નવા વર્ષના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત (મંથલી રેડિયો કાર્યક્રમ)માં વર્ષ 2022ની ઉપલબ્ધિનો ઉલ્લેખ કરતા વર્ષ 2023ના પડકારોની ચર્ચા કરી હતી. મન કી બાતના કાર્યક્રમમાં નવા વર્ષની ઉજવણી કરો, પરંતુ કોરોનાથી સાવધાની રાખવાની વડા પ્રધાને લોકોને અપીલ કરી હતી. ચીન અને અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે ત્યારે તેની તકેદારીના ભાગરુપે દેશવાસીઓને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતમાં અનુરોધ કર્યો હતો. ચીનમાં કોરોનાએ તબાહી મચાવી છે ત્યારે દેશવાસીઓએ કોરોના સંબંધ સાવધાની રાખવાની અપીલ કરી છે. રવિવારે વડા પ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમના 96મા એપિસોડમાં દેશવાસીઓને કહ્યું હતું કે દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ માસ્ક પહેરવાની સાથે હાથ ધોવાની જેવી મહત્ત્વની બાબત પર સાવધાની રાખવાનું જરુરી છે.
દેશમાં કોરોના મહામારીને કારણે ફરી પરિસ્થિતિ વધારે બગડે નહીં તેના માટે ભારત સરકારે સતર્કતા દાખવી છે. કેન્દ્ર સરકારે અગાઉથી ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને હોંગકોંગથી આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યાં છે. ચીનમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, તેથી ચીનના પ્રવાસીઓ પર સૌથી વધારે નજર રાખવામાં આવી રહી છે. સરકારે દેશવાસીઓને ભીડભાડવાળા વિસ્તારોમાં બિનજરુરી જવાનું ટાળવાની સાથે કોવિડ-19 ગાઈડલાઈન્સનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે.