મન કી બાત: PM મોદીની દેશવાસીઓને અપીલ-દર રવિવારે રાત્રે 9 વાગ્યે દૂરદર્શન પર આવતી ‘સ્વરાજ’ સિરિયલ જુઓ

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. ‘મન કી બાત’ કાર્યક્રમનો આ 92મો એપિસોડ હતો. મન કી બાત’ કાર્યક્રમ 2014માં શરૂ થયો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં અમૃત મહોત્સવ અનેરા ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશની જનતાએ પણ તિરંગા યાત્રાને સફળ બનાવી છે.
પીએમ મોદીએ કહ્યું કે, થોડા દિવસો પહેલા જ તેમને સૂચના અને પ્રસારણ મંત્રાલયના કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળી હતી. ત્યાં તેમને સિરિયલ ‘સ્વરાજ’નું સ્ક્રીનિંગ રાખ્યું હતું. દેશની યુવા પેઢીને આઝાદીની ચળવળમાં ભાગ લેનાર અજાણ્યા નાયકો અને નાયિકાઓના પ્રયાસોથી પરિચિત કરાવવાની આ એક મહાન પહેલ છે. દૂરદર્શન પર દર રવિવારે રાત્રે 9 વાગે તેનું પ્રસારણ થાય છે, જે 75 અઠવાડિયા સુધી ચાલશે. તેમણે લોકોને સમય કાઢીને આ સિરિયલ જોવાની અને ઘરના બાળકોને પણ બતાવવાની અપીલ કરી હતી, જેનાથી આપણા દેશમાં આઝાદીના આ મહાન નાયકો પ્રત્યે એક નવી જાગૃતિ આવશે.
પીએમ મોદીએ બોત્સ્વાનાના એક સ્થાનિક ગીતકારની માહિતી આપી હતી જેણે ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી માટે હિન્દી, પંજાબી, ગુજરાતી, બંગાળી, તમિલ અને બીજી ઘણી ભાષાઓમાં 75 દેશભક્તિના ગીતો ગાયા હતા.
તેમણે આસામમાં ચાલી રહેલા એક રસપ્રદ પ્રોજેક્ટની વાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય કુપોષણ સામે લડવાનો છે. આ અંતર્ગત, તંદુરસ્ત બાળકની માતા અઠવાડિયામાં એકવાર આંગણવાડી કેન્દ્રમાં કુપોષિત બાળકની માતાને મળે છે. આ પહેલને કારણે એક વર્ષમાં 90 ટકાથી વધુ બાળકોમાં કુપોષણ નાબૂદ થયું છે, એમ તેમણે જણાવ્યું હતું. મોદીએ મન કી બાતમાં બરછટ અનાજ અંગે જાગૃતિ વધારવા અને તેને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું.
ડિજિટલ ઈન્ડિયાની સુવિધા ગામડે ગામડે પહોંચી હોવાની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જેમ, અગાઉ ગામડામાં પહેલી વાર વીજળી પહોંચી ત્યારે લોકો ખુશ થતા હતા, તેમ હવે નવા ભારતમાં ગામેગામ 4G પહોંચે છે ત્યારે લોકોને એ જ ખુશી થાય છે.
પીએમ મોદીએ આગામી ગણેશ ચતુર્થી, ઓનમ અને હરતાલિકા તીજ જેવા તહેવારોને શાંતિ અને સમૃદ્ધિની ભાવના સાથે ઉજવવાની અપીલ કરી હતી.
નોંધનીય છે કે દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન ચેનલો પર પ્રસારિત કરવામાં આવે છે. પ્રસાર ભારતી આ કાર્યક્રમને તેના AIR નેટવર્ક પર 23 ભાષાઓ અને 29 બોલીઓમાં પ્રસારિત કરે છે, જેથી દેશના દરેક નાગરિક સુધી તેમની વાત સરળતાથી પહોંચી શકે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.