫. માનાગામ, ૬. પટિયા, ૭. ધંતોલિ.
બદરીનાથગામમાં પુરોહિતો, પંડાઓ, મંદિરના કર્મચારીઓ, વેપારીઓ, હોટેલ-વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓ, યાત્રીઓ આદિ વસે છે. મૂળ બદરીનાથ ગામ તો નારાયણ-પર્વત પર વસેલું છે, પરંતુ હવે તેનો ઘણો વિસ્તાર થયો છે અને તદનુસાર બદરીનાથનગર હવે અલકનંદાના બંને કિનારે અર્થાત્ નારાયણ અને નર એમ બન્ને પર્વતો પર વસેલું છે.
બાકીના છ ગામોમાં અહીં આદિવાસી પ્રજા અર્થાત્ જનજાતિ પ્રજા વસે છે. માત્ર બ્રાહ્મણીગામમાં સામાન્ય જનજાતિ પ્રજા વસે છે. બાકીનાં બીજાં ગામોમાં મારચા જાનજાતિ પ્રજા વસે છે. મારચા જનજાતિ મૂલત: ભોટિયા પ્રજાની એક પેટા-જાતિ છે.
આ જનજાતિ પ્રજા અહીં છ મહિના રહે છે. અહીં તેમનાં ખેતરો અને મકાનો છે. આ છ માસ દરમિયાન, અર્થાત્ મે મહિનાથી ઑક્ટોબર મહિના સુધીમાં તેઓ અહીં ખેતી કરે છે. મોટા ભાગે બટાટાંનું વાવેતર થાય છે. અહીંની ઠંડીમાં બટાટાં મબલખ પાક ઊતરે છે. નવેમ્બરથી એપ્રિલ એમ શિયાળાના છ માસ સુધી આ સર્વ લોકો નીચેના વિસ્તારમાં ચાલ્યા જાય છે. તેમના પશુઓેને પણ સાથે લઇ જાય છે. બ્રાહ્મણીગામની પ્રજા પાંડુકેશ્ર્વરમાં રહે છે. ત્યાં તેમના મકાનો છે. બાકીના ગામના લોકો ચમોલીમાં શિયાળો વિતાવે છે. ત્યાં તેમનાં મકાનો છે, પરંતુ જમીન નથી. આ છ માસ દરમિયાન આ સર્વ કાંતવું, વણવું, સીવવું, ગૂંથવું આદિ કામો કરે છે. જોકે હવે આ ગૃહઉદ્યોગો ઝડપથી ઘટી રહ્યાં છે.
જીતસિંહે અમને સમજાવ્યું કે આ નારાયણ-પર્વત અને આ નર-પર્વતમાંથી નીકળીને અનેક જલધારાઓ અલકનંદાને મળે છે. આ અનેકમાંથી પ્રધાન જલધારાઓ આ પ્રમાણે છે.
નર-પર્વત પરથી ચાર પ્રધાન ધારા નીકળે છે.
૧. ઋગ્વેદધારા
૨. યજુર્વેંદધારા
૩. સામવેદધારા
૪. અથર્વવેદધારા
નારાયણ-પર્વત પરથી છ પ્રધાન જલધારા નીકળે છે:
૫. ઇન્દ્રધારા
૬. ભૃગુધારા
૭. અગ્નિધારા
૮. પ્રહ્લાદધારા
૯. કૂર્મધારા
૧૦. ઋષિગંગા
ઇન્દ્રધારા પાસે તો અમે બેઠા છીએ.
અમારી પાછળ ભૃગુધારા પણ અહીંથી જોઇ શકાય છે.
અગ્નિધારા એટલે તપ્તકુંડમાં આવતી ઉષ્ણજલધારા.
પ્રહ્લાદધારા અને કૂર્મધારા બદરીનાથ ગામ વચ્ચેથી વહે છે, અર્થાત્ બ્રાહ્મણીગામ અને બદરીનાથમંદિરની વચ્ચેના ભાગમાં આ બન્ને જલધારા છે. ઋષિગંગા બ્રાહ્મણીગામ પાસે છે.
હવે અમે ઇન્દ્રધારાથી મંદિર તરફ પાછા આવી રહ્યાં છીએ. ઇન્દ્રધારાથી
પાછા ફરતાં એક જલધારા આવી. નાનું બોર્ડ પણ મૂકયું છે: ભૃગુધારા.
રમેશભાઇ અહીંથી જ સીધા અમારે ઉતારે પહોંચવા માટે નીકળ્યા. હું એકલો જ ભૃગુધારાને કિનારે-કિનારે ઉપરની દિશામાં આગળ ચાલ્યો. થોડા ચઢાણ પછી એક નાનું બીજું બોર્ડ આવ્યું: ભૃગુગુફા આશ્રમ.
અહીં એક નાની સુંદર ગુફા છે-ભૃગુગુફા. આ સ્થાનને મહર્ષિ ભૃગુની તપશ્ર્ચર્યાભૂમિ માનવામાં આવે છે. અહીં ત્રણ ચાર બીજા ઓરડા અને એક નાની ગૌશાળા પણ છે.
અહીં એક સાધુનાં દર્શન થયાં. નામ છે કૃપાંશાચાર્ય ! તેમના ગુરુમહારાજ મુકુંદાચાર્ય સાથે તેઓ વર્ષમાં છ મહિના અહીં રહે છે અને છ મહિના જોષી મઠ તરફ એક અન્ય આશ્રમમાં રહે છે. ગુુરુમહારાજ મુકુંદાચાર્ય હજુ અહીં આવ્યા નથી, હવે આવશે. અમને દર્શન થઇ શક્યાં નહીં.
કૃપાંશાચાર્યના કહેવા પ્રમાણેે ગુરુ મુકુંદાચાર્યની વય ૯૫ વર્ષની છે. તેઓ છેલ્લાં ૬૫ વર્ષથી અહીં આ ભૃગુગુફા આશ્રમમાં રહે છે. તેમના કહેવા પ્રમાણે આ બદરીનાથક્ષેત્રમાં વસતા સાધુઓમાં સૌથી જૂના સાધુ તેઓ જ છે.
શ્રી કૃપાંશાચાર્ય સાથે સારો સત્સંહ થયો. તેઓ શાંત સ્વભાવના, મિતભાષી અને સાત્ત્વિક પ્રકૃતિના સાધુ છે તેમ લાગ્યું. તેઓ રામાનુજપરંપરાના સાધુ હોવાનું જણાય છે.
શ્રી કૃપાંશાચાર્યની વિદાય લઇને હું મંદિર તરફ આવવા નીકળ્યો અન મંદિરે દર્શન કરીને અમારે ઉતારે પહોંચી ગયો.
સાંજે પાંચ વાગ્યે અમારે કર્પૂર-આરતીમાં ભાગીદાર થવાનું છે.
ભગવાન બદરીનાથ અને તેમની પંચાયતના સર્વ દેેવોનાં નિરાંતે દર્શન પામ્યા. કર્પૂક આરતી થઇ. લગભગ પંદરેક મિનિટ મંદિરમાં સભામંડપમાં રહ્યાં. પુન:પુન દર્શન પામીને આખરે અમે પણ સૌની સાથે મંદિરની બહાર આવ્યા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.